ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશનને ઈન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન ડેવલપ કરી રહ્યું છે. ટૂંક સમયમાં સ્ટેશનનું કામ પૂર્ણ થવાની શક્યતા છે. સ્ટેશનનું ઉદઘાટન જાન્યુઆરીના ત્રીજા કે ચોથા સપ્તાહમાં રેલવેમંત્રીના હસ્તે કરાય એવી શક્યતા છે. દેશમાં પહેલીવાર કોઈપણ રેલવે સ્ટેશન પર પ્રાર્થના રૂમ અલગથી તૈયાર કરાયો છે, જ્યાં ટ્રેનની રાહ જોતા પેસેન્જરો ભગવાનની પ્રાર્થના-બંદગી કરી શકશે. ફાઈવસ્ટાર હોટલ બિલ્ડિંગની નીચે સ્ટેશન માટે નવું બિલ્ડિંગ તૈયાર કરાયું છે.
નવી ટિકિટ બારીની ડાબી બાજુમાં લિફ્ટ-એસ્કેલેટર લગાવાયાં
આ બિલ્ડિંગમાં જ નીચેના મુખ્ય પ્રવેશદ્વારથી પ્લેટફોર્મ પર જવા માટેની એન્ટ્રી છે. તમામ પેસેન્જરોએ ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થવું પડશે. એન્ટ્રીગેટ પાસે ફાઈવસ્ટાર હોટલમાં જવા માટેનો રસ્તો આપ્યો છે, જેમાં નવી ટિકિટ બારીની ડાબી બાજુમાં લિફ્ટ-એસ્કેલેટર લગાવાયાં છે, જેથી હોટલ બિલ્ડિંગમાં સરળતાથી પહોંચી શકાશે.
જૂના સ્ટેશન બિલ્ડિંગમાં સ્ટોલ સહિતની વ્યવસ્થા કરાશે
નવા બિલ્ડિંગમાં એન્ટ્રીગેટ, બુકિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાતાં જૂનું બિલ્ડિંગ ખાલી થશે. જોકે સ્ટેશન મેનેજર સહિત અન્ય અધિકારીની ઓફિસ હાલ જૂના બિલ્ડિંગમાં રહેશે. બુક સ્ટોલ, ખાણી-પીણી સ્ટોલની સાથે જીવન જરૂરિયાતની વસ્તુના સ્ટોલ શરૂ કરાશે.
બેબી ફીડિંગ રૂમ પણ તૈયાર કરાયો
પ્રાર્થના રૂમની સાથે સાથે પ્લેટફોર્મ પર મહિલા પેસેન્જર સંતાનને ફીડિંગ કરાવી શકે એ માટે બેબી ફીડિંગ રૂમ પણ બનાવાયો છે. સ્ટેશન પર કોઈને નાની-મોટી ઈજા થાય તો તેને પ્રાથમિક સારવાર મળી રહે એ માટે સારવાર રૂમ પણ તૈયાર કરાયો છે. સંપૂર્ણ સ્ટેશન સીસીટીવી કેમેરાની નજર હેઠળ રહેશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.