અમદાવાદની એક ઘટના, જેણે હોસ્પિટલમાં સૌકોઈને આશ્વર્યમાં મૂકી દીધા હતા. 35 પેસેન્જર ભરેલી એસટીની વોલ્વો બસ બસ સ્ટેશન પહોંચવાને બદલે ખાનગી હોસ્પિટલના ઈમર્જન્સીના ગેટ આગળ જઈને ઊભી રહી ગઈ હતી. બસને હોસ્પિટલમાં જોઈને ડોક્ટરો અને સ્ટાફ પણ આશ્વર્યચકિત થઈ ગયા હતા. જોકે બસના ડ્રાઈવરને સમયસૂચકતાને લઈને વાહ વાહીને પાત્ર બન્યા છે. તો જાણીએ એ ઘટના અંગે...
108ની રાહ જોયા વગર બસને હંકારી મૂકી
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી 32 વર્ષની એક મહિલા ગાંધીનગરથી અમદાવાદ જવા માટે GSRTCની બસમાં બેઠી હતી, પરંતુ બસ કોબા સર્કલ પહોંચતાં આ મહિલાને છાતીમાં જોરદાર દુખાવો ઊપડ્યો હતો, જેની જાણ બાજુમાં બેઠેલા પેસેન્જરે બસના ડ્રાઇવરને કરી હતી. ડ્રાઇવરે સહેજ પણ ટાઈમ બગાડ્યા વગર અને 108ની રાહ જોયા વગર બસને હંકારી મૂકી હતી.
35 પેસેન્જર સાથે બસ 20 મિનિટ સુધી હોસ્પિટલમાં જ રહી
બસને માત્ર સાત જ મિનિટમાં કોબા સર્કલથી અપોલો હોસ્પિટલના ઈમર્જન્સી વિભાગના ગેટ આગળ પહોંચાડી દીધી હતી, જ્યાં સ્ટ્રેચર મગાવીને મહિલાને તાત્કાલિક સારવાર માટે ખસેડાઇ હતી અને તાત્કાલિક સારવાર શરૂ કરાઇ હતું. ડોક્ટરો હાર્ડ-એટેકની અસર હોવાનું જણાવ્યું હતું. આશરે 20 મિનિટ બાદ મહિલાની સ્થિતિ સ્થિર થતાં 35 પેસેન્જર ભરેલી બસ તેના રૂટ પર આગળ વધી હતી.
મહિલાનો જીવ બચી ગયો એ જ આનંદ
કૃષ્ણનગર ડેપોમાં 6 મહિનાથી ડ્રાઇવર તરીકે નોકરી કરતા શકરપુરી ગોસ્વામી જણાવ્યું હતું કે મહિલાને છાતીમાં દુઃખાવો ઊપડ્યો હતો અને રહેવાતું નહોતું, જેથી મને લાગ્યું એટેક આવ્યો હશે. મહિલાએ મને સિવિલ હોસ્પિટલ લઈ જવાનું કહ્યું હતું, પણ સિવિલ પહોંચતાં વાર લાગે એમ હોવાથી મેં 35 પેસેન્જર ભરેલી બસ અપોલો હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગના ગેટ આગળ પહોંચાડી હતી. ત્યાંના સ્ટાફે કહ્યું કે તમે ઝડપી આવ્યા એટલે મહિલાનો જીવ બચી ગયો. ઉપરી અધિકારીએ મને આ સમગ્ર બાબતની શાબાશી આપી હતી. મહિલાનો જીવ બચાવીને આનંદ છે.
25 વર્ષમાં આવી પહેલી ઘટના બની
સમગ્ર બાબતે અપોલો હોસ્પિટલના ઈમર્જન્સી ડિપાર્ટમેન્ટના હેડ સંજય શાહે કહ્યું હતું કે 25 વર્ષના મારા અનુભવમાં આ રીતે પેસેન્જર લાવ્યા હોય એ આ પહેલી ઘટના હતી. સાંજે 6:30 વાગે કોબા સર્કલ પાસે પસાર થતી બસમાં મહિલાને ગભરામણ અને છાતીમાં દુખાવો ઊપડ્યો હતો અને ડ્રાઇવરને આ મેસેજ આપ્યો હતો. ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી હતી.
થોડું મોડું થાય તો હૃદય પણ બંધ થઈ જાત...
મોટા ભાગે આવી સ્થિતિમાં દર્દીને ઉતારી દે કે એમ્બ્યુલન્સ બોલાવે પણ આ ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને બસ સીધી જ અપોલો હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગ સુધી લઈને આવ્યા હતા. અમે મહિલાને સારવાર આપી સ્ટેબલ થયાં ત્યાં સુધી આ ડ્રાઇવર અમારી સાથે જ હતા. મહિલાની આગળ તપાસ કરતા માલૂમ પડ્યું કે તેને હળવા હાર્ડ-એટેક જેવી અસર હતી અને જો દર્દીને સારવાર મળવામાં મોડું થાય તો તેનું હૃદય પણ બંધ થઈ શકત. અમે મહિલાને જરૂરી ટ્રીટમેન્ટ આપીને તેમને રજા આપી હતી.
ઉપરી અધિકારી ચિંતા કર્યા વગર માનવધર્મ નિભાવ્યો
ડ્રાઇવરની સૂઝબૂઝ અને સમયસૂચકતાને કારણે એક મહિલાનો જીવ બચી ગયો હતો. ડ્રાઇવરે સહેજ પણ સંકોચ રાખ્યા વગર કે ઉપરી અધિકારી ચિંતા કર્યા વગર માનવધર્મ નિભાવીને બસ સીધી જ હોસ્પિટલમાં પહોંચાડી હતી, જેને કારણે ડ્રાઇવરને ચારેબાજુએથી શાબાશી મળી રહી છે. પેસેન્જરે પણ ડ્રાઇવરને આ સમગ્ર ઘટનામાં મદદ કરી હતી.
શા માટે આવે છે હાર્ટ-એટેક?
આ બાબતે અપોલો હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગના હેડ ડોક્ટર સંજય શાહે જણાવ્યું કે યંગ અને ડાઇનામિક પોપ્યુલેશનમાં છેલ્લા એક દોઢ વર્ષમાં કોવિડ ગયા પછી કોવિડ થયો હોય અથવા તો કોવિડની વેક્સિન લીધી હોય તેવા ઘણા દર્દીમાં બ્લડ ક્લોટિંગ તેમજ અન્ય કારણે મગજનો એટેક, હૃદયનો એટેક આવી શકે. પેટનાં આંતરડાંની લોહીની નળીમાં બ્લોકેજ આવે, જેને કારણે એટેક આવે. બીજું મોટું કારણ સ્ટ્રેસ, લાઈફસ્ટાઇલના બદલા, જંકફૂડને કારણે એટેક આવવાના બનાવો બને છે. કેટલાક લોકોને ફેમિલી હિસ્ટ્રી હોય છે. ડાયાબિટીસ, બીપીને કારણે હાર્ટ-એટેક આવવાના ચાન્સ વધી જાય છે.
ડ્રાઇવર અને કંડકટરને સારવાર આપવાની ટ્રેનિંગ
ડ્રાઇવરને ચારેબાજુએથી શાબાશી મળી રહી છે. પેસેન્જરે પણ ડ્રાઇવરને આ સમગ્ર ઘટનામાં મદદ કરી હતી. કેટલાક ST ડેપો દ્વારા એસટી બસના ડ્રાઇવર અને કંડક્ટરને પણ કોઈપણ પ્રકારની ઈમર્જન્સીમાં પ્રાથમિક સારવાર કઈ રીતે આપી શકાય એની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે, જેથી કરીને કોઈ પણ પેસેન્જરને જરૂર પડે તેને સારવાર આપી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.