પહેલો બાળવાર્તા દિવસ:‘મૂછાળી મા’ ગિજુભાઈ બધેકા વિશે ગાંધીજીએ નોંધ્યું હતું કે, ‘એમના વિશે લખનારો હું કોણ, એમનું કામ ઊગી નીકળશે’

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગિજુભાઈ બધેકા - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગિજુભાઈ બધેકા - ફાઇલ તસવીર
  • પ્રસિદ્ધ કેળવણીકાર ગિજુભાઈ બધેકાની જન્મજયંતી

ગુજરાતના જાણીતા શિક્ષણવિદ અને બાળકોની ‘મૂછાળી મા’ના હુલામણા નામથી જાણીતા ગિજુભાઈ બધેકાની આજે 137મી જન્મ જયંતી છે. રાજ્ય સરકારે આજના દિવસને ‘બાળ વાર્તા દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે જેને અનુલક્ષીને ભાવનગરમાં દક્ષિણામૂર્તિ વિદ્યાલયમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ગિજુભાઈએ શ્રી દક્ષિણામૂર્તિ સંસ્થામાં 1916થી 1936 સુધી 20 વર્ષમાં એક સદીમાં ન થઈ શકે તેવું બાળ શિક્ષણનું કાર્ય કર્યું. આ સમયગાળામાં ગિજુભાઈએ 174 પુસ્તકો લખ્યાં જેમાં બાળકો, વાલી અને શિક્ષકો માટેના પુસ્તકોનો સમાવેશ થાય છે. મહાત્મા ગાંધી પણ શિક્ષણ ક્ષેત્રમાં ગિજુભાઈના યોગદાનથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે નોંધ્યું હતું કે, ‘એમના વિશે લખનારો હું કોણ, એમનું કામ ઊગી નીકળશે.’

ગિજુભાઈ માનતા કે વાર્તાના બે જ હેતુ હોય- આનંદ પ્રાપ્તિ અને ભાષા વિકાસ. તેમણે વાર્તાઓનું સંકલન કર્યું અને વાર્તાઓનું શાસ્ત્ર લખ્યું જેમાં તેમણે કહ્યું કે, વાર્તાનો અંત સુખાંત હોવો જોઈએ. તેમણે જાણ્યું કે વચ્ચે વચ્ચે જોડકણા હોય તો બાળકોને બહુ મઝા આવે છે. જેમકે, ‘ખડબડ ખડબડ ખોદત હે, લાંબી ડોક જોવત હે, કૂકડમૂકડ બેઠત હે, ધડબડ ધડબડ દોડત હે’. તેથી તેઓ એવી વાર્તાઓ લાવ્યા અને તેમાં જોડકણાં પણ ખાસ હોય. ગિજુભાઈ એમ કહેતા કે વાર્તાના અંતે બોધ ન કહેવો, બોધ માટે વાર્તા નથી. બાળક એની મેળે મેળવી લેશે.

‘મૂછાળી મા’નું નામ કોણે આપ્યું?
દક્ષિણામૂર્તિના ટ્રસ્ટી મંડળના સભ્ય ડૉ. તેજસ દોશીએ જણાવ્યું કે, બાળકોનો સૌથી સારો ઉછેર તેની મા કરી શકે અને આ એવી મા હતી જેને મૂછો હતી. શાળાના બાળકોને તેમનાથી દૂર જવું ગમતું નહોતું. તેથી ગિરીશભાઈ અને બીજા સાથી કર્મચારીઓએ તેમનું નામ મૂછાળી મા પાડ્યું. ત્યારબાદ હુલામણું નામ એટલું લોકપ્રિય થયું કે લોકો કહે કે, ગિજુભાઈ એટલે મૂછાળી મા.

અન્ય સમાચારો પણ છે...