રજની રિપોર્ટર:ભાટિયાને એક્સટેન્શન આપ્યું? કોણે કહ્યું?; નરેશ પટેલ થકી પાટીલની મુશ્કેલી વધારવા પાછળ આનંદીબેન પટેલનો દોરીસંચાર?

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

થોડા સમય પહેલા ગુજરાતના પોલિસ વડા આશિષ ભાટિયાને નિવૃત્તિના બે મહિના પહેલા જ છ માસ માટે એક્સટેન્શન અપાઇ ગયું હોવાના સમાચાર વહેતા થયા હતા. પરંતુ તપાસ કરતાં જાણમાં આવ્યું છે કે ગુજરાત સરકારની આવી કોઇ ખાસ યોજના નથી અને સરકાર આ અંગે ગમે-તે નિર્ણય લઇ શકે છે. ભાટિયા મે મહિનામાં નિવૃત્ત થાય છે અને તેના બીજા મહિને તેમનાથી એક પોઝિશન જુનિયર એવા આઇપીએસ ટી એસ બિષ્ટ પણ નિવૃત્ત થવાના છે. ભાટિયાને એક્સ્ટેન્શન અપાઇ શકે છે તેવી વાતો ચલાવવા પાછળ એવો તર્ક અપાયો છે કે સુપ્રીમ કોર્ટના હુકમ પ્રમાણે કોઇપણ રાજ્યના પોલિસ વડાને ઓછામાં ઓછું બે વર્ષ સુધી તે પદ પર રાખવા જ જોઇએ અને ભાટિયા 2020ના ઓગસ્ટ મહિનાથી ડીજીપી તરીકે આવ્યા હોવાથી તેમને નિવૃત્તિ બાદ બેથી ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવું જ પડશે. પરંતુ ખરેખર વાત તો એ છે કે સુપ્રિમ કોર્ટે જે-તે વખતે હુકમ કર્યો હતો કે રાજ્ય સરકાર પોતાના ડીજીપીની નિમણૂક કે પ્રમોશન કરતી વખતે સંબંધિત અધિકારીને નિવૃત્ત થવામાં બે વર્ષની વાર હોય તે સુનિશ્ચિત કરશે.

ખોડલધામના ટ્રસ્ટી અને લેઉવા પટેલ સમાજના નેતા નરેશ પટેલ ગમે ત્યારે કોંગ્રેસમાં પ્રવેશી શકે તે વાતને બળ મળતું જાય છે. આ તરફ ભાજપના પ્રમુખ સી આર પાટીલ નરેશ પટેલ ભાજપ તરફે ઝોક અપનાવે છે તે વાતનું સતત રટણ કરતા જાય છે. પરંતુ આ ઘટનાક્રમ વચ્ચે ભાજપમાં જ હવે એક જુદો નેરેટિવ ઊભો થયો છે અને તે છે પાટીલ વર્સીસ પટેલનો. ભાજપના જ નેતાઓ કહી રહ્યા છે કે જો નરેશ પટેલ કોંગ્રેસમાં જશે તો પાટીદાર સમાજ કોંગ્રેસ તરફી થઈ જાય તો નવાઇ નહીં. તેની સામે અમારા પક્ષ પ્રમુખ પાટીલ, પટેલ તો ઠીક ગુજરાતી પણ નથી. હવે અંદરખાનેથી જાણવા મળ્યું છે કે નરેશ પટેલ બાબતનો આખોય ઘટનાક્રમ ઊભો કરવામાં આનંદીબેન પટેલ જૂથનો હાથ છે. આનંદીબેન પટેલ ગમે તેમ કરીને પાટીલનું ખાસ વર્ચસ્વ ભાજપ અને ગુજરાત સરકાર પર જામી જાય તેવું બનવા દેવા માંગતા નથી. તે સિવાય એવી પણ વાત જાણવા મળી છે કે ગુજરાતની ચૂંટણી બાદ સી આર પાટીલને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવૃત્ત કરી દેશે જેથી તેઓ ગુજરાતમાં સક્રિય નહીં રહી શકે. જોઇએ આગળ શું થાય છે?

અનાર પટેલ વિધાનસભા ચૂંટણી લડી રાજ્યના મુખ્યમંત્રી બની જશે તેવી વાતો કોણ ફેલાવે છે?
હવે વાત આનંદીબેનની નીકળી છે તો એક વાત એ પણ જણાવી દઈએ કે ભાજપના જ વર્તુળોમાંથી એવી વાતો જાણી જોઇને વહેવડાવવામાં આવી રહી છે કે આનંદીબેન પટેલનાં પુત્રી અનાર પટેલ આગામી વિધાનસભા ચૂંટણી લડીને ગુજરાતના મુખ્યમંત્રી બની જશે. પરંતુ આ કિસ્સામાં થોડી ખણખોતર કરતાં જાણવા મળ્યું કે આ બાબત કોઇ ચોક્કસ ટુકડીના લોકો ફેલાવી રહ્યા છે જેથી આનંદીબેન પટેલને રાજકીય રીતે ઝાટકો આપી શકાય. અલબત્ત અનાર પટેલ અથવા આનંદીબેનના પુત્ર સંજય પટેલ એ બે પૈકી એક આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ મેળવશે અને તે પણ અમદાવાદની કોઇ એક બેઠક પરથી તેવું જાણવા મળ્યું છે. હવે આનંદીબેનના સંતાન માટે નારણપુરાની બેઠક ખૂબ સલામત હોવાનું ગણાય છે અને ત્યાં જ તે બેમાંથી કોઇ એક ચૂંટણી લડી શકે છે.

સરકારે ધારાસભ્યોનો મત લેવાનું મુનાસિબ ન માન્યું
શનિવારે ગુજરાત સરકારે એક સાથે જિલ્લા કક્ષાએ ડીએસપીની નિમણૂક સાથે આઇપીએસ અધિકારીઓની બદલીઓનો નિર્ણય લીધો. આમ તો આ બદલીઓ કરવાની આવે ત્યારે સરકાર પોતાના પક્ષના સંબંધિત જિલ્લાના ધારાસભ્યોના અભિપ્રાયો લેતી હોય છે, પરંતુ આ વખતે તો સામે ચૂંટણી આવી રહી હોવાં છતાં ય સરકારે પોતાના ધારાસભ્યોને આ અંગે પૂછવાનું પણ મુનાસિબ નથી માન્યું. હવે આ ભાજપ તરફથી ધારાસભ્યોને સંકેત કહો કે સ્પષ્ટતા કે તમારો અભિપ્રાય નથી લેવામાં આવ્યો અર્થાત તમને બદલવાના થશે તો તે અંગે પણ તમારો કોઇ અભિપ્રાય નહીં લેવાય. ટૂંકમાં કહીએ તો મોટી સંખ્યામાં ચાલું ધારાસભ્યોને બદલી નાખવામાં આવશે તેવો સ્પષ્ટ ઇશારો ભાજપે કરી નાખ્યો છે. ધારાસભ્યો જ નહીં, ઘણાં જિલ્લાના પ્રભારી મંત્રીઓને પણ આ કિસ્સામાં કંઇ પૂછવામાં આવ્યું નથી. હવે આ ચૂંટણીમાં કેવાં કેવાં પ્રયોગો ભાજપ કરવા માંગે છે તેનો તાગ આ બાબત પરથી ય નીકળી જાય તેમ છે.

નિર્લિપ્ત રાયની બદલીથી પોલિસ ગ્રુપમાં મેસેજ વાઇરલ
અમરેલીના એસપી તરીકે ફરજ બજાવતા 2010ના આઇપીએસ અધિકારી નિર્લિપ્ત રાયની બદલી રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલમાં કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલનું કામ સીધા જ રાજ્ય પોલિસ વડાની દેખરેખ હેઠળ સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું સતત નિરીક્ષણ કરવાનું અને જરૂર જણાય તો શિક્ષાત્મક પગલાં લેવાનું છે. રાજ્યમાં પોલિસ બેડામાં ક્યાંય પણ નિષ્ક્રિયતા કે ગેરરીતિ ચાલતી હોય તો તેને બંધ કરાવવાનું કામ હવે નિર્લિપ્ત રાય પાસે છે. નિર્લિપ્ત રાય ખૂબ કડક સ્વભાવના અને સ્વચ્છ છબીના અધિકારી તરીકે ગણનાપાત્ર છે. ગુજરાતના પોલિસ ં સોશિયલ મિડીયા ગૃપમાં મેસેજ વાઇરલ થવાના શરૂ થયા છે કે જો કોઇ પોલિસકર્મી અધિકારીના વહીવટદાર તરીકે સેવા કરતા હોય તો સામાન બાંધીને વતનમાં નિકળી પડજો, રાયને ખબર પડશે તો તમને અને તમારા ઉપરીને સીધાં કરતા વાર નહીં લાગે. હાલ પોલિસમાં રાયને લઇને ઘણાંના જીવ ઊંચા થઈ ગયા છે. રાય અમરેલીમાં હતા ત્યારે ત્યાંના ભાજપના જ મોટાગજાના નેતાઓનો ભ્રષ્ટાચાર બંધ કરાવ્યો હતો.

નિખાલસ અને સરળ ભૂપેન્દ્ર પટેલ ચૂંટણી પછી મુખ્યમંત્રી પદે યથાવત્ રહેશે
હવે અનાર પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તેવી વાતો ભલે કોઇ હાંકે રાખે, પરંતુ ખાસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આગામી ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી લડશે અને તે જ ગુજરાતના મુખ્યમંત્રી પદે ફરીથી રિપીટ થશે. હમણાં હમણાં નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પરથી એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે મોદી પણ ઇચ્છે છે કે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યમંત્રી પદે ફરી એકવાર બેસે. ભૂપેન્દ્ર પટેલ માટે નિખાલસ, સરળ અને મૃદુ સ્વભાવ તેમના માટે પ્લસ પોઇન્ટ છે. બીજું કે ગુજરાતની જનતાને પણ આવા ડાઉન ટુ અર્થ મુખ્યમંત્રી ખૂબ પસંદ આવ્યા છે અને એટલે જ ચહેરા પર વોટિંગ થાય તો ભૂપેન્દ્ર પટેલ માટે સ્વિકૃતિ બનેલી રહેશે તેવું ભાજપ અને સંઘ સાથે જોડાયેલાં લોકો સ્પષ્ટપણે માને છે.

પ્રશાંત કિશોરને ગુજરાતની મોટી જ્ઞાતિના નેતાઓ પાસે રેલી કરાવવી છે
જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લી ગુજરાત મુલાકાત વખતે રોડ શો કર્યાં તેવા રોડ-શો પ્રશાંત કિશોર ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓના કરાવવા માગે છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર નરેશ પટેલ અને હાર્દિક પટેલને પાટીદાર સમાજની બહુમતી ધરાવતા વિસ્તારોમાં રોડ-શો કરવા મોકલવામાં આવશે. તે જ રીતે ઠાકોર, કોળી, દલિત, આદિવાસી સહિતના સમાજની બહુમતી ધરાવતા વિસ્તારોમાં કોંગ્રેસના વિવિધ નેતાઓની રેલીઓ રોડ-શો સ્વરૂપે નિકળશે અને તેને લઇને બધું જ આયોજન સંગઠનના યુવાન નેતાઓના હાથમાં અપાશે. ટૂંકમા હવે કોંગ્રેસમાંથી જૂની નેતાગીરીને બદલે નવી નેતાગીરી ઊભી થશે.

સીબીઆઈ ડિરેક્ટર તરીકે પ્રવીણ સિન્હાને એક્સટેન્શન મળી શકે
1988 બેચના ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી અને સીબીઆઇના ડિરેક્ટર પ્રવીણ સિન્હાને આગામી થોડા સમયમાં છ મહિનાનું એક્સટેન્શન મળી શકે છે. ગયા નવેમ્બર માસમાં સિન્હાને ઇન્ટરપોલની એક્ઝિક્યુટિવ કમિટીમાં એશિયાના પ્રતિનિધિ તરીકે રસાકસીભરી સ્પર્ધા બાદ સ્થાન મળ્યું છે. હવે થોડા સમયમાં ઇન્ટરપોલની 91મી જનરલ એસેમ્બ્લી મળવા જઇ રહી છે અને તેમાં ભારતીય પ્રતિનિધિ તરીકે સિન્હા ખાસ હાજર રહે તે અપેક્ષિત છે. આમ તો સિન્હા આ એપ્રિલ મહિનામાં જ વય નિવૃત્ત થવાના છે, પરંતુ આ જનરલ એસેમ્બ્લીને કારણે તેમને ભારત સરકાર યથાવત્ સ્થાને જ છ મહિનાનું એક્સટેન્શન આપવાનો વિચાર કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...