તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રિપોર્ટ:અમદાવાદના ગીતા મંદિર સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર બેદરકારી, સ્કેનિંગ થતું નથી અને ફૂલ કેપેસિટી મુસાફર સાથે બસો દોડે છે

અમદાવાદ10 દિવસ પહેલા
  • બસ ટર્મિનલના એન્ટ્રી પોઈન્ટે ના સેનેટાઇઝિંગની વ્યવસ્થા કે ના થર્મલ સ્કેનિંગ
  • ટેમ્પરેચર ચેક કરવાના સાધનો બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યા છે

રાજ્યમાંથી કોરોના ગયો નથી. પરંતુ છેલ્લા 2-3 મહિનાની સરખામણીએ હાલ કોરોનાના કેસ ઓછા નોંધાઇ રહ્યા છે. પરંતુ હવે જો કોઈ લોકો સાવચેત નહીં થાય અને બેદરકારી દાખવશે તો કોરોનાની ત્રીજી લહેર આવે તો તેમાં કોઈ નવાઈ નહીં. DivyaBhaskarએ ગીતા મંદિર સ્થિત સેન્ટ્રલ બસ ટર્મિનસ ખાતે તપાસ કરી હતી. તો ત્યાં મુસાફરોનું થર્મલ સ્કેનિંગ થતું ન હતું તે જોવા મળ્યું. સાથે જ એસટી બસમાં મુસાફરો ફૂલ કેપેસિટી સાથે બેસાડાતા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત ત્યાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને ટેમ્પરેચરના સાધનો ધૂળ ખાતા સહિતની બાબતો સામે આવી હતી.

રાજ્યમાં હવે એસટી બસના તમામ રૂટ શરૂ કરી દેવાયા
સરકાર પબ્લિક પ્લેસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટ પર ઘણા પ્રતિબંધ લાદયા હતાં. જેમાં રાજ્યમાં ચાલતી જાહેર બસ સેવા એટલે એસ ટી વિભાગની ઘણી ટ્રીપોને રદ્દ કરવામાં આવી હતી. પરંતુ જેટલી ટ્રીપો ચાલુ હતી તેમાં 50 ટકા મુસાફરો સાથે જ ટ્રીપ શરૂ કરવા આદેશ કરાવ્યો હતો. એસ ટી નિગમે રાજ્યભરમાં ચાલતી 14500 ટ્રીપોમાંથી 12500 ટ્રીપ રદ્દ કરી હતી. જોકે કેટલાક રૂટ પર મુસાફરો ન મળવાના કારણે તેને રદ્દ કરી દેવામાં આવી હતી. જોકે થોડાં દિવસ અગાઉ એસ.ટી નિગમે 14500 ટ્રીપોને રાબેતા મુજબ શરૂ કરી હતી.પરંતુ હજી પણ 50 ટકા મુસાફરો માટેની જ પરવાનગી આપવામાં આવી છે.

થર્મલ મશીન અને સેનેટાઈઝિંગની કોઈ વ્યવસ્થા બસ સ્ટેશન પર નથી
થર્મલ મશીન અને સેનેટાઈઝિંગની કોઈ વ્યવસ્થા બસ સ્ટેશન પર નથી

થર્મલ સ્કેનિંગ કે સેનેટાઇઝરની કોઈ વ્યવસ્થા નહીં
એસટીના તમામ બસ સ્ટેન્ડ પર તમામ મુસાફરોનું થર્મલ સ્કેનિંગ થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ આજે દિવ્યભાસ્કરની ટીમે અમદાવાદના ગીતામંદિર સેન્ટ્રલ એસટી બસ ટર્મિનસની મુલાકાત લીધી હતી, ત્યાં તમામ નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળતું હતું. સેન્ટ્રલ બસ ટર્મિનલના એન્ટી ગેટ પર થર્મલ સ્કેનિંગ કે સેનેટાઇઝિંગની કોઈ વ્યવસ્થા ન હતી.

હજારો લોકોની ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે અવરજવર
અમદાવાદમાં વિવિધ રાજ્ય, શહેરો અને ગામડામાંથી લોકો અવરજવર કરતા હોય છે. જેમાં જો કોઈ એક વ્યક્તિ પણ કોરોના સંક્રમિત હોય તો તે આવી જાહેર જગ્યાએ બીજા હજારો લોકોને સંક્રમિત કરી શકે છે. સાથે કેટલાક દર્દીઓ પણ ગામડે આરોગ્યની સુવિધા ન હોવાના કારણે સારવાર લેવા માટે અવરજવર કરતા હોય છે. તો તેનાથી પણ સંક્રમણ ફેલાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. જોકે ગેટ પરના સિક્યુરિટી ગાર્ડને આ થર્મલ સ્કેનિંગ અને સેનેટાઈઝર અંગે પૂછતાં તેણે જણાવ્યું કે ટેમ્પરેચર ચેક કરવાના સાધનો બગડી ગયા છે. સેનેટાઈઝર રાખ્યું છે. કોઈને આપીએ બાકી બધા ચાલે જાય છે. જોકે સિક્યુરિટી ગાર્ડે વધુમાં કહ્યું કે, આતો ઘણા સમયથી બગડી ગયા છે, હવે નવા આવે ત્યારે ચેકિંગ થાય.

ઓનલાઈન બુકિંગ કરેલા મુસાફરોને કેમ રોકવા?
સેન્ટ્રલ એસ.ટી ડેપો પર અલગ અલગ જગ્યાના તમામ રૂટને રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યા છે, જેથી મુસાફરોને કોઈ પણ ગામ કે શહેરમાં જવામાં તકલીફ ન પડે. સાથે તમામને 50 ટકા મુસાફરો સાથે જ મુસાફરી કરવા માટે સૂચના અપાઈ છે. જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાય અને સંક્રમણ ફેલાતું રોકી શકાય. પરંતુ એસ.ટી બસ ટર્મિનલ પર ચિત્ર કંઈ જોવા મળ્યું હતું. કેટલીક બસોમાં બસની કેપિસિટીના 50 ટકાને બદલે ફૂલ કેપિસિટી સાથે મુસાફરોને બેસાડવામાં આવ્યા હતા. જેમાં લોકો વચ્ચે કોઈ પણ પ્રકારનું ડિસ્ટન્સ જળવાયું ન હતું. જોકે કડંક્ટરનું કહેવું હતું કે, અમે તો ઓનલાઈન બુકિંગ થયું હોય તો એમને ના ન પાડી શકીએ અને અહીંયાના મુસાફરો પહેલા જ બેસી જાય છે. હવે કોને સમજાવીએ..? જો કે, આવી બેદરકારીના કારણે કોરોના વિસ્ફોટ થઈ શકે છે.

બસ સ્ટેશનના ઈન્કવાયરી વિભાગના લોકો જ માસ્ક પહેરતા નથી
બસ સ્ટેશનના ઈન્કવાયરી વિભાગના લોકો જ માસ્ક પહેરતા નથી

ઈન્કવાયરી કાઉન્ટર પર બેસનાર માસ્ક અડધા મોઢે પહેરે છે
સેન્ટ્રલ એસ.ટી ટર્મિનલ એ અમદાવાદનું સૌથી વ્યસ્ત બસ ટર્મિનલ છે, જ્યાં દિવસ દરમિયાન હજારો લોકો અવરજવર કરતા હોય છે. જેમાં મોટાભાગના લોકો ઇન્કવાયરી કાઉન્ટર પર પૂછપરછ કરીને બસના ટાઇમિંગ અંગેની માહિતી મેળવતા હોય છે. જેથી તે કાઉન્ટરના કર્મચારીઓ દિવસ દરમિયાન અલગ અલગ લોકોને માહિતી આપતા હોય છે. જેના કારણે તેઓએ માસ્ક પહેરવું આવશ્યક છે. કારણકે સંક્રમણ ફેલાવાની સૌથી વધારે શક્યતા આ કાઉન્ટર હોય છે, તેઓ પણ માસ્ક વગર નજરે પડ્યા તો કેટલાકે માસ્ક નાકની નીચે માત્ર દેખાવ પૂરતું પહેર્યું હતું.

ટર્મિનલ ખાતે થર્મલ સ્કિનિંગ શરૂ કરાશે
એસ.ટી વિભાગના પીઆરઓ કે.ડી દેસાઈએ DivyaBhaskar સાથેની વાતચીત જણાવ્યું કે, એસ.ટી વિભાગે તમામ ટર્મિનલ પર 50 ટકાની કેપિસિટી સાથે જ બસ ચલાવવા માટે સૂચના આપી છે. સાથે ઓનલાઈન બુકિંગમાં પણ 50 ટકા જ સીટોનું બુકિંગ થાય છે. મુસાફરોને સારી સુવિધા મળે તે માટે તમામ ટ્રીપો કાર્યરત છે. તેમ છતાં જો કોઈ ફૂલ કેપિસિટી સાથે પેસેન્જરને બેસાડે છે તો તે અંગે તપાસ કરીશું. સાથે ટર્મિનલ પર થર્મલ સ્કેનિંગ નથી થતું. જે આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે તેની હું તાત્કાલિક સૂચના ત્યાંના જવાબદાર અધિકારીને આપી અને સેનેટાઇઝિંગ અને થર્મલ સ્કેનિંગ શરૂ કરવામાં તે માટે સૂચના આપું છું.

અન્ય સમાચારો પણ છે...