જટિલ ઓપરેશન:અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા 10 સે.મી.ના બ્રાઉન ટ્યુમરની સફળ સર્જરી

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં અત્યાર સુધીમાં બ્રાઉન ટ્યુમરનું કદ મહત્તમ 4 x 7 સેન્ટિમિટરનું નોંધાયું છે
  • બ્રાઉન ટ્યુમર હોવાના કારણે દર્દીનું હિમોગ્લોબિનનું સ્તર સાવ ઘટી ગયું હતું
  • ઓપરેશન ન થયું હોત તો બીજા હાડકામાં પણ આ ટ્યુમર થવાની શક્યતા હતી

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા 10 સે.મી. કદના બ્રાઉન ટ્યુમરની સફળ સર્જરી કરાઈ છે. ભારતમાં અત્યાર સુધીમાં બ્રાઉન ટ્યુમરના નોંધાયેલા કેસમાં ટ્યુમરનું કદ મહત્તમ 4 x 7 સેન્ટિમિટરનું નોંધાયું છે, જ્યારે GCRIમાં જે ટ્યુમરની સર્જરી થઈ છે.તે ટ્યુમરનું કદ 10 x10 સેન્ટિમિટરનું છે. આમ આ અત્યાર સુધીનું સૌથી મોટું જડબાનું બ્રાઉન ટ્યુમર છે.

ઉત્તર પ્રદેશના દર્દીની વિનામુલ્યે સર્જરી કરાઈ
GCRIના નિયામક ડૉ. શશાંક પંડ્યાના જણાવ્યા અનુસાર GCRIમાં સારવાર માટે ગુજરાતના પડોશી રાજ્યો જેવાકે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપરાંત ઉત્તર પ્રદેશ જેવા અન્ય દૂરના રાજ્યોમાંથી પણ દર્દીઓ આવે છે. દૂરના પ્રદેશોમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે. કારણકે તેમને અહીં સારી સારવાર મળશે તેનો ભરોસો હોય છે. GCRIમાં ભારતના અત્યાર સુધીના સૌથી મોટા કદના બ્રાઉન ટ્યૂમરની સર્જરી જે દર્દી પર થઈ છે તે દર્દી પણ ઉત્તર પ્રદેશના નિવાસી છે.

સર્જરી જે દર્દી પર થઈ છે તે દર્દી ઉત્તર પ્રદેશના નિવાસી છે
સર્જરી જે દર્દી પર થઈ છે તે દર્દી ઉત્તર પ્રદેશના નિવાસી છે

જડબામાં માર્ચ 2021થી નાના ચણાં જેવડી ગાંઠ થઈ હતી
ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લાના અમેઠી ગામમાં રહેતા શોભનાથ ગુપ્તાના જડબામાં માર્ચ 2021થી નાના ચણાં જેવડી ગાંઠ થઈ હતી જે ધીરે ધીરે વધીને 10 સેન્ટિમિટરની થઈ ગઈ હતી. જુલાઈ 2021ના અંતમાં તેઓ GCRI આવ્યા તે પહેલા તેમણે ઉત્તર પ્રદેશની અલગ અલગ 4-5 હોસ્પિટલ્સમાં ઇલાજ માટે ગયા હતાં, પરંતુ ક્યાંય સંતોષજનક સારવાર થઈ નહોતી. દર્દીની આર્થિક સ્થિતિ પણ ખરાબ હતી અને તે મોંઘી સારવાર કરાવી શકે તેમ નહોતા. આખરે એક નજીકના સગાએ GCRI વિશે વાત કરતા શોભનાથભાઈ GCRIમાં આવ્યા હતાં.

જુદા જુદા ટેસ્ટમાં થાઇરોઇડનું ટ્યુમર હોવાનું નિદાન થયું
GCRIમાં શોભનાથ ગુપ્તાના ટ્યુમરનો સચોટ તાગ મેળવવા માટે સીટી સ્કેન સહિતના તેમના જુદા જુદા ટેસ્ટ કરવામાં આવ્યા અને આ પેરા થાઇરોઇડનું ટ્યુમર હોવાનું નિદાન થયા બાદ તેમની સર્જરી કરવાનો નિર્ણય લેવાયો. બ્રાઉન ટ્યુમર હોવાના કારણે દર્દીનું હિમોગ્લોબિનનું સ્તર સાવ ઘટી ગયું હતું. આ ડોક્ટર્સ માટે એક જટિલ સમસ્યા હતી, કેમકે આટલા ઓછા લોહીમાં પણ દર્દીની સર્જરી કરીને આટલું મોટું ટ્યુમર કાઢવું તથા દર્દીના જડબામાં પ્લેટિંગની પ્રક્રિયા કરવી તે સૌથી મોટો પડકાર હતો. જેના કારણે સર્જરી પહેલા,સર્જરી દરમિયાન અને તે પછી પણ તેમને લોહી ચડાવવામાં આવ્યું હતું. સર્જરીમાં શોભનાથ ભાઈના ટ્યુમરના મુખ્ય કારણ સમાન થાઇરોઇડની ગ્રંથિ દૂર કરવામાં આવી હતી.

જડબામાં ટ્યુમર થવું ખુબ દુર્લભ હોય છે
આ સર્જરી અંગે માહિતી આપતા GCRIના હૅડ એન્ડ નૅક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફૅસર ડૉ. પ્રિયાંક રાઠોડે જણાવ્યું કે શરીરમાં થાઇરોડની પાછળ ચાર બટન જેવડી નાની ગ્રંથિ હોય છે. જે પેરા થાઇરોઇડ તરીકે ઓળખાય છે, તેનું શરીરમાં મુખ્ય કામ કૅલ્શિયમનું સ્તર જાળવવાનું હોય છે.પેરા થાઇરોઇડ જો વધુ કૅલ્શિયમનું સ્તર વધઘટ થાય તો શરીરના મોટા હાડકામાં ટ્યુમર થવાની સંભાવના રહેલી હોય છે, જેને બ્રાઉન ટ્યુમર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનું ટ્યુમર શરીરના બીજા હાડકામાં થવું સામાન્ય ઘટના છે, પણ જડબામાં એ ટ્યુમર થવું ખુબ દુર્લભ હોય છે અને આ પ્રકારનું ટ્યુમર પ્રત્યેક દસ લાખ વ્યક્તિએ એકમાં જોવા મળે છે.

દર્દીના જડબામાં પ્લેટિંગની પ્રક્રિયા કરવી તે સૌથી મોટો પડકાર હતો
દર્દીના જડબામાં પ્લેટિંગની પ્રક્રિયા કરવી તે સૌથી મોટો પડકાર હતો

બીજા હાડકામાં પણ આ ટ્યુમર થવાની શક્યતા હતી
આ ટ્યુમર બ્રાઉન ટ્યુમર તરીકે ઓળખાય છે કારણકે આવા ટ્યુમરમાં લોહીનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે તેનો રંગ કથ્થઈ થઈ જાય છે. આ ટ્યુમરમાં દર્દીના શરીરમાં હિમોગ્લોબિન ઘટી જાય છે. દર્દી બોલે, ચાવે કે બાયોપ્સી લેવામાં આવે ત્યારે મોઢામાંથી બ્લડ લોસ વધુ થાય છે. શોભનાથ ભાઈના કિસ્સામાં તો ટ્યુમરને સાદો સ્પર્શ કરવામાં આવે તો પણ બ્લડિંગ થતુ હતું. જો શોભનાથ ગુપ્તાનું ઓપરેશન ન થયું હોત તો બીજા હાડકામાં પણ આ ટ્યુમર થવાની શક્યતા હતી.

કિડનીને પણ ગંભીર ક્ષતિ પહોંચવાની સંભાવના રહેલી હતી
શરીરમાં વધારાના કેલ્શિયમનો નિકાલ કરવાનું કામ કરતી કિડનીને પણ ગંભીર ક્ષતિ પહોંચવાની સંભાવના રહેલી હતી. પથરીની સમસ્યા પણ થઈ શકે તેમ હતી. સર્જરી બાદ શોભનાથ ગુપ્તાને સમયાંતરે કેલ્શિયમના ઇન્જેક્શન તથા સ્કૅન તકેદારીના ભાગરૂપે કરવામાં આવશે. આના સ્કેન બહાર ખુબ મોંઘા થાય છે જે GCRIમાં વિનામૂલ્યે થાય છે. શોભનાથભાઈ પર જે સર્જરી થઈ છે તે અન્ય ખાનગી હોસ્પિટલોમાં કદાચ રૂ. 4-5 લાખમાં થઈ હોત, જે GCRIમાં તદ્દન વિનામૂલ્યે સંપન્ન થઈ છે.