ઔડા-પંચાયતને કંઈ પડી નથી...:ઘુમાની સૂરધારા રેસિડેન્સી 20 દિવસથી ઘૂંટણસમા પાણીમાં, 200 ફરિયાદ છતાં કંઈ થતું નથી

અમદાવાદ9 દિવસ પહેલાલેખક: ચિંતન રાવલ
  • કૉપી લિંક
ઘુમા પાસે આવેલી સૂરધારા રેસિડેન્સીમાં 20 દિવસથી ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે. - Divya Bhaskar
ઘુમા પાસે આવેલી સૂરધારા રેસિડેન્સીમાં 20 દિવસથી ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે.

ઘુમા પાસે આવેલી સૂરધારા રેસિડેન્સીમાં 20 દિવસથી વરસાદી પાણી ઉતર્યા નથી. ગત 10 જુલાઈએ પડેલા ભારે વરસાદથી અહીં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. આજે પણ સ્થિતિ એજ છે. રેસિડેન્સીમાં 120 પ્લોટ આવેલા છે જેમાંથી 25 વૈભવી મકાન બની ગયા છે અને 150-200 લોકો રહે છે. સ્થાનિકોએ કહ્યું કે, ઘૂંટણ સુધી પાણી ભરાવાથી બાળકો સ્કૂલે પણ જઈ શકતા નથી.

આજે પણ એવી સ્થિતિ છે કે, ઘરની બહાર કેવી રીતે નીકળવું તે પણ કોયડો બની ગયો છે.
આજે પણ એવી સ્થિતિ છે કે, ઘરની બહાર કેવી રીતે નીકળવું તે પણ કોયડો બની ગયો છે.

તેમણે કહ્યું કે, સરપંચ, તલાટી, ટીડીઓને રોજ અનેક વખત ફોન કર્યા તેમજ 200થી વધુ લેખિત ફરિયાદ કરી હોવા છતાં પાણીનો નિકાલ થતો નથી. માત્ર એટલું જ આશ્વાસન આપવામાં આવે છે કે આજકાલમાં પાણીનો નિકાલ થઈ જશે. રહીશોનું કહેવું છે કે, 20-20 દિવસથી પાણી ઓસરતા નહીં હોવાથી મચ્છરોનો ભારે ઉપદ્રવ થયો છે અને રોગચાળાનો પણ ભય છે. પાણી ભરાયેલા હોવાથી ફેરિયાથી પાણી કુરિયર સર્વિસના માણસો પણ આવતા નથી.

ટ્રેકની બંને બાજુ પુરાણથી પાણી ભરાયાં
લોકોના આગણાં પાણીમાં જ છે. ઘરની બહાર ઘૂંટણ સુધી પાણી ભરાયેલા છે. રેલવે ટ્રેક બનાવવા માટે ટ્રેકની બંને બાજુએ કરેલા માટીના પુરાણને કારણે પાણી ભરાઈ રહે છે, વધુ વરસાદ પડે તો ઘરમાં પણ આવી જવાની બીક લાગે છે. - નીલાંબર જોષી, નિવૃત્ત લેફ્ટેનન્ટ કર્નલ

માત્ર ઠાલાં આશ્વાસનો અપાય છે
તલાટી સાથે ત્રણ-ચારવાર, સરપંચ સાથે બેવાર મીટિંગ કરી, ઉચ્ચ અધિકારીઓને પણ આ બાબતે જાણ કરી, આ લોકો સતત આશ્વાસન આપે છે કે તમારી સોસાયટીના પાણીનો નિકાલ કરી આપીશું. પણ કંઈ થતું નથી. - રાજન ભટ્ટ, રહીશ

શાક લેવા પણ ગાડી લઈને જવું પડે છે
રેસિડેન્સીમાં દરેક જગાએ પાણી ભરાયાં હોવાથી અનાજ-કરિયાણું કે શાકભાજી લાવવા હોય તો ગાડી લઈને જવું પડે, એમાંય ગાડી બંધ ના થઈ જાય તેની બીક લાગે છે. પાણીને કારણે મચ્છર વધી ગયાં છે, ગટરના પાણીની ગંધ મારે છે. - અમિશા ભટ્ટ, રહીશ

અગાઉ ક્યારેય પાણી ભરાતાં ન હતાં
પહેલાં ક્યારેય પાણી ભરાવાની સમસ્યા નહોતી. પરંતુ થોડા દિવસ પહેલાં પડેલા વરસાદથી ઘર પાસે એટલું પાણી ભરાઈ જાય છે કે, ઘરની રોજીંદી વસ્તુઓ કેવી રીતે લાવવી, ટુવ્હિલર લઈને પાણીમાંથી નીકળીએ તો તે બંધ થઈ જાય છે. - જગદીશ ઝાલા, રહીશ

અન્ય સમાચારો પણ છે...