કોંગ્રેસના 43 ઉમેદવારની યાદી જાહેર:ઘાટલોડિયામાં CM ભૂપેન્દ્ર પટેલ સામે અમીબહેન યાજ્ઞિક, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા

અમદાવાદએક મહિનો પહેલા

ગુજરાતની ચૂંટણી માટે હાલ તમામ રાજકીય પાર્ટીઓ ઉમેદવારો માટે કવાયત કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ સક્રિય બની ગઈ છે. આજે મોડી સાંજે કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જોવાની વાત એ છે કે, રાજ્યમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આજે કોંગ્રેસે પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે, પરંતુ હજી સુધી કોંગ્રેસનો કોઈ મોટો ચહેરો ગુજરાતમાં પ્રચાર પ્રસાર માટે આવ્યો નથી.જોકે આ મહિનાના અંતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગુજરાતમાં પ્રચાર માટે આવે અને સભા સંબોધે તેવી શક્યતા છે.

કૉંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પ્રથમ યાદી પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર

 • ડીસાથી સંજય રબારી
 • અંજારમાં રમેશ ડાંગર
 • ગાંધીધામથી ભરત સોલંકી
 • ખેરાલુથી મુકેશ દેસાઈ
 • કડીમાં પ્રવિણ પરમાર
 • હિંમતનગરમાં કમલેશ પટેલ
 • ઈડરમાં રમેશ સોલંકી
 • ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલ
 • ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિક
 • એલિસબ્રિજથી ભિખુ દવે
 • અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલ
 • દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલા
 • રાજકોટ દક્ષિણથી હિતેશ વોરા
 • રાજકોટ ગ્રામ્યથી સુરેશ બથવાર
 • જસદણથી ભોળાભાઈ ગોહિલ
 • જામનગર ઉત્તરથી બિપેન્દ્રસિંહ જાડેજા
 • પોરબંદરથી અર્જુન મોઢવાડિયા
 • કુતિયાણાથી નાથા ઓડેદરા
 • માણાવદરથી અરવિંદ લાડાણી
 • મહુવાથી કનુ કળસરીયા
 • નડિયાદથી ધ્રુવલ પટેલ
 • મોરવા હડફથી સ્નેહલતા ખાંટ
 • ફતેપુરાથી રઘુ મારચ
 • ઝાલોદથી મિતેશ ગરાસિયા
 • લીમખેડાથી રમેશ ગુંડીયા
 • સંખેડાથી ભીલ ધીરુભાઈ
 • સયાજીગંજથી અમીબેન રાવત

અમદાવાદને ભીખુ દવેને કોરોના કાળની કામગીરી ફળી
એલિસબ્રીજ મતવિસ્તારમાંથી કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલાં ભીખુભાઇ દવે સામાજિક કાર્યકર છે. તેઓ કોંગ્રેસની હેલ્થ કમિટીના ચેરમેન છે. આ કમિટીએ કોરોનામાં સારું કામ કર્યું છે. તેઓએ જીવના જોખમે કામ કર્યું છે. સિવિલ હોસ્પિટલમાં સેવા આપતાં હતા. કોંગ્રેસના પાયાના કાર્યકરમાં તેમની ગણના થાય છે. બ્લડ કેમ્પ, મેડિકલ કેમ્પ તથા સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલાં છે. સેવા કરવા માટે સતત તત્પર રહેવાનો તેમનો સ્વભાવ છે. તેના કારણે તેઓ કોંગ્રેસ જ નહીં બલ્કે સ્થાનિક વિસ્તારમાં પણ લોકોના પ્રિય છે.

ધમભાઇ ઉત્તર ગુજરાતને જોડતો પાટીદાર ચહેરો
અમરાઇવાડી વિસ્તારના ઉમેદવાર તરીકે કોંગ્રેસે જાહેર કરેલાં ધર્મેન્દ્રભાઇ શાંતિલાલ પટેલ કોંગ્રેસ જ નહીં, બલ્કે સ્થાનિક વિસ્તારમાં ધમભાઇ તરીકે જ ઓળખાય છે. મતલબ કે તેમનું ઉપનામ ધમભાઇ છે. તેઓ પાટીદારનો ચહેરો છે. ઉત્તર ગુજરાતના પાટીદારો સાથે સીધાં સંકળાયેલા છે. તેમાં લોકપ્રિય છે. અમરાઇવાડી વિસ્તારની 2019માં યોજાયેલી પેટાચૂંટણીમાં ઝુંકાવ્યું હતું. બિલ્ડર લોબીમાંથી આવતાં ધમભાઇએ ભાજપના હરીફ ઉમેદવાર જગદીશ પટેલને બરોબરની ટક્કર આપી હતી. જેના કારણે આ ચૂંટણી રસાકસીભરી રહી હતી. ભાજપના ઉમેદવારે 48, 657 મતો મેળવ્યા હતા. તેની સામે ધમભાઇએ 43,129 મતો મેળવ્યા હતા. મતલબ કે 5,528 મતોથી તેઓની હાર થઇ હતી. જેથી કોંગ્રેસે તેમને રિપીટ કર્યા છે.

અમીબહેન રાષ્ટ્રીય પ્રવક્તા અને રાજ્યસભા સાંસદ
ઘાટલોડિયા વિસ્તારમાંથી કોંગ્રેસે મહિલા ઉમેદવાર અમીબેન યાજ્ઞિકને જાહેર કર્યા છે. હાઇકોર્ટમાં વકીલાત કરે છે. તેઓ રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ છે. શિક્ષિત અને અભ્યાસુ હોવાની સાથે તેણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ છે. તેઓ પ્રાદેશિક કક્ષાએ પણ કોંગ્રેસમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે. સ્થાનિક પ્રશ્નોમાં પણ તેઓ સક્રિય રહે છે. તો દસ્ક્રોઇ મતવિસ્તારના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા ઉમેદી બુધાજી ઝાલા ઠાકોર સમાજના આગેવાન છે. ઠાકોર સમાજમાં સ્વીકૃત છે. તેઓ કોંગ્રેસના જૂના આગેવાન છે. દરેક કોંગ્રેસના કાર્યક્રમમાં સક્રિય ભૂમિકા ભજવતાં હોય છે.

2017માં કોંગ્રેસને 77 બેઠક મળી હતી
ગુજરાત કોંગ્રેસમાં ઘણા વર્ષોથી કેટલાક ચોક્કસ નેતાઓ કબ્જેદાર હોય તેવી છાપ કાર્યકરો અને મતદારોમાં હતી, જેના કારણે પણ કોંગ્રેસનો મતદાર ડાયવર્ટ થઈ રહ્યો હતો. એટલું જ નહીં 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલન, ઠાકોર સમાજના આંદોલન અને દલિત સમાજના આંદોલનને કારણે નારાજ મતદારોએ ભાજપને માંડ માંડ 99 બેઠકો બેઠકો આપી નજીવી બહુમતીથી સત્તા સોંપી હતી. જ્યારે કોંગ્રેસને 77 બેઠક મળી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોગ્રેસના ઉમેદવારની વાત કરીએ તો સૌરાષ્ટ્રની 54 બેઠકના સંભવિત ઉમેદવારની યાદી લગભગ તૈયાર થઈ ગઈ છે. કોંગ્રેસના ગણિત પર નજર કરીએ તો, વર્ષ 2017 માં કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં 54 બેઠક પૈકી 33 બેઠક જીત્યુ હતું. આ 33 પૈકી 10 ધારસભ્યોએ પાંચ વર્ષમાં પક્ષ પલટો કરી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હાલ કોંગ્રેસ પાસે કચ્છ સૌરાષ્ટ્ર ઝોનમાં ૨3 ધારાસભ્યો છે. આ તમામને રિપીટ કરવાનુ કોંગ્રેસનુ આયોજન છે. જોકે, કોંગ્રેસ આ નામોની જાહેરાત ક્યારે કરશે તેની રાહ જોવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...