નવરાત્રી જોર શોરથી યોજાશે:અમદાવાદમાં બે વર્ષે 70 સ્થળે ગરબા યોજાશે, ખેલૈયા માટે વીમો લેવો પડશે

અમદાવાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આયોજકોએ ફાયર સેફ્ટી, સિક્યુરિટી, CCTV, પાર્કિંગ, વીજજોડાણનું પ્રમાણપત્ર ફરજિયાત રાખવું પડશે
 • GMDC ગ્રાઉન્ડ પર નવરાત્રિની​​​​​​​ તૈયારી શરૂ, મોદી હાજરી આપી શકે છે

કોરોનાના કારણે 2 વર્ષ સુધી બંધ રહેલા રાસ - ગરબા ચાલુ વર્ષે જોર શોરથી યોજાશે. જેના માટે શહેરના તમામ આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમદાવાદમાં કલબો, પાર્ટી, પ્લોટ, ફાર્મ હાઉસ તેમજ જીએમડીસી ગ્રાઉન્ડ સહિત 70 જગ્યાએ મોટા રાસ ગરબાનું આયોજન કરાયું છે. જેના માટે આયોજકોએ જાહેરહિતનો વીમો, આર્ટિસ્ટનું સંમતિ પત્ર તેમજ સાઉન્ડ વાળાનું સંમતિ પત્ર ફરજિયાત લેવું પડશે.

નવરાત્રિમાં શહેરમાં મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન
જીએમડીસી ગ્રાઉન્ડમાં વાઈબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરાયું છે. તે પૂર્વે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રિમાં શહેરમાં મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરવાના છે. ત્યારે તેઓ જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાનારા રાસ - ગરબાના કાર્યક્રમમાં હાજરી આપશે અને આરતી પણ ઉતારશે. દરેક આયોજકે રાસ-ગરબાનું સ્થળ, એન્ટ્રી - એક્ઝિટ પોઈન્ટ - ગેટ તેમજ પાર્કિંગ એરિયા કવર થાય તે રીતે સીસીટીવી કેમેરા લગાવવા પડશે અને પોલીસ માગે ત્યારે આપવા પડશે.

10 લાખ સુધીનો વીમો લે તો 2થી 5 હજારનું પ્રિમિયમ
જાહેરહિતનો 10 લાખનો વીમો લેવાથી 2 થી 5 હજારનું સિંગલ ટાઈમ પ્રિમિયમ આવશે. જેથી આયોજકો અનુકુળતા પ્રમાણે વીમો લઈ શકશે. પરંતુ તે લેવો ફરજિયાત છે.

આયોજકોએ આ નિયમ પાળવા પડશે

 • અરજદારની અરજી તેમજ ફોટો-સરનામાવાળું આઈડી પ્રૂફ
 • જગ્યા માલિકનું સંમતિ પત્ર
 • આર્ટિસ્ટ-સાઉન્ડનું સંમતિ પત્ર
 • ફાયર સેફટીનાં સાધનો
 • પ્રાઈવેટ સિકયોરિટી ગાર્ડ
 • સીસીટીવી કેમેરાની વિગત
 • ઈલેક્ટ્રિક પ્રમાણપત્ર
 • જાહેરહિતની વીમા પોલિસી
 • વાહન પાર્કિંગની વિગત
અન્ય સમાચારો પણ છે...