ભત્રીજીને ભગાડી ગયેલા પ્રેમીની 4 કાકાએ હત્યા કરી હતી. સેશન્સ કોર્ટે ચારેયને આજીવન કેદની સજા કરી હતી પરંતુ હાઇકોર્ટે નિર્દોષ છોડ્યા હતા. ફરિયાદી પક્ષ સુપ્રીમ કોર્ટમાં જતાં સુપ્રીમ કોર્ટે આજીવન કેસની સજા યથાવત રાખી હતી. જેથી જેલમાંથી છુટ્યા બાદ ધરપકડ ટાળવા 2 વર્ષથી જૂનાગઢના જંગલોમાં છુપાઈ ગયેલા આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી.
યુવતીને પ્રેમ પ્રકરણમાં ભગાડી લઈ ગયેલા જયેશ શંકરલાલ ગોહિલ નામના યુવાન ઉપર યુવતીના 4 કાકા દેવજી વાળા, હસમુખ વાળા, દિલીપ વાળા અને દિનેશ વાળાએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગે સેટેલાઈટ પોલીસે ખૂનનો ગુનો નોંધી ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી. જો કે કેસ ચાલી જતા સેસન્સ કોર્ટે ચારેય આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી. જેની સામે ચારેય આરોપીઓ ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા, જો કે ગુજરાત હાઈકોર્ટે ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો. જેથી ચારેય આરોપીઓ જેલમાંથી બહાર આવી ગયા હતા. જેની સામે ફરિયાદી પક્ષ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. જેમાં સુપ્રીમ કોર્ટે સેસન્સ કોર્ટનો ચુકાદો માન્ય રાખીને ચારેય આરોપીઓને આજીવન કેદની સજા કરવા હુકમ કર્યો હતો.
પોલીસે દેવજી, હસમુખ અને દિલીપની ધરપકડ કરી હતી, જ્યારે દિનેશ વાળા ફરાર હતો. જેથી દિનેશ વાળાને શોધી કાઢવા અને તેનું સ્ટેટસ રજૂ કરવા સુપ્રીમ કોર્ટે એક સીટની રચના કરી હતી. આટલું જ નહીં 31 ડિસેમ્બર સુધીમાં દિનેશ વાળાનું સ્ટેટસ રજૂ કરવા આદેશ કર્યો હતો. દરમિયાનમાં ક્રાઈમ બ્રાંચના પીઆઈ ડી.બી.બારડને બાતમી મળી હતી કે દિનેશ વાળા ધરપકડથી બચવા માટે જૂનાગઢના જંગલોમાં છુપાઈ રહ્યો છે. જેના આધારે તેઓ ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા અને ભાણવાના ઘુંમલી ગામમાંથી દિનેશ વાળાને ઝડપી લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.