મહેનતને યોગ્ય ન્યાય મળશે:પોલીસની ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવાશે, હસમુખ પટેલે ઉમેદવારોને અપાવ્યો વિશ્વાસ; લેભાગુ તત્ત્વો ફાવે નહીં એ માટે પોલીસની ચાંપતી નજર

અમદાવાદ2 મહિનો પહેલા
  • LRD અને PSIની પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એ બાબત પર પોલીસની નજર
  • ભરતીમાં 3 ડિસેમ્બરથી શારીરિક કસોટી શરૂ થશે અને માર્ચ મહિનામાં લેખિત પરીક્ષા શરૂ થશે

ગુજરાતમાં લાંબા સમય બાદ એકસાથે ઘણીબધી ભરતીની પ્રક્રિયાઓ ચાલી રહી છે. LRD, PSI, બિનસચિવાલય ક્લાર્ક, GPSCમાં ભરતી માટે ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે. અગાઉ LRDની ભરતીમાં પેપર લીક થવાની ઘટના બની હતી,, જેને કારણે ભરતી બોર્ડની છબિ ખરડાઈ હતી અને દિવસ-રાત તૈયારી કરતા લાખો ઉમેદવારો સાથે અન્યાય થયો હતો. એવામાં આ વખતે LRD અને PSIની પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ મામલે ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ખુદ ટ્વીટ કરીને ઉમેદવારોને વિશ્વાસ અપાવ્યો છે.

હસમુખ પટેલે પારદર્શિતાનો વિશ્વાસ અપાવ્યો
તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે ભરતીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સાથે સંકળાયેલા ઇસમો પર ચાંપતી નજર રાખવા DGP દ્વારા તમામ પોલીસ અધીક્ષક તથા પોલીસ કમિશનરોને સૂચના આપવામાં આવી છે. પોલીસની ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય અને કોઈપણ લેભાગુ તત્ત્વો ફાવી ન જાય એ માટે પોલીસ નજર રાખી રહી છે. તો બીજી તરફ ઉમેદવારોને પણ આ વખતે વિશ્વાસ છે કે હસમુખ પટેલ ભરતી બોર્ડના પ્રમુખ હોવાથી પરીક્ષામાં કોઈ ગેરરીતિ નહીં થાય.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ઉમેદવારોને સાવચેત કર્યા
ઉમેદવારોને સંબોધતાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ‘રાજ્યની સુરક્ષા એ સરકારનું પ્રાથમિક ધ્યેય છે. પોલીસ ભરતી નિયમો પ્રમાણે અને પારદર્શક રીતે થશે. તેમણે રાજ્યના યુવાધનને ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરીને ગુજરાત પોલીસમાં ભરતી થવાના સપના છોડી દેવા અને સખત મહેનત કરી લક્ષ્ય હાંસલ કરવા શીખ આપી હતી. કોઇપણ વ્યક્તિ ખોટી રીતે ગુજરાત પોલીસમાં સામેલ થઇ શકશે નહિ.

ત્રણ વર્ષ પહેલાં પેપર લીકની ઘટના બની હતી
ગુજરાત પોલીસ લોકરક્ષકની ભરતી માટે લેવાનારી પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરાઈ હતી. આ પેપર લીકમાં દક્ષિણ ભારતના પ્રિન્ટિંગ પ્રેસમાં જ કામ કરતી ગુજરાતી વ્યક્તિએ દિલ્હીની ગેંગને આપ્યું હતું, સાથે એમાં સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ ક્લાસના માલિકની સંડોવણી બહાર આવી હતી. એમાં અનેક આરોપીઓની ધપરકડ કરાઈ હતી. એવામાં ફરીથી આ પ્રકારની કોઈ ઘટના ન બને એ માટે પોલીસ પણ સતર્કતા દાખવી રહી છે.

આ પણ વાંચો: LRD ઉમેદવારોની દોડની પ્રેક્ટિસ માટે રાજકોટ-વડોદરા સહિત 20 જિલ્લામાં મેદાનો ફાળવ્યા, વાંચો એડ્રેસ સાથે 133 ગ્રાઉન્ડનું સંપૂર્ણ લિસ્ટ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં LRD ઉમેદવારોને પ્રેક્ટિસ માટે વધુ જિલ્લામાં મેદાનો ફાળવાયાં
ગુજરાત પોલીસની લોકરક્ષક કેડરની 10459 જેટલી જગ્યાઓ માટેની ભરતીમાં 9.50 લાખ ઉમેદવાર છે, જેમની શારીરિક પરીક્ષા 3 ડિસેમ્બરથી શરૂ થવાની જાહેરાત થઈ ચૂકી છે. PSI અને LRD બંનેની શારીરિક પરીક્ષા સાથે રાખવામાં આવી છે. ત્યારે 26 નવેમ્બરે સુરત શહેરમાં 1 અને ગ્રામ્યમાં 5 તથા નવસારીમાં પણ કુલ 8 જગ્યાએ મેદાનો ફાળવાયાં છે. આમ કુલ 21 જિલ્લામાં 147 મેદાનની ફાળવણી કરાઈ છે.

આ નવાં મેદાનોની ફાળવણી કરવામાં આવી

  • સુરત શહેરમાં ઉધના પોલીસ સ્ટેશન સામેના મેદાનમાં પોલીસ ભરતીની તાલીમ આપવામાં આવી રહી છે.
  • નવસારી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં કુલ 8 જગ્યાએ પોલીસ ભરતીની તાલીમ શરૂ કરાઈ.
  • સુરત ગ્રામ્ય જિલ્લામાં માંડવી નગરપાલિકા મેદાન, રંગ અવધૂત મેદાન બારડોલી, બીડ ક્રિકેટ મેદાન મહુવા, ડાભા ક્રિકેટ મેદાન કડોદરા, ઈટાળવા ક્રિકેટ મેદાન, ઈટાળવા (પલસાણા તાલુકો) એમ કુલ પાંચ જગ્યાએ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ ભરતી તાલીમ શરૂ કરાઈ છે.