ઘાટલોડિયામાં જંગ જામશે:મુખ્યમંત્રી સામે બે મહિલા સહિત 10 ઉમેદવાર, એક યુવાને તો ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા ચૂંટણીમાં ઝંપલાવ્યું!

અમદાવાદ21 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરાઈ ચૂક્યા છે. અમદાવાદની કુલ 21 બેઠકો માટે 218 લોકોએ 589 જેટલા ફોર્મ ભર્યા છે. ત્યારે રાજ્યની હાઇપ્રોફાઈલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉમેદવાર છે, એવી અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના રાજ્યસભાના મહિલા સાંસદ સહિત 11 લોકોએ ઉમેદવારી નોંધાવી છે. આ 11માંથી બે અપક્ષ, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને અન્ય 6 પાર્ટીના ઉમેદવારો ઉભા છે. મુખ્યમંત્રીની સામે રાજ્યસભાના સાંસદથી લઇ અને ધોરણ 11 (સાયન્સ) સુધીના ભણેલા ઉમેદવારો છે. ઘાટલોડિયામાં ભાજપ, કોંગ્રેસ અને AAP એમ ત્રણેય મુખ્ય પાર્ટીના ઉમેદવાર કરોડપતિ છે.

11 પૈકી મુખ્યમંત્રી સહિત 4 પાટીદાર ઉમેદવાર
ઘાટલોડિયા વિધાનસભા બેઠક ભાજપનો અને પાટીદારોનો ગઢ ગણવામાં આવે છે. 11માંથી 4 ઉમેદવાર પાટીદાર છે. જેમાં ભાજપ અને AAPએ પાટીદાર ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે ગુંજ સત્યની જનતા પાર્ટીના અને એક અપક્ષ પણ પાટીદાર ઉમેદવાર છે. ઘાટલોડિયા બેઠક પરથી મહિલા ઉમેદવાર તરીકે કોંગ્રેસે ડો. અમીબેન યાજ્ઞિકને ટિકિટ આપી છે, જેઓ રાજ્યસભાના સાંસદ છે. જ્યારે અન્ય મહિલા સંજુબેન રેગર છે. જેઓ જનસેવા ડ્રાઇવર પાર્ટીમાંથી ઉમેદવાર છે અને તેઓ સૌપ્રથમવાર ચૂંટણી લડી રહ્યા છે અને મુખ્યમંત્રીની સામે જ તેઓ ચૂંટણી લડી રહ્યા છે.

ભૂપેન્દ્ર પટેલ
ભૂપેન્દ્ર પટેલ

સુરેન્દ્રનગરનો યુવા ઉમેદવાર લીકર પોલિસીમાં બદલાવ ઈચ્છે છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે ઉમેદવારી નોંધાવનારામાં સૌથી આશ્ચર્યજનક નામ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દેદાદરા ગામના નરેશ પ્રિયદર્શીનું છે. અપક્ષ ઉમેદવાર એવા નરેશ પ્રિયદર્શી પોતે ગુજરાતમાં લીકર પોલિસીમાં બદલાવ કરીને દારૂબંધી હટાવવાની માગ કરે છે. તેઓની એક જ માગ છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટવી જોઈએ. નરેશ પ્રિયદર્શી એવી માંગ કરે છે કે 60 વર્ષથી ગુજરાત દારૂબંધીના નામે પીડાય છે અને માન સન્માન સાથે દારૂની બોટલ મળવી જોઈએ અને ગુજરાતની જનતા આ નક્કી કરે તેવી વાત તેઓ કહી રહ્યા છે.

નરેશ પ્રિયદર્શી
નરેશ પ્રિયદર્શી

'સારી ક્વોલિટીનો દારૂ પીવા મળે એટલે દારૂબંધી હટાવી જોઈએ'
નરેશ પ્રિયદર્શી સાથે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સામે લડી રહ્યો છું અને મારી એક જ માગ છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટવી જોઈએ. દારૂબંધીના કારણે ગુજરાત સરકારને ઘણું નુકસાન જાય છે. છેલ્લા છ મહિનાથી હું આ આંદોલન ચલાવી રહ્યો છું, ગુજરાતની અંદર દારૂબંધીના કારણે સારો દારૂ પીવાની જગ્યાએ લોકો ખરાબ દારૂ પીવે છે અને લઠ્ઠાકાંડ જેવું થાય છે. જેના કારણે ઘણા બહેનો વિધવા પણ થાય છે. જેને દારૂ પીવો છે એને સારું દારૂ મળતો નથી અને ખરાબ દારૂ પીવે છે, જેથી આ શરાબનીતિમાં બદલાવ થવો જોઈએ તેવી મારી માગ છે. મુખ્યમંત્રીની સીટ પરથી લડવાનું કારણ જ એક છે કે, આ ગુજરાતની અંદરથી દારૂબંધી જે હટાવી જોઈએ અને તે હટાવવા માટે લોકો મને કેટલો સપોર્ટ કરે છે તે મારે જાણવું છે અને સરકારમાં બેઠેલા લોકો જ આ નીતિ જ બદલાવી શકે જેથી હું આ ચૂંટણી લડી રહ્યો છું.

ડો. અમીબેન યાજ્ઞિક
ડો. અમીબેન યાજ્ઞિક

14 લોકસભા વિસ્તારની 80 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા
રાઇટ ટુ રિકોલ પાર્ટીના સંસ્થાપક રાહુલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમે અલગ અલગ 20 જેટલી સીટો પર ચૂંટણી લડી રહ્યા છીએ. અગાઉ તેઓ 2014માં પણ ગાંધીનગર લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. રાઇટ ટુ રિકોલના ભારતમાં કાયદા લાવવા માટે થઈ અને સમગ્ર ભારતમાં 14 લોકસભા અને 80 વિધાનસભા બેઠકો ઉપર અમે ચૂંટણી લડી રહ્યા છીએ. મારા પિતાજી સ્વાતંત્ર્ય સેનાની પણ હતા. તેઓ ભારત છોડો આંદોલનમાં વર્ષ 1942માં જેલમાં પણ ગયા હતા. તેઓ સાંસદ અને મંત્રી પણ રહી ચૂક્યા છે.

ઘાટલોડિયા બેઠક પરથી કોણ કોણ ઉમેદવાર છે?
ભાજપ
નામ - ભૂપેન્દ્ર પટેલ
ઉંમર - 60 વર્ષ
વ્યવસાય - સમાજ સેવા
અભ્યાસ - ડિપ્લોમા ઇન સિવિલ એન્જીયરિંગ
રાજકીય કારકિર્દી - ભૂપેન્દ્ર પટેલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે અને બે વખત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે. વર્ષ 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યા હતા અને એક લાખથી વધુની લીડથી તેઓ જીત્યા હતા. વર્ષ 2021માં તેઓ મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને આ વખતે ફરી એકવાર તેઓ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે.

કોંગ્રેસ
નામ - ડો. અમીબેન યાજ્ઞિક
ઉંમર - 63 વર્ષ
વ્યવસાય - વકીલાત, રાજયસભા સાંસદ
અભ્યાસ - J.S.D., ડોક્ટર ઓફ લો એન્ડ J.S.M., માસ્ટરઓફ સાયન્સ ઓફ લો, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી U.S.A.
રાજકીય કારકિર્દી - ડો. અમીબેન યાજ્ઞિક કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ છે અને તેઓ કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા પણ રહી ચૂક્યા છે.

આમ આદમી પાર્ટી
નામ - વિજય પટેલ
ઉંમર - 40 વર્ષ
વ્યવસાય - શ્રીજી એજયુકેશન સર્વિસ
અભ્યાસ - માસ્ટર ઓફ એજ્યુકેશન
રાજકીય કારકિર્દી - પ્રથમ વખત આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

રાઈટ ટુ રિકોલ પાર્ટી
નામ - રાહુલ મહેતા
ઉંમર - 54 વર્ષ
વ્યવસાય - સોફ્ટવેર એન્જિનિયર
અભ્યાસ - B. TECH- IIT દિલ્હી, MS રટગર્સ ન્યૂ જર્સી (USA)
રાજકીય કારકિર્દી - રાહુલ મહેતા રાઈટ ટુ રિકોલ પાર્ટીના સંસ્થાપક છે અને તેઓ ગાંધીનગર લોકસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. રાહુલના પિતા ચીમનભાઇ મહેતા સ્વાતંત્ર્ય સેનાની હતા અને તેઓ મંત્રી તેમજ સાંસદ પણ રહી ચૂક્યા છે. રાઈટ ટુ રિકોલ માટે તેઓ ચૂંટણી લડી રહ્યા છે.

આદિ ભારત પાર્ટી
નામ - હિતેન્દ્રભાઈ પારેજીયા
ઉંમર - 53 વર્ષ
વ્યવસાય - નીલમ એન્ટરપ્રાઇઝ
અભ્યાસ - BA પ્રથમ વર્ષ
રાજકીય કારકિર્દી - આદિ ભારત પાર્ટીના તેઓ પ્રમુખ છે. વિધાનસભાની પ્રથમ ચૂંટણી લડી રહ્યાં છે.

વ્યવસ્થા પરિવર્તન પાર્ટી
નામ - જ્યેન્દ્ર રાઠોડ
ઉંમર - 39 વર્ષ
વ્યવસાય - કોમ્પ્યુટરને લગતું કામ અને ટીચર
અભ્યાસ - M.TECH સાયબર સિક્યુરિટી FSL યુનિવર્સિટી
રાજકીય કારકિર્દી - વર્ષ 2019ની ગાંધીનગર લોકસભા બેઠક પરથી તેઓ બહુજન સમાજ પાર્ટીના (BSP) ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચુક્યા છે.

જન સેવા ડ્રાઈવર પાર્ટી
નામ - સંજુબેન રેગર
ઉંમર - 33 વર્ષ
વ્યવસાય - નોકરી (માર્કેટિંગ)
અભ્યાસ - બેચલર ઓફ આર્ટ
રાજકીય કારકિર્દી - જન સેવા ડ્રાઈવર પાર્ટીમાં તેઓ મહિલા મોરચામાં હોદ્દો ધરાવે છે.

અપક્ષ
નામ - નરેશ પ્રિયદર્શી
ઉંમર - 40 વર્ષ
વ્યવસાય - ખેતી - વેપાર
અભ્યાસ - M.A, B.ED
રાજકીય કારકિર્દી - ગુજરાતમાંથી દારૂબંધી હટવી જોઈએ અને શરાબ નીતિમાં બદલાવ લાવવો જોઈએ તેવી માંગ સાથે તેઓ ચૂંટણી લડી રહ્યા છે. ગુજરાતના યુવાનોને સારો દારૂ નથી મળતો તેથી ખરાબ દારૂ પીવા મજબૂર થઈ રહ્યા અને લઠ્ઠાકાંડ થાય છે.

ભારતીય નેશનલ જનતા દળ
નામ - ભટ્ટ દિનેશચંદ્ર
ઉંમર - 43 વર્ષ
વ્યવસાય - નોકરી
અભ્યાસ - ધો. 12 પાસ
રાજકીય કારકિર્દી - ભારતીય નેશનલ જનતા દળના તેઓ રાષ્ટ્રીય સચિવ છે.

ગુંજ સત્યની જનતા પાર્ટી
નામ - નિમેશ પટેલ
ઉંમર - 47 વર્ષ
વ્યવસાય - ખેતી- વેપાર
અભ્યાસ - ITI મિકેનિક
રાજકીય કારકિર્દી - ગુંજ સત્યની જનતા પાર્ટીના તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ છે.

અપક્ષ
નામ - કાછડિયા કેશવલાલ
ઉંમર - 60 વર્ષ
વ્યવસાય - એસ્ટેટ બ્રોકર
અભ્યાસ - ધો. 11 સાયન્સ
રાજકીય કારકિર્દી - વર્ષ 2019માં ગાંધીનગર લોકસભામાં તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે અને સૌરાષ્ટ્ર પટેલ સમાજના તેઓ આગેવાન છે.

અન્ય સમાચારો પણ છે...