તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોર ટોળકીનો પર્દાફાશ:પેસેન્જરોને કાર-રીક્ષામાં બેસાડી કિંમતી સામાન ચોરી કરતી ગેંગ ઝડપાઈ, 12 લાખનો મુદ્દામાલ જપ્ત, 7 શહેરોમાં 36 લોકોને શિકાર બનાવ્યા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓ - Divya Bhaskar
ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓ
  • આરોપીઓએ અમદાવાદ, ગાંધીનગર, અડાલજ, મહેસાણા, ઉંઝા, નંદાસણ, પાટણ, સિદ્ધપુર વગેરે શહેરોમાં ચોરી કરી
  • જુદી જુદી ઘટનાઓમાં 36 જેટલા પેસેન્જરોનો કિંમતી સામાન ચોર્યો હોવાનું કબૂલ્યું
  • પેસેન્જરને વાહનમાં બેસાડી ધ્યાન દોરીને કિંમતી સામાન ચોરી લેતા, પછી બહાનું બનાવી રસ્તામાં ઉતારી દેતા.

અમદાવાદ શહેરમાં પેસેન્જરોને કાર તથા રીક્ષામાં બેસાડીને તેમની પાસેથી રોકડ રકમ તથા કિંમતી સામાનની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ગેંગના 4 સાગરીતોને પકડીને તેમની પાસેથી 12 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સાથે જ આરોપીઓએ 36 જેટલી ચોરીના ગુના કબૂલ્યા હોવાનું સામે આવ્યું છે.

પેસેન્જરોના કિંમતી સામાનની ચોરી કરતી ગેંગ ઝડપાઈ
ઘટનાની વિગતો મુજબ, હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, એક ઈકો કાર તથા રીક્ષામાં ચાર ઈસમો કોઈ જગ્યાએથી ચોરીથી મેળવેલા ડાયમંડ સાથે બીબી તળાવ તરફથી સૈયદવાડી ચાર રસ્તા થઈને પસાર થવાના છે. જેના આધારે પોલીસ સબ-ઈન્સ્પેક્ટર એસ.બી દેસાઈ તથા કે.એમ ચાવડા અને તેમના સ્ટાફના સદસ્યોએ શનિવારે સાંજે 6 વાગ્યે ચાર દિનકરસિંહ રાજપૂત, મહમંદનવાઝ ઉર્ફે સલમાન શેખ, ઝાકીરહુસેન ઉર્ફે બાબા ઉર્ફે પિન્ટુ સૈયદ તથા અસરફ ઉર્ફે મુન્ના શેખ નામના ઈસમોને પકડ્યા હતા. તેમની પાસેથી ઈકો કાર, ઓટોરીક્ષા તથા 19 ડાયમંડનું પેકેટ મળીને 6 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

આરોપીઓ પાસેથી મળેલા વાહનની તસવીર
આરોપીઓ પાસેથી મળેલા વાહનની તસવીર

36 જેટલા પેસેન્જરો પાસેથી કિંમતી મતા ચોરાઈ
ચારેય આરોપીઓ પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, 25 ફેબ્રુઆરીએ તેમણે ઉંઝા સર્કલથી એક પેસેન્જરને ડીસા લઈ જવાના બહાને બેસાડ્યો અને તેની બેગમાંથી ત્રણ પર્સની ચોરી કરી હતી અને તેને બ્રાહ્મણવાડા પાસે ઉતારી દીધો હતો. આ પર્સમાં ડાયમંડ અને સોનાની વીંટી હતી. જેમાંથી તેમણે 19 ડાયમંડ રાખીને બાકીને ડાયમંડ તથા વીંટી અમદાવાદના રતનપોળ ખાતે રાજુ સોનીને 2.05 લાખમાં વેચી દીધા હતા. પોલીસે સોની પાસેથી 80.41 કેરેટના ડાયમંડ તથા વીંટી મળી કુલ 11.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત આરોપીએ વધુ પૂછપરછમાં 36 જેટલા પેસેન્જરો પાસેથી કિંમતી વસ્તુઓ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

પેસેન્જરનું ધ્યાન દોરીને બેગમાંથી સામાન ચોરી લેતા
​​​​​​​
આરોપીઓએ અમદાવાદ, ગાંધીનગર, અડાલજ, મહેસાણા, ઉંઝા, નંદાસણ, પાટણ, સિદ્ધપુર વગેરે શહેરોમાં અલગ-અલગ બસ સ્ટેન્ડ પર રીક્ષા સાથે હાજર રહી એકલદોકલ પેસેન્જરો કે જેમની પાસે થેલો હોય તેમને બેસાડી આજુબાજુમાં સાગરીતો બેસાડી દેતા. બાદમાં એક સાગરીત પેસેન્જરને વાતચીતમાં રાખતો અને અન્ય સાગરીત થેલામાંથી કિંમતી સામાનની તપાસ કરીને ચોરી લેતો અને તેઓ ડ્રાઈવરને ઈશારાથી જાણ કરી હતી. ડ્રાઈવર રસ્તામાં કોઈપણ બહાનું કાઢી પેસેન્જરને ઉતારી દેતો અને પછી તેઓ ત્યાંથી જતા રહેતા. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 079-25398549 તથા 9157822923 નંબર જાહેર કરીને કોઈ પેસેન્જરનો આ રીતે કિંમતી સામાન ચોરાયો હોત તો સંપર્ક કરવા વિનંતી કરી છે.