સ્વામિનારાયણ મંદિર, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, એમ્બલટન, પર્થમાં ઘનશ્યામ મહારાજનો ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. સ્વામિનારાયણ ગાદીના મુક્તજીવન સ્વામીબાપાના વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ આ ભૂમિ પર પધારી સત્સંગના બીજ રોપ્યાં હતા.વેદરત્ન આચાર્ય સ્વામીજી મહારાજની પ્રેરણાથી શિખરબંધ મંદિર તૈયાર થતાં સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ" અવસરે સંગેમરમરનાં સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપા અને સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપાની મૂર્તિઓ પધરાવી હતી.
ષોડશોપચારથી પૂજન, અર્ચન, ધજા આરોહણ
ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વાચનમૃત ગ્રંથ, સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા જીવનપ્રાણ અબજીબાપાની વાતોની સમૂહ પારાયણો,કથાવાર્તા, વિશ્વશાંતિ યજ્ઞ તથા વિશ્વના તમામ મનુષ્યો તેમજ પ્રાણી માત્ર સુખી રહે તે માટે પ્રાર્થના, ષોડશોપચારથી પૂજન, અર્ચન, ધજા આરોહણ, અન્નકૂટ દર્શન, આરતી, પરમ પૂજય આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા.
માણસને ખરા અર્થમાં માણસ બનાવવા મંદિર જરૂરી છે
આ પ્રસંગે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જીતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે અક્ષરધામ તુલ્ય ભવ્ય મંદિરનું સર્જન વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી આપ્યું છે. તો આપણાં બાળકો, યુવાનોનું જીવન સુસંસ્કારી, નિયમશીલ બને તે માટે મંદિરનું નિર્માણ કરે છે. સંપ કેળવાય, ભાતૃભાવ કેળવાય, તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, માહાત્મ્યસહીત ભક્તિના પાઠો ભણાવવા માટે મંદિરનું નિર્માણ જરૂરી છે. માણસને ખરા અર્થમાં માણસ બનાવવા માટે મંદિર જરૂરી છે. મંદિરોથી સંસ્કાર વધે છે.
મંદિરમાં વિશ્વબંધુત્વની ભાવના કેળવાય છે
તેમણે વધુમાં કહ્યું હતું કે, મંદિરમાં વિશ્વબંધુત્વની ભાવના કેળવાય છે. આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખી તેનું સદાયને માટે પોષણ કરવા માટે મંદિરની નિર્માણ કરે છે. જેટલાં બાળકો, યુવાનો સારા સંસ્કારી બનશે તેટલું વૃદ્ધાવસ્થામાં સુખ થશે. જો બાળકને સંસ્કાર આપ્યા હશે તો બાળકો પણ સચવાશે સાથે સાથે ધન વારસો પણ સચવાશે. વડીલો, વૃદ્ધોએ, ખાસ નાનાં બાળકોને પોતાની પાસે બેસાડીને રમત ગમતમાં સંસ્કાર આપવાનાં, મંદિરનાં દર્શને લાવવાના, આ ફરજ દાદા દાદીની થાય છે. પછી માતા પિતાની ફરજ બને છે કે રોજ મંદિરે દર્શન કરવા મોકલવા. બધાએ આ ખટકો રાખવાનો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.