દુર્ઘટના / ધંધુકા-ફેદરા હાઈવે પર હરિપરા ગામ ટ્રકમાં આગ લાગતાં કેમિકલ ભરેલી બોટલો બ્લાસ્ટ થઈ હવામાં ઊછળી, 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા

X

  • રવિવારે સવારે દુર્ઘટના બની હતી
  • ઝેરી ક્લોરાઇનની બોટલો ભરેલી ટ્રક વડોદરા જઈ રહી હતી
  • ટ્રક પાસેથી કારમાં પસાર થઈ રહેલા સેટેલાઇટના ચારને ઇજા થતાં સારવાર હેઠળ

દિવ્ય ભાસ્કર

Aug 03, 2020, 05:19 AM IST

​​​​​​​ધંધુકા. ધંધુકા ફેદરા હાઈવે પર કેમિકલની બોટલો ભરીને જતી ટ્રકમાં આગ લાગતાં બ્લાસ્ટ થયો હતો, જેમાં ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ હતી. વડોદરા જઈ રહેલી ટ્રક હરીપરા ગામના પાટિયા પાસે પહોંચતા અચાનક ટ્રકમાં આગ લાગી હતી, જેથી તેમાં રહેલી કેમિકલની બોટલોમાં બ્લાસ્ટ થયો હતો. બોટલોમાં બ્લાસ્ટ થતાં આગે વધુ વિકરાળ રૂપ ધારણ કરતા ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો. આ બ્લાસ્ટ દરમિયાન ટ્રકની બાજુમાંથી પસાર થતી કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચતાં તેમને ધંધુકા આરએમએસ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આગ વિકરાળ બનતા ટ્રક આખી ઝપેટમાં આવી
ધંધુકા-ફેદરા હાઈવે પર રવિવારે સવારે 7.30 વાગ્યે ગાંધીધામથી ઝેરી ક્લોરાઇનની 17 બોટલો ભરેલી ટ્રક વાયા ધંધુકા થઈ વડોદરા જઈ રહી હતી. તે દરમિયાન આ ટ્રક ધંધુકા-ફેદરા હાઈવે પર આવેલા હરિપરા ગામના પાટિયા પાસે પહોંચતાં ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગતાં કેમિકલની બોટલો બ્લાસ્ટ થવા લાગી હતી. બોટલો હવામાં ઊછળી દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી. બોટલોમાં બ્લાસ્ટ થતાં આગે વધુ વિકરાળ રૂપ ધારણ કરતા આખી ટ્રક આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાખ થઈ ગઈ હતી. રાહદારીઓએ પાલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરતા પોલીસ તેમ જ ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગ ઓલવવાની અને પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરવાની કામગીરી શરૂ કરી હતી.

ટ્રકમાં શોર્ટસર્કિટને કારણે આગની આશંકા
આ ઘટના અંગે ટ્રકના ક્લીનરને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, તેઓ ધંધુકા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રકના વાયરિંગમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે.

બ્લાસ્ટથી આંખ-નાકમાં બળતરાની ફરિયાદો
ઇજાગ્રસ્ત ચારેય લોકોને આ ઘટના અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ઝેરી ક્લોરાઇન કેમિકલથી આંખ, ગળા અને નાકમાં બળતરા થતા તેમને 108 એમ્બુલન્સ દ્વારા સારવાર માટે ધંધુકા આરએમએસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઇજાગ્રસ્તોનાં નામ

  • તેજસભાઈ મોદી (ઉં.વ. 49)
  • ફાલ્ગુનીબેન મોદી (ઉં.વ. 46)
  • ઝિન્કલ મોદી (ઉં.વ. 25)
  • કિન્તુલ મોદી (ઉં.વ. 21)

તમામ ઇજાગ્રસ્તો અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી