ગણેશ ચતુર્થી:અમદાવાદના SGVP ગુરુકુળમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી, 2000 લાડુ-મોદકનો અન્નકૂટ ધરાવાયો

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
SGVPમાં ગણેશ મહોત્સવની ઉજવણી - Divya Bhaskar
SGVPમાં ગણેશ મહોત્સવની ઉજવણી
  • ઉપનિષદના મંત્રોચ્ચાર સાથે 1000 આહુતિઓ તેમજ 108 લાડુથી અગ્નિકુંડમાં હોમ કરાયો

અમદાવાદના SGVP ગુરુકુળમાં ભાદરવા સુદ ચોથને ગણેશ ચતુર્થીએ ગણેશજીનું પૂજન કરાયુ હતું. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં SGVP ગુરુકુલમાં ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ ઉત્સવમાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના સંતો સહિત 150 ઋષિકુમારો અને SGVP ઇન્ટરનેશનલ સ્કુલ-હોસ્ટેલના 200 વિદ્યાર્થીઓ, યજમાનો, અન્ય કાર્યકરો અને ભાવિકો જોડાયા હતા.

વહેલી સવારે વિશાળ યજ્ઞશાળામાં ગણપતિજીનું સ્થાપન કરી ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. અથર્વશીઅર્ષ ઉપનિષદના મંત્રોચ્ચાર સાથે 1000 આહુતિઓ તેમજ 108 લાડુથી અગ્નિકુંડમાં હોમ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2000 લાડુ-મોદકનો ગણપતિ મહારાજને અન્નકૂટ ધરાવવામાં આવ્યો. ગણેશ ઉત્સવનો મહિમા સમજાવતા શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું કે, આજે ભારત વર્ષમાં તમામ ધર્મના લોકો ગણેશનું પૂજન કરે છે. દેવતાઓ તો ઘણા છે પણ ગણપતિ મહારાજ તો દેવોના અધિપતિ છે. સર્વ કર્મોમાં અગ્ર પૂજનના વિઘ્ન વિનાયક દેવ છે. ભગવાન નારાયણના માન્ય દેવ છે. હર દેવોમાં નારાયણનો વાસ છે. દેવતાઓમા જેટલું ઐશ્વર્ય હોય તેટલું જ ફળ આપે છે. ગણેશજીમાં નારાયણ રહ્યા છે એમ ધારીને જો પૂજન કરવામાં આવે તો ભગવાન વિશિષ્ટ ફળ આપે છે.

આ પ્રસંગે દરરોજ વહેલી સવારે વિષ્ણુયાગ અને સાંજે ધન્વંન્તરી યાગ કરનાર તમામ ઋષિકુમારોને રાજકોટવાસી યજમાન પરશોત્તમભાઇ બોડા તરફથી શાલ ઓઢાડી પૂજન કરવામાં આવેલું. ગણેશ પૂજન અને યજ્ઞની વ્યવસ્થા સ્વામી યજ્ઞવલ્લભદાસજી સ્વામીએ અને સાંકળીયા વિવેકભાઇએ સંભાળેલ. ગણપતિ યાગ અને ગણપતિ પૂજનની વ્યવસ્થા સંભાળનાર દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપક ત્રિવેદી ભગીરથભાઇ અને જોષી ચિંતનભાઇને શાલ ઓઢાડી સ્વામીજીએ બહુમાન કર્યું હતું. અન્નકુટના લાડુ-મોદકનો પ્રસાદ એસજીવીપી ગુરુકુલના તમામ કર્મચારી અને ઋષિકુમારોને વહેંચવામાં આવેલું. સાંજે યજ્ઞશાળાથી ધર્મજીવન હોસ્ટેલ સુધી ભવ્ય ગણપતિજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જ્યાં ઇન્ટરનેશનલ સ્કુલ હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ગણપતિજીનું પૂજન કર્યુ હતું.