દહેજની માંગણી સાથે ત્રાસ આપવાના રોજબરોજ અનેક કિસ્સા સામે આવે છે, જેમાં દહેજની માંગને લીધે પરિણીતાનો ઘરસંસાર તૂટ્યો હોય અથવા તો મામલો પોલીસ સુધી પહોંચ્યો હોય. અમદાવાદ શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં દારૂ જુગારના રવાડે ચઢેલો પતિ તેની પત્ની પાસે દહેજની માગ કરતો હતો. પત્ની કોઈપણ દલીલ કરે તો તેની સાથે ગંદી ગાળો આપીને મારઝૂડ કરતો હતો. આખરે કંટાળેલી પત્નીએ આપઘાત કરી લેતાં પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સલાઈકામ કરીને પરિણીતા ઘર ચલાવતી
મળતી માહિતી મુજબ અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી પરિણીતાના સમાજના રીતરિવાજ મુજબ લગ્ન થયાં હતાં. તેને લગ્ન બાદ સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે. પતિ દારૂ અને જુગારના રવાડે ચઢી ગયો હોવાથી ઘરમાં ઘરખર્ચ આપવાનું બંધ કરી દીધું હતું. ત્યારે પરિણીતા સિલાઈ કામ કરીને ઘર ચલાવતી હતી. પતિ અનેક વખત પરિણીતા પાસે દહેજની માંગ કરતો હતો. ત્યારે પરિણીતા કહેતી હતી કે, મારા પિતા પાસે હવે પૈસા નથી તમને આપવા માટે. તેની આ દલીલ સાંભળીને પતિ વધારે ઉશ્કેરાતો અને ગંદીગાળો બોલીને મારઝૂડ કરતો હતો.
પત્ની કમાતી ને પતિ દારૂમાં રૂપિયા ઉડાડતો
પરિણીતા બાળકો માટે ઘરસંસાર સાચવીને બેઠી હતી. તેના પતિએ ઘરખર્ચ આપવાની ના પાડી દીધી હતી અને પરિણીતા જે પણ કમાણી કરીને લાવતી તે દારૂ અને જુગારમાં ઉડાવી દેતો હતો. રોજે રોજ આ પ્રકારનો કકળાટ ઘરમાં શરૂ થયો હતો. પરીણિતાએ પોતાની આપવિતી તેના માતા પિતાને કરી હતી. પંરતુ દહેજ ભૂખ્યા પતિનો ત્રાસ ઓછો થયો નહતો. તેણે પત્ની પર દહેજમાં એક લાખ રૂપિયા લાવવાનું દબાણ કર્યું હતું. પતિના ત્રાસથી પરીણિતાએ આખરે આત્મ હત્યા કરી લીધી હતી. આ ઘટનાથી ચાર બાળકોના માથેથી માતાનો છાંયો ઉડી ગયો હતો. ચારેય બાળકો માતા વિનાના થઈ ગયા હતાં. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.