આજે અનંત ચતુર્દશી:આજે વિવિધ વિસ્તારના 57 કુંડમાં ગણેશ વિસર્જન થશે, રિવરફ્રન્ટ પર 900 મોટી મૂર્તિઓને પધરાવાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 રોડ બંધ રહેશે, પોલીસકર્મી, SRP, RAF ટીમ તહેનાત કરાશે

આજે અનંત ચતુર્દશી નિમિત્તે શહેરમાં નાના-મોટા ગણપતિની લાખો મૂર્તિઓનું વિસર્જન થશે. જો કે ગણપતિની મૂર્તિના વિસર્જન માટે મ્યુનિ.એ રિવરફ્રન્ટ પર, તળાવોની આસપાસ તેમ જ ખુલ્લી જગ્યાઓમાં 57 કૃત્રિમ કુંડ બનાવ્યા છે. ચાલુ વર્ષે રિવરફ્રન્ટ ખાતે બનાવેલા કૃત્રિમ કુંડમાં ગણપતિની મોટી 900 મૂર્તિઓનું વિસર્જન થવાનો અંદાજ છે. જ્યારે ગણપતિ વિસર્જન નિમિત્તે 46 મોટી સહિત નાની શોભાયાત્રા નીકળશે, જેના માટે સ્પેશિયલ બ્રાંચ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગણપતિની શોભાયાત્રા અને વરઘોડા દરમિયાન 8 હજાર પોલીસ-હોમગાર્ડના જવાન તેમ જ એસઆરપીની 11 અને આરએએફની 1 કંપની તહેનાત રહેશે. દરમિયાન ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસે રથયાત્રાની જેમ જ પુશીંગ સ્કવોડ બનાવ્યાં છે. ભૂતકાળમાં ગણપતિ વિસર્જન દરમિયાન ડૂબી જવાની ઘટનાઓ બનતી હોવાથી વિસર્જનના સ્થળે એમ્બ્યુલન્સ,રેસ્કયૂ ટીમ, ક્રેન, બોટ, તરવૈયા સાથે તહેનાત રહેશે. છતાં શહેર પોલીસે લોકોને અપીલ કરી છે કે, મૂર્તિનું વિસર્જન કરવા માટે નદી કે તળાવમાં ઉતરવું નહીં તથા કૃત્રિમ કુંડમાં જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવું.

અંદાજે 2.25 લાખ નાની અને મોટી મૂર્તિઓનું વિસર્જન થશે
આજે દસ દિવસીય ગણેશોત્સવનું સમાપન થશે. સાર્વજનિક સ્થળ અને ઘરોમાં સ્થાપિત ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન થશે. શાસ્ત્રો મુજબ, માટીમાંથી બનેલી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન થવું અનિવાર્ય છે. ઘરમાં જ પવિત્ર પાત્રમાં શુદ્ધ પાણી લઈ તેમાં ગંગાજળ ઉમેરી તેનું પુષ્પ અને કંકુ, ગુલાલથી પૂજા કર્યા બાદ ગણેશજીની મૂર્તિનું વિધિવત વિસર્જન કરવામાં આવે છે. આજે રિવરફ્રન્ટ ખાતે અંદાજે 2.25 લાખથી વધુ નાની-મોટી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.

શુભ મૂહુર્ત

  • સવારે : 6થી 7.30 ચલ
  • સવારે : 7.30થી 9 લાભ
  • સવારે : 9થી 10.30 અમૃત
  • બપોરે : 12થી 1.30 શુભ
  • બપોરે : 4.30થી 6 ચલ
  • રાત્રીના : 9.00થી 10.30 લાભ

બપોરે 1 વાગ્યાથી વિસર્જન પૂર્ણ થાય ત્યાં સુધી આ માર્ગ બંધ રહેશે
{ એસટીથી જમાલપુર બ્રિજ થઈ પાલડી તરફનો માર્ગ. {એસટીથી રાયપુર, સારંગપુર થઈ કાલુપુર ઈનગેટ તરફનો માર્ગ. { રેલવે સ્ટેશનથી સારંગપુર, રાયપુર, ખમાસા ચાર રસ્તા, એલિસબ્રિજથી ટાઉનહોલ સર્કલ સુધીનો માર્ગ. { પશ્વિમમાં વાડજ સ્મશાન ગૃહથી આંબેડકર બ્રિજ સુધીનો રિવરફ્રન્ટ પરનો માર્ગ
{પૂર્વમાં પિકનિક હાઉસથી આંબેડકર બ્રિજ સુધી રિવરફ્રન્ટનો માર્ગ અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...