સટ્ટાના રેકેટનો પર્દાફાશ:અમદાવાદમાં પેન્ટહાઉસમાં ભાભર-ઊંઝાના બુકીઓને ક્રિકેટનો સટ્ટો રમાડતો ટપોરી રાજુ રાણી ઝડપાયો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્થાનિક પોલીસ અંધારામાં રહી અને DGP સ્ક્વોડની ટીમે રેડ પાડી

હાલમાં ટી 20 ક્રિકેટ વર્લ્ડ કપની મેચો ચાલી રહી છે. ત્યારે આ મેચો પર સટ્ટો રમાડતા સટોડિયા પણ સક્રિય થયાં છે. અમદાવાદમાં સટ્ટો રમાડતા અનેક સટોડિયા પોલીસના હાથે અત્યાર સુધીમાં ઝડપાયાં છે. ત્યારે શહેરના સોલા વિસ્તારમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા ભાભર અને ઊંઝા સહિતના બુકીઓનો ટપોરી રાજુ રાણી ગાંધીનગરની પોલીસની રેડમાં ઝડપાઈ ગયો છે. સોલામાં સ્થાનિક પોલીસને અંઘારામાં રાખીને DGP સ્ક્વોડની ટીમે રેડ પાડી હતી.

ગાંધીનગરની સ્ટેટ મોનીટરિગ સેલે દરોડો પાડ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે સોલામાં બહેનના નામે ઘર રાખીને રાજુ રાણી નામનો ટપોરી ક્રિકેટનો સટ્ટો રમાડતો હતો. તેની જાણ ગાંધીનગરની સ્ટેટ મોનીટરિગ સેલને થતા રેડ કરી હતી.આ બુકી મોટા ગજાના બુકી સામે માત્ર પ્યાદુ છે. પણ તેના આકાઓની વિગત સ્ટેટ મોનીટરિંગ સેલએ ખોલીને હવે બુકીના સર્કલ સામે કાર્યવાહી કરવાનો મૂડ બનાવી દીધો છે. સ્થાનિક પોલીસની જાણ બહાર એટલે નાક નીચે સટ્ટાનું નેટવર્ક ચાલતું હોય તે પોલીસ અધિકારી અને તેમની ટીમ માટે ખૂબ શરમજનક બાબત છે. હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા શુ કાર્યવાહી થશે તેના પર સમગ્ર મદાર રહેલો છે.

ટી 20 વર્લ્ડકપની સેમિફાઇનલ પર સટ્ટો રમાતો હતો
અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કેમ્બે રિસોર્ટની પાછળ શ્યામ રેસિડેન્સીના પેન્ટ હાઉસમાં ટી 20 વર્લ્ડકપની સેમિફાઇનલ પર સટ્ટો રમાતો હતો.આ મકાનમાં સટ્ટો રમાડતા હોવાની સાથે મોટા બુકી અમિત ઊંઝા, છોટુ વિસનગર ચિન્ટુ ભાભરનો મોટો સટ્ટો કપતો હતો. આ સટ્ટો ગુંજન ઉર્ફે રાજુ રાણી વ્યાસ અસ્ટોડીયા અમદાવાદ કાપતો હતો.રાજુ રાણી આ બુકીઓ સામે સામાન્ય ટપોરી જેવો ગણાય છે.

પોલીસે રેડ કરી આખા સટ્ટાના રેકેટનો પર્દાફાશ કર્યો
થરાદ,ભાભર અને ઊંઝાના બુકી એટલો મોટો સટ્ટો કાપતા હોય છે જે સ્થાનિક પોલીસની જાણ બહાર કાર્યરત હોય તે શંકા ઉપજાવે તેવું છે. સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમને છેક ગાંધીનગર ખબર પડી અને રેડ કરી આખા સટ્ટાના રેકેટનો પર્દાફાશ કરી નાખ્યો છે. આ સટ્ટાના રેકેટમાં પોલીસને સટ્ટા માટે ઉપયોગી ગેઝેટ, સોફ્ટવેર, મોબાઈલ, લેપટોપ અને સટ્ટો રમતા અને રમાડતા લોકોનો આખો ચિઠ્ઠો મળ્યો છે. હાલ આ અંગે હવે ઉચ્ચ પોલીસ અધિકારીએ ગંભીરતાથી નોંધ લીધી છે અને તપાસના મૂળ સુધી જવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.