ભાસ્કર વિશેષ:સાબરમતી જેલના કેદીઓએ બનાવેલી ગાંધી, કસ્તુરબા અને સરદાર થાળી લોકોને પીરસાશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • જેલના કેદીઓને આપવામાં આવતા ભોજનની ‘જેલ થાળી’ પણ શરૂ કરવા યોજના

જેલના ભજિયાં તો મોટાભાગના અમદાવાદીઓએ ખાધા હશે પરંતુ જેલમાં કેદીઓને કેવું ભોજન મળતું હશે તેવો પ્રશ્ન લોકોને થતો હોય છે. આ સ્થિતિમાં જેલ ભજિયાં હાઉસને રૂ.3 કરોડના ખર્ચે હેરિટેજ લૂક આપવાની યોજના લાગુ કરાશે. ભજિયાં હાઉસની ઉપરના ભાગે રેસ્ટોરાં બનાવાશે જેમાં જેલના કેદીઓને અપાતું ભોજન લોકોને પીરસવામાં આવશે જેને જેલ થાળી નામ અપાશે. આ ઉપરાંત બેંકવેટ હોલમાં ગાંધી થાળી, સરદાર થાળી, કસ્તુરબા થાળી પીરસવામાં આવશે જેમાં હોટલની જેમ વ્યંજનો હશે.

સુભાષબ્રિજ પાસે આવેલા જેલ ભજિયાં હાઉસના નવીનીકરણની યોજના જેલ સત્તાવાળાએ હાથ ધરી છે. જેલના વડા ડો. કે. એલ.એન. રાવે આ અંગે જણાવ્યુ હતુ કે, રૂ. 3 કરોડના ખર્ચે નવીન જેલ ભજિયાં હાઉસની ઈમારત ત્રણ માળની હશે જેને હેરિટેજ લૂક આપવામાં આવશે.

નીચેના ભાગે ભજિયાં હાઉસ તથા જેલના કેદીઓ દ્વારા તૈયાર ફર્નિચર તથા અન્ય વસ્તુઓ વેચાણઅર્થે મુકાશે. બીજા માળે રેસ્ટોરન્ટ બનાવાશે જેમાં જેલના કેદીઓને રોજબરોજ આપવામાં આવતા ભોજન જેમ જ બપોરે દાળભાત, શાક, રોટલી, સાંજે શાક કઢી ખીચડી, ભાખરી વગેરે ભોજન કેદીથાળીમાં મળશે. આ તમામ ભોજન જેલના કેદીઓ દ્રારા તૈયાર કરાશે. લોકો બેંકવેટ હોલનો બર્થ ડે પાર્ટી, રિંગ સેરેમની કે અન્ય શુભ પ્રસંગે ઉપયોગ કરી શકશે.

ગાંધીજી, મહાનુભાવોનું મ્યુઝિયમ બનશે
હેરિટેજ ભજિયાં હાઉસની ત્રણ માળની ઈમારતમાં એક મ્યુઝિયમ બનાવવાની પણ યોજના છે. આ મ્યુઝિયમમાં આઝાદી સમયે જેલમાં રહેલા મહાત્મા ગાંધીજી, કસ્તુરબા, સરદાર વલ્લભભાઈ પટેલ, અબ્બાસ તૈયબજી જેવા મહાનુભાવોની ચીજવસ્તુઓ કે જે તેઓ જેલવાસ દરમિયાન ઉપયોગમાં લેતા હતા તેને પણ મ્યુઝિયમમાં મુકાશે.
જેલ ભજિયાં હાઉસ કરોડોનું ટર્નઓવર
રાજયની વિવિધ જેલોમાં ફર્નિચર મેકિંગ, વણાટકામ , દરજીકામ બેકરી પ્રોડકટ્સ, ખેતીવાડી વગેરે ઈન્ડસ્ટ્રીઝનુ ટર્ન ઓવર કરોડોમાં થાય છે. 5 વર્ષમાં જેલ ઈન્ડસ્ટ્રીઝનું ટર્નઓવર 102 કરોડે પહોચ્યુ છે. 5 વર્ષમાં રૂ. 2.67 કરોડ તો જેલના કેદીઓ દ્વારા બનાવાતા ભજિયાંની આવક થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...