ડ્રગ્સ સપ્લાયર ઝડપાયો:​​​​​​​અમદાવાદમાં એમ.ડી ડ્રગ્સ સપ્લાય કરવાના ગુનામાં ફરાર વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચ મુંબઈથી પકડી લાવી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વોન્ટેડ આરોપી મુસ્તાકખાન પઠાણ - Divya Bhaskar
વોન્ટેડ આરોપી મુસ્તાકખાન પઠાણ
  • બારેજા-જેતલપુર હાઈવે પર બે શખ્સ 7 લાખની કિંમતના 70 ગ્રામ ડ્રગ્સ સાથે પકડાયા હતા

અમદાવાદ શહેરમાં 11 ઓગસ્ટના રોજ બારેજા ગામથી જેતલપુર ગામ તરફ જતા હાઈવે રોડ પર બે શખ્સ રૂ. 7 લાખની કિંમતના 70 ગ્રામ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા હતા. ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીમાં ડ્રગ્સ સપ્લાય કરનાર મુખ્ય આરોપી તરીકે મુંબઈના મુસ્તાકખાન પઠાણનું નામ સામે આવ્યું હતું, જેને અમદાવાદ પોલીસ મુંબઈ જઈને ઝડપી પાડ્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અમદાવાદમાં યાકુબ પલાસરા અને મોહમંદસાદિક નામના બે યુવકો પાસેથી 70 ગ્રામ એમ.ડી ડ્રગ્સ મળ્યું હતું. જે મામલે મુંબઈના શખ્સનું નામ સામે આવ્યું હતું, જે ભાગતો-ફરતો હોવાથી વોન્ટેડ જાહેર કરાયો હતો. આ મામલે અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની ટીમે મુંબઈ જઈને મુંબઈ પોલીસની મદદ માંગી હતી. સ્થાનિક પોલીસની બાતમીના આધારે મુસ્તાકખાન ત્રિવેણીનગરમાં 19 માળની બિલ્ડીંગમાં રહેતો હોવાની જાણ થઈ હતી.

આ બાતમીના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીના ફ્લેટ પર પહોંચી હતી, જ્યાં આરોપી મુસ્તાકખાન તેના પલંગની નીચે છુપાયેલો મળી આવ્યો હતો. વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી અમદાવાદ લાવીને કોર્ટમાં હાજર કર્યો હતો, જ્યાં આરોપીએ એમ.ડી ડ્રગ્સ સપ્લાય કર્યો હોવાનું સ્વીકાર્યું હતું. હાલમાં પોલીસે ડ્રગ્સનો જથ્થો આરોપી ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તેની તપાસ શરૂ કરી છે, સાથે તે અન્ય આવા પ્રકારના કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની પૂછપરછ શરૂ કરી છે.