જુગારધામ:અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ પાછળ ચાલતાં મોટા જુગારધામ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 18 જુગારીની ધરપકડ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દરિયાખાન ઘુમ્મટ ગાર્ડન પાસે અને જહાંગીર વકીલ મીલમાં જુગારધામ ચાલતું હતું
  • મુખ્ય સૂત્રધાર દાઉદ ઈબ્રાહીમ મિયાણા ફરાર થયો
  • જાહેરમાં ચાલતા જુગારધામ મામલે પીસીબી અને માધુપુરા પોલીસ ઉંઘતી ઝડપાઈને ગાંધીનગરથી દરોડા પડ્યા

શહેરમાં દારૂ-જુગારની પ્રવૃત્તિઓ ફરી એકવાર બેફામ શરૂ થઈ ગઈ છે. શાહીબાગ વિસ્તારમાં પોલીસ કમિશનર ઓફિસની પાછળ એક કિલોમીટર દૂર દરિયાખાન ઘુમ્મટ અને જહાંગીર વકીલ મીલની ચાલીમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વરલી મટકાના સટ્ટાનું મોટું જુગારધામ ઝડપી પાડ્યું છે. દાઉદના જુગારધામ પરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 18 જુગારીઓ અને દાઉદના માણસોની ધરપકડ કરી હતી. જ્યારે કેટલાક નાસી જવામાં સફળ રહ્યાં હતાં. પોલીસે રોકડ 1.16 લાખ, 14 મોબાઈલ, 4 વાહન સહિત રૂ. 2.24 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ દરોડો પાડ્યો હતો
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે માધુપુરા પોલીસની હદમાં શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસ પાછળ દરિયાખાન ઘુમ્મટ પાસે ગાર્ડનમાં દાઉદ ઇબ્રાહિમ મિયાંણા નામનો શખ્સ મોટું જુગારધામ ચલાવે છે. જેથી ગાંધીનગરથી SRPની ટીમો સાથે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ દરોડો પાડ્યો હતો. દરિયાખાન ઘુમ્મટ પાસે જાહેર રોડ પર પોલીસને આવતા જોઈ કેટલાક જુગારીઓ અને સટ્ટો લખનાર ફરાર થઈ ગયા હતા. પોલીસે 11 લોકોને પકડી લીધાં હતાં. જેમાં રાજુ ઠાકોર નામના શખ્સની પૂછપરછ કરતાં પોતે દાઉદ ઇબ્રાહિમ મિયાણાનો વરલી મટકાના સટ્ટા પોતે અને અન્ય માણસો ગાર્ડનની અંદર બેસીને લખે છે. દાઉદનો માણસ અવેશ આવીને પૈસા લઈ જાય છે. હાલમાં જહાંગીર વકીલ મીલની ચાલીમાં કાંટાવાળી ચાલીમાં અન્ય રાયટરો પાસે પૈસા લેવા ગયો છે.

પોલીસે ત્રણ સટ્ટો લખવાવાળા અને સટ્ટો લખાવવા આવેલા 18 લોકોની ધરપકડ કરી હતી
પોલીસે ત્રણ સટ્ટો લખવાવાળા અને સટ્ટો લખાવવા આવેલા 18 લોકોની ધરપકડ કરી હતી

જેથી પોલીસે કાંટાવાળી ચાલીમાં દરોડો પાડતા જુગાર લખતા અને જુગારીઓ ગલીઓમાંથી નાસી ગયા હતા જ્યારે 7 લોકોને પોલીસે પકડી લીધા હતા. અવેશ જામ આ જુગારધામ પર જે હિસાબ થતો તે રાયટરો પાસેથી ઉઘરાવતો હતો. પોલીસે ત્રણ સટ્ટો લખવાવાળા, અવેશ અને સટ્ટો લખાવવા આવેલા 18 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે દાઉદ ઇબ્રાહિમ મિયાણા ફરાર થઇ ગયો હતો. સ્થાનિક માધુપુરા પોલીસ અને પીસીબીની રહેમનજર હેઠળ દાઉદનું જુગારધામ ધમધમતું હોવાની ચર્ચા છે. પોલીસ કમિશનર ઓફિસથી થોડે જ દુર આટલું મોટું જાહેરમાં જુગારધામ ચાલતું હતું જેની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને દરોડો પાડ્યો તો પીસીબી કે માધુપુરા પોલીસ ઉંઘતી ઝડપાઇ કે પછી આંખ આડા કાન હતા? ​​​​​​​​​​​​​

દાઉદ મિયાણા સામે અગાઉ અનેક ગુના નોંધાયા
​​​​​​​ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યાના એક કલાક પહેલાં જ માધુપુરા પોલીસને જાણ થઈ ગઈ હોય એમ દાઉદ મિયાણા અને બીજા પાંચ સહિત કુલ 6 લોકો સામે જુગારનો કેસ બતાવ્યો છે જેમાં દાઉદ મિયાણા સહિત 6 લોકોને જગ્યા પરથી જ પકડ્યા હતા. કલાક બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડયો તો 18 લોકો પોલીસને મળી આવ્યા હતા. જેથી સ્પષ્ટ છે કે માધુપુરા પોલીસનો કોઈ જ ડર નથી અને શું માત્ર 6 લોકો જ પોલીસને મળ્યા હતા? માધુપુરા પોલીસની રેડના એક કલાકમાં જ ફરી જુગારધામ ધમધમવા લાગ્યું હતું? દાઉદ મિયાણા સામે અગાઉ અનેક ગુના નોંધાયા છે અને ખુદ માધુપુરા પોલીસના દરોડા બાદ પણ જુગારધામ ચાલતું હોવાનું બંને ફરિયાદ પરથી જણાય છે ત્યારે પોલીસ કમિશનર કે પોલીસવડા પીઆઇ મહાવીરસિંહ બારડ સામે કાર્યવાહી કરશે કે કેમ?