અમદાવાદમાં નાની બાબતોમાં હૂમલો કરી દેવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કલાર્કને જાહેરમાં જ મોટર સાયકલ પર આવેલા બે શખ્સોએ છરી મારી દીધી હતી. ત્યાર બાદ તેઓ ફરાર થઈ ગયાં હતાં. ઈજાગ્રસ્ત ક્લાર્ક તેમના મિત્રને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે ગયાં હતાં. ત્યાર બાદ તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા લાભુભાઈ રબારી અમદાવાદના શિવરંજીની થી ગાંધીનગર જઈ રહ્યાં હતાં.આ દરમિયાન વિસત સર્કલ પાસે પહોંચતા જ એક મોટર સાયકલ પર બે શખ્સો તેમની નજીક આવ્યા હતાં અને ગાળા ગાળી કરવા લાગ્યા હતાં. ત્યારે લાભુભાઈએ તેમને ગાળો બોલવાની ના પાડતાં જ તેમણે ફરીવાર જોરજોરથી ગાળો બોલી હતી અને કહ્યું કે બાઈક કેમ સરખુ ચલાવતો નથી. આટલું કહીને એક શખ્સે લાભુભાઈના ખભા પર છરી મારી દીધી હતી.
લાભુભાઈ આ હૂમલાને કારણે ગભરાઈ જતાં તેઓ ત્યાંથી ઝડપથી રવાના થઈ ગયાં હતાં. અજાણ્યા શખ્સો ચાંદખેડા બાજુ ફરાર થઈ ગયાં હતાં. આ દરમિયાન લાભુભાઈએ તેમના મિત્રને બોલાવીને સમગ્ર હકિકત જણાવી અને સાબરમતિ વિસ્તારમાં એક હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. આ ઘટનામાં લાભુ ભાઈએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.