જુગારધામ પર દરોડા:કારંજમાં જાન સાહેબની ગલીમાં ડીજી વિજિલન્સના દરોડાના ત્રણ મહિના બાદ ફરી જુગારધામ શરૂ થતાં ડીસીપી સ્ક્વોડે રેડ કરી 13 જુગારીઓ ઝડપી પાડ્યા

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાત્રિ કર્ફ્યૂ વચ્ચે જાન સાહેબની ગલીમાં મકાનમાં ચાલતાં જુગારધામ પર ઝોન 2 ડીસીપીએ દરોડા પાડયા
  • પોલીસે રોકડ રકમ, 6 મોબાઈલ, કોઈન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો

અમદાવાદ શહેરમાં જુગારની પ્રવૃત્તિઓ ફરી એકવાર શરૂ થઈ છે. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અને રહેમનજર હોવાથી ચાલતા જુગારધામ પર એજન્સીઓ અને ઉચ્ચ અધિકારીઓની સ્ક્વોડે દરોડા પાડવા પડે છે. અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં કારંજ પોલીસની હદમાં ત્રણ મહિના પહેલાં ડીજી વિજિલન્સ સ્ક્વોડ દ્વારા કારંજ જાન સાહેબની ગલીમાં ચાલતાં મોટા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં જ ફરી જુગારધામ શરૂ થયું હતું. જે મામલે ડીસીપી ઝોન 2 વિજય પટેલને જાણ થતાં જ તેમની સ્ક્વોડે દરોડો પાડી અને 13 જુગારીઓની ધરપકડ કરી હતી. રાત્રિ કર્ફ્યૂની વચ્ચે ચાલતાં જુગારધામ પરથી પોલીસે રોકડ રકમ, 6 મોબાઈલ, કોઈન સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ સ્ટેશનની માત્ર 100 મીટરના અંતરે જ જુગાર રમાતો
લાલદરવાજા વિસ્તારમાં આવેલા કારંજ પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર આવેલી જાન સાહેબની ગલીમાં સરફુદીન સૈયદ નામનો શખસ મકાન નંબર 1257માં જુગારધામ ચલાવે છે તેવી જાણ ઝોન 2 ડીસીપી વિજય પટેલને થઈ હતી. જેથી ડીસીપીએ તેમની સ્ક્વોડને દરોડો પાડવા સૂચના આપતાં રાત્રિ કર્ફ્યૂમાં ચાલતાં આ જુગારધામ પર સ્ક્વોડે દરોડો પાડતા કુલ 13 શખસ જુગાર રમતાં ઝડપાયા હતા. પોલીસે સરફુદીન સૈયદ, હામિદ મિયાં સૈયદ, આસીફહુસેન શેખ, ઐયુબખાન પઠાણ, અબ્દુલરઝાક સૈયદ, યુનુસ શેખ, મહંમદ અયુબ શેખ, વાહીદ માલકાણી, અબ્દુલ જાવેદ શેખ, યુનુસખાન પઠાણ, અનવરહુસેન શેખ, નસીમઅહેમદ ભરૂચી અને ફિરોઝ પઠાણની ધરપકડ કરી હતી.

પોલીસ પર સ્થાનિકોએ હુમલો પણ કર્યો
ત્રણ મહિના પહેલાં જ કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી આ જ જાન સાહેબની ગલીમાં ડીજી વિજિલન્સની સ્ક્વોડની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસ પર સ્થાનિક લોકોએ હુમલો પણ કર્યો હતો. જુગારધામ ચલાવનાર શખ્સને ભગાડી દેવામાં આવ્યો હતો. આ જ જગ્યા પર ફરી એકવાર જુગારધામ શરૂ થતાં ખુદ ડીસીપી સ્ક્વોડ દ્વારા દરોડો પાડવાની ફરજ પડી છે. ડીજી વિજિલન્સ સ્ક્વોડની રેડ બાદ જુગારધામ સ્થાનિક પોલીસકર્મીઓની રહેમનજર હેઠળ ચાલતું હોવાના આક્ષેપો પણ થયાં હતાં. ડીસીપી સ્ક્વોડ દ્વારા દરોડાની તપાસ સ્થાનિક પીએસઆઇ તપાસ કરશે.