સ્વામિનારાયણ સંતનું નિધન:કુમકુમ સ્વામિનારાયણ મંદિરના 101 વર્ષીય મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી પંચમહાભૂતમાં વિલીન

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અંતિમ વિધિના દર્શન - Divya Bhaskar
મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અંતિમ વિધિના દર્શન
  • કુમકુમ સેવા કેન્દ્ર-હીરાપુર ખાતે બપોરે 2 વાગે શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અંતિમ સંસ્કાર કરાયા

માગશર સુદ પૂનમના દિવસે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગરના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો અગ્નિ સંસ્કાર વિધિ કુમકુમ સેવા કેન્દ્ર-હીરાપુર ખાતે કરવામાં આવ્યા હતા. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતુ કે, સવારે કુમકુમ મંદિર મણિનગર ખાતે મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી ઉપર શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી અને વિવિધ જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. સંતો-હરિભક્તોએ પૂજન, અર્ચન અને આરતી કરી હતી. ત્યારબાદ મણિનગરથી જવાહર ચોક વિસ્તારમાં સૌ હરિભક્તોએ ધૂન-કીર્તન કરી તેમની પાલખીયાત્રા કાઢી હતી.

પાલખીયાત્રામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પધાર્યા
પાલખીયાત્રા બપોરે શ્રી સ્વામિનારાયણ કુમકુમ સેવા કેન્દ્ર - હિરાપુર ખાતે પહોંચી હતી. ત્યાં ઘણાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આ બાદ અગ્નિ સંસ્કાર વિધિ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક શાખાના સંતો પધાર્યાં હતાં. જેમાં અક્ષરપુરુશોત્તમ સંસ્થા - શાહીબાગ, SMVS સંસ્થા ગાંધીનગર, સોખડા સંસ્થા, જગન્નાથ મંદિરના દિલીપદાસજી મહારાજ, વિશ્વ હિંદુ પરિષદ, શ્રીજીધામ સાયન્સ સિટી પણ પધાર્યાં હતા.

મોટી સંખ્યામાં હરિભક્તોએ અંતિમ દર્શન કર્યા
મોટી સંખ્યામાં હરિભક્તોએ અંતિમ દર્શન કર્યા

1948માં પહેલીવાર વિદેશની ભૂમિ પર પધાર્યા
સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના જીવન અંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અને શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઈ.સ 1948માં સૌપ્રથમ વિદેશની ભૂમિ આફ્રિકા ખાતે પધાર્યા હતા. શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ અમેરિકા, લંડન, કેનેડા, દુબઈ આદી દેશોમાં સાતથી વધુ વખત સત્સંગ પ્રચાર અર્થે પધાર્યા છે, લંડનમાં વિશાળ મંદિર પણ સ્થાપ્યું છે. 1200થી વધુ પેજનો શ્રી અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથ, શ્રી હરિની સર્વોપરિતા આદી સાત ગ્રંથોની રચના કરી. પંચમહાલ, સાબરકાંઠા જેવા વિસ્તારોમાં અનેક લોકોને વ્યસન મુક્ત કરીને મંદિરો સ્થાપ્યા છે.

પાલખીપાત્રામાં હરિભક્તો જોડાયા
પાલખીપાત્રામાં હરિભક્તો જોડાયા

ગુજરાતના સાધુ સમાજમાં મંત્રી તરીકે સેવા આપી
આનંદપ્રિયદાસજી સ્વામીએ ગુજરાત સાધુ સમાજમાં મંત્રી તરીકેની સેવા આપી છે. ઇ.સ. 1993માં શ્રી મુક્તજીવન સ્વામી બાપાના સિદ્ધાંતો સજીવન રાખવા મણિનગરમાં કુમકુમ મંદિરની સ્થાપના કરી. શ્રી મુક્તજીવન સ્વામી બાપાની આજ્ઞા થવાથી કચ્છમાંથી 400 કિલોમીટર ચાલીને સંત બનવા માટે આવ્યા હતા. સંતની દીક્ષા ગ્રહણ કરી તેને 80 વર્ષ થયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં 101 વર્ષના આ વરિષ્ઠ સંત છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેમને સહુ "સાધુતાની મૂર્તિ"ના નામથી ઓળખે છે. સમગ્ર સંતો તેમની "સાધુતા"થી આકર્ષાય છે.

આનંદપ્રિયદાસજી સ્વામીએ ગુજરાત સાધુ સમાજમાં મંત્રી તરીકેની સેવા આપી ચૂક્યા છે
આનંદપ્રિયદાસજી સ્વામીએ ગુજરાત સાધુ સમાજમાં મંત્રી તરીકેની સેવા આપી ચૂક્યા છે
અન્ય સમાચારો પણ છે...