ભાસ્કર બ્રેકિંગ:અમદાવાદમાં 1970માં બનેલો ગાંધી આશ્રમ રોડ હવે કાયમી બંધ કરવામાં આવશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આશ્રમ રોડ - ફાઇલ તસવીર - Divya Bhaskar
આશ્રમ રોડ - ફાઇલ તસવીર
  • 55 એકરના આશ્રમના રિડેવલપમેન્ટમાં આ રોડ પણ સમાવી લેવાશે, નવા રોડનું કામ દોઢ વર્ષમાં પૂરું થશે
  • RTO પાસેના પ્રબોધ રાવળ બ્રિજથી વાડજ પરીક્ષિત લાલ બ્રિજ વચ્ચે ગાંધી આશ્રમ બાયપાસ રોડનું કામ શરૂ થયું

શહેરની ધરોહર સમાન ગાંધી આશ્રમના વિકાસ માટે કેન્દ્ર સરકાર વિશેષ રસ લઇ રહી છે, ત્યારે હવે રાણીપ બસ સ્ટેન્ડ સામેથી (પ્રબોધ રાવળ બ્રિજ) પાસેથી રસ્તો બનાવી ગાંધી આશ્રમની સામેની તરફ, પાછળથી જૂનાવાડજ એસટીપી પ્લાન્ટની પાછળથી, પરીક્ષિત લાલ બ્રિજની પાછળની તરફ નીકળશે. આ રસ્તો બની જતાં જ વાડજથી સુભાષ બ્રિજ જવા માટે હાલ જે ગાંધી આશ્રમ પાસેનો રસ્તો છે એ બંધ કરી દેવામાં આવશે. એને સ્થાને આ નવો રસ્તો ઉપયોગમાં લેવામાં આવશે.

હાલ આ રસ્તો બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે 1972થી પણ પહેલાંથી ગાંધી આશ્રમ પાસેનો આ રસ્તો ઉપલબ્ધ છે. 1984 આસાપાસ આ રસ્તાને પહોળો બનાવવામાં આવ્યો હતો. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ જ ગાંધી આશ્રમ વિસ્તારને સાઇલન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. એને કારણે હાલ પણ એસટી બસો વાડજથી સીધા જૂનાવાડજ રામાપીરના ટેકરા વિસ્તારમાંથી પ્રબોધ રાવળ બ્રિજ તરફ નીકળે છે.

આ સ્થિતિ વચ્ચે હવે આગામી દિવસોમાં ગાંધી આશ્રમ નજીકથી પસાર થતાં અન્ય વાહનો પણ બંધ થઇ જતાં આ વિસ્તાર ખરા અર્થમાં સાઈલન્ટ ઝોન બનશે. ગાંધી આશ્રમ વિકાસ માટે હાથ ધરાયેલી કામગીરી હેઠળ આ રસ્તો બન્યા બાદ અન્ય કામગીરી પણ ઝડપથી હાથ ધરાય એવી શક્યતા છે.

1947 પહેલાં બનેલા જૂના બિલ્ડિંગ યથાવત્ રખાશે
ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત આશ્રમની 55 એકર જમીનમાં રિડેવલપમેન્ટ કરવાનું આયોજન છે, જેમાં હાલમાં જે જગ્યાએ આશ્રમ છે એ સહિત એની સામેના ભાગમાં અંતેવાસીઓનાં ઘરો પણ આવરી લેવામાં આવ્યાં છે. આશ્રમનો 1947 પહેલાં બનેલાં અંદાજે 50થી વધુ બિલ્ડિંગોને યથાવત્ સ્થિતિમાં રાખવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. એનું કારણ એ છે કે આ તમામ ઐતિહાસિક છે. આશ્રમનો એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પણ બદલવામાં આવશે. જ્યારે વચ્ચેનો રોડ પણ ડેવલપમેન્ટમાં ભેગો કરી બંને તરફનો ભાગ એક જ કેમ્પસમાં આવરી લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...