• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Gandhinagar Will Get A New Mayor, If The Officer Wants Money To Work, Record A Video And Send It To Me: Revenue Minister Rajendra Trivedi

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:​​​​​​​ગાંધીનગરને નવા મેયર મળશે, અધિકારી કામ કરવાના પૈસા માગે તો વીડિયો રેકોર્ડ કરી મને મોકલજો: મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

એક મહિનો પહેલા

નમસ્કાર,
આજે ગુરુવાર છે, તારીખ 21 ઓક્ટોબર, આસો વદ એકમ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજે ગાંધીનગરના નવા મેયર તેમજ ડેપ્યુટી મેયરની વરણી થશે 2) PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક, મંત્રીઓ પ્રેઝન્ટેશન આપશે 3) ગુજરાત પોલીસમાં 11 હજાર LRD જવાન માટેની ઓનલાઈન અરજીનો આજે છેલ્લો દિવસ 4) આર્યન ખાનના વકીલ હાઈકોર્ટમાં જામીન અરજી કરશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) કોઈપણ અધિકારી કે કર્મચારી કામ કરવાના પૈસા માગે તો વીડિયો રેકોર્ડ કરીને મને મોકલોઃ મહેસૂલમંત્રી

ગુજરાતમાં વધી રહેલા ભ્રષ્ટાચારને ડામવા માટે સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યના મહેસૂલમંત્રીએ કહ્યું કે મહેસૂલ વિભાગનો કોઈપણ અધિકારી કે કર્મચારી કામ કરાવવા માટે પૈસા માંગે તો તેનું વીડિયો રેકોર્ડિંગ કરીને મને અને મારા વિભાગને મોકલજો. આવા અધિકારીઓ કે કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવશે. તેમણે અગાઉ પણ કહ્યું હતું કે કોઈપણ અધિકારી ફરજ પર મોડો આવે છે એ હવે નહીં ચલાવી લેવાય. તેમણે એવું પણ કહ્યું હતું કે હાલમાં નાગરીકો પાસે મોબાઈલની સુવિધા છે. જેથી તેઓ ભ્રષ્ટાચારી અધિકારીઓ કે કર્મચારીઓને વીડિયો બનાવીને ખુલ્લા પાડી શકે છે.

વાંચો સમાચાર વિગતવાર

2) ઉત્તરાખંડમાં રેસ્કયૂ:કેદારનાથમાં ફસાયેલા રાજકોટના 6 યાત્રાળુનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ, ‘બમ બમ ભોલે’ના નાદ લગાવ્યા

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ચારધામની યાત્રા પર અસર થઈ છે, ત્યારે જાણીતી કંપની રાજુ એન્જિનિયરિંગના ચેરમેનનો પરિવાર અને પ્રોફેસર પરિવાર સહિત રાજકોટના 30 યાત્રાળુ ફસાયા હતા. હવે તમામ યાત્રાળુઓ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા છે. આજે કણસાગરા કોલેજના પ્રોફેસર યશવંતભાઇ હિરાણીના પરિવાર સહિત 6 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષિત સ્થળે પહોંચતા જ તમામે બમ બમ ભોલેના નાદ લગાવ્યા હતા. તેમજ ઉદ્યોગપતિ રાજુભાઇ દોશી અને તેનું ગ્રુપ હરિદ્વાર જવા રવાના થયું છે.

વાંચો સમાચાર વિગતવાર

3) વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોના ફોર્મ લેવા પડાપડી, પોલીસે ભીડમાં નીચે પડી ગયેલી મહિલાઓનો જીવ બચાવ્યો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા હરણી સહિત ચાર સ્થળોએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 2132 આવાસો માટે ફોર્મ વિતરણની કાર્યવાહી હાથ ધરતા છેલ્લા 3 દિવસથી લાભાર્થીઓ પડાપડી કરી રહ્યા છે. એક સમયે પોલીસને બોલાવતા લોકો સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ સમયે ભારે ભીડમાં નીચે પડી ગયેલી મહિલાઓને પોલીસે ઉભી કરીને બહાર કાઢી હતી અને મહિલાઓનો જીવ બચાવ્યો હતો. આમ મહિલાઓ ભીડમાં કચડાતા બચી ગઇ હતી.

વાંચો સમાચાર વિગતવાર

4) કેબિનેટમાં નિર્ણય: રાજ્ય સરકાર ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન માટે 500 કરોડનું રિવોલવિંગ ફંડ આપશે

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકશાન સામે રાજ્ય સરકારે 546 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. ભારે વરસાદથી તારાજીગ્રસ્ત તેવા જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 22 તાલુકામાં સમાવિષ્ટ 662 ગામોને આ સહાય- રાહત પેકેજમાં આવરી લેવામાં આવ્યા છે. આ રાહત સહાય પેકેજનો લાભ 2.82 લાખ અસરગ્રસ્ત ખેડૂતોને મળશે.રાજ્યમાં ભારે વરસાદને કારણે માર્ગોને જે નુકસાન થયું છે તે પૂર્વવત કરવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે. આ કામો પણ દિવાળી પહેલા સત્વરે પૂર્ણ કરાશે

વાંચો સમાચાર વિગતવાર

5) મુંબઈની સ્પેશિયલ NDPS કોર્ટે આર્યન, અરબાઝ અને મુનમુનને જામીન આપવાની ના પાડી, હાઇકોર્ટમાં પણ અરજી ના થઈ શકી

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં શાહરુખના દીકરા આર્યન ખાનને કોર્ટે જામીન આપવાની ના પાડી દીધી હતી. વીવી પાટિલે આર્યન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાની જામીન અરજી ફગાવી દીધી હતી. જેલમાં આર્યનને કેદી નંબર 956 છે. આર્યનની 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડી 21 ઓક્ટોબરના રોજ પૂરી થાય છે. આર્યનના કેસમાં આજે માત્ર ચુકાદાનો ઓપરેટિવ હિસ્સો જ રજૂ કરવામાં આવ્યો હતો. ડીટેલ ઓર્ડર હજી આવવાનો બાકી છે. 14 ઓક્ટોબરના રોજ કેસની સુનાવણી દરમિયાન જજમેન્ટ રિઝર્વ કરતાં સમયે જસ્ટિસ પાટિલે કહ્યું હતું કે તે 20 ઓક્ટોબરે ઘણાં જ વ્યસ્ત છે, પરંતુ તે પ્રયાસ કરશે કે આર્યનની જામીન અરજી પર સુનાવણી કરે. હાઇકોર્ટમાં મોડું થતાં આર્યનના વકીલ અરજી દાખલ કરી શક્યા નહીં.

વાંચો સમાચાર વિગતવાર

6) પૂર અને લેન્ડસ્લાઇડથી વિનાશ વેરાયો, ઉત્તરાખંડમાં 47નાં અને કેરળમાં 27નાં મૃત્યુ; નેપાળમાં ભારે વરસાદને પગલે સ્થિતિ ગંભીર

દેશનાં ઘણાં રાજ્યોમાં સતત વરસાદને પગલે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ઉત્તરાખંડ અને કેરળમાં ભારે વરસાદને પગલે આવેલા પૂરે ખૂબ જ વિનાશ નોતર્યો છે. ઉત્તરાખંડમાં મંગળવારે પૂર અને ભારે વરસાદને કારણે બનેલી વિવિધ ઘટનાઓમાં 42 લોકોનાં મૃત્યુ થયાં છે. મોટા ભાગનાં મૃત્યુ વાદળ ફાટવા અને લેન્ડસ્લાઈડને કારણે થયાં છે. વરસાદથી અત્યારસુધીમાં રાજ્યમાં 47 લોકોનાં મૃત્યુ થયાં છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ચારધામ યાત્રીઓને અપીલ કરી છે કે તેઓ જ્યાં છે ત્યાં જ રહે. બીજી બાજુ કેરળમાં પણ ભારે વરસાદને લીધે 27 લોકોએ જીવ ગુમાવ્યા છે. નેપાળમાં ભારે વરસાદથી આવેલા પૂરને કારણે ભારે વિનાશ થયો છે. અહીં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 21 લોકોનાં મૃત્યુ થયાં છે.

વાંચો સમાચાર વિગતવાર

7) પાકિસ્તાનને ઝટકો આપી દુબઈ કાશ્મીરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર થયું; IT ટાવર, લોજિસ્ટિક પાર્ક અને મેડિકલ કોલેજ બનાવશે

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને મુસ્લિમ દેશોનો સહકાર મળતો નથી. પ્રધાનમંત્રી ઈમરાન ખાને ઘણી વખત અપીલ કર્યા બાદ પણ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશન (OIC)એ કાશ્મીર મુદ્દે નિવેદન આપ્યું નથી. હવે દુબઈએ એક નિર્ણય લઈને પાકિસ્તાનને ઝટકો આપ્યો છે. આર્ટિકલ-370 હટ્યા બાદ આશરે 2 વર્ષ પછી દુબઈએ કાશ્મીરમાં રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે. જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને દુબઈ વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ટરના નિર્માણને લઈને ઘણા કરારો થયા છે. કરાર પ્રમાણે, દુબઈ કાશ્મીરમાં IT ટાવર, ઔધોગિક પાર્ક, લોજિસ્ટિક ટાવર સાથે જ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પણ બનાવશે. જોકે દુબઈ ભારતમાં કેટલી રકમનું ઈન્વેસ્ટમેન્ટ કરશે એનો ખુલાસો હજી થયો નથી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે કાશ્મીરના વિકાસ માટે દુનિયા અમને સહકાર આપી રહી છે. આ કરાર બતાવે છે કે ભારત ગ્લોબલ પાવર તરીકે સામે આવી રહ્યું છે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) ગુજરાતમાં દોઢ વર્ષ સુધીના બાળકોને ન્યુમોનિયા-મગજના તાવ સામે 4500 રૂપિયાની ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સિન ફ્રીમાં અપાશે 2) કેનેડાના PR માટે પોલીસ ક્લિયરન્સ સર્ટિ. નહીં મળતાં કેનેડા ખાતેની ભારતીય એમ્બેસીને પક્ષકાર બનાવવા હાઈકોર્ટનો આદેશ 3) રાજકોટના બેડલામાં ભાજપના પૂર્વ MLAના ભત્રીજાને ‘દારૂ ક્યાં વેચાય છે’ કહી 4 પોલીસમેન કારમાં ઉઠાવી ગયા, ઢોર માર મારતા શરીરમાં ઉજરડા પડ્યા! 4) અફઘાનિસ્તાનમાં સ્થિતિ સુધરતાં ગુજરાતીઓને દિવાળી પહેલાં ‘દિવાળી’, ડ્રાયફ્રૂટમાં રૂ.50થી 300નો ભાવઘટાડો 5) ઉત્તર પ્રદેશના કુશીનગરમાં PM મોદીએ કહ્યું- ભગવાન બુદ્ધનું સમર્પણ બધા માટે પ્રેરણારૂપ છે; મોદીએ મહાપરિનિર્વાણ સ્તૂપમાં ભગવાન બુદ્ધની પૂજા કરી 6) શેરબજારોમાં રોકાણકારોએ નફારૂપી વેચવાલી કરતાં સેન્સેક્સ 456 પોઇન્ટ ગગડ્યો 7) ST બસના કર્મચારીઓની હડતાળ મોકુફ: સરકારે પ્રશ્નોનું નિરાકરણ કરવાની હૈયાધારણા આપતા માસ સીએલ પર જવાની જાહેરાત પરત ખેંચી

આજનો ઈતિહાસ
વર્ષ 1943માં આજના દિવસે નેતાજી સુભાષ ચંદ્ર બોઝે સિંગાપોરમાં ભારતની સરકાર બનાવી હતી, આ સરકારને 9 દેશોએ માન્યતા પણ આપી દીધી હતી

અને આજનો સુવિચાર
મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે ?

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...