દુખદ:પીપળજ-પીરાણા રોડ પર ફેક્ટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા બે કામદારનાં ગૂંગળામણને કારણે મોત, FSLની ટીમે તપાસ હાથ ધરી

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૂંગળામણને કારણે બંને કામદારોના મોત નીપજ્યાં - Divya Bhaskar
ગૂંગળામણને કારણે બંને કામદારોના મોત નીપજ્યાં

પીરાણા-પીપળજ રોડ પર આવેલી એક ફેક્ટરીમાં ટાંકી સાફ કરવા માટે ઉતરેલા બે કામદારનાં ગૂંગળામણના કારણે મોત નિપજ્યાં હતાં. આ અંગે નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. પીરાણા-પીપળજ રોડ પર આવેલી એક ડેનિમ વોશિંગનું કામ કરતી ફેક્ટરીમાં ટાંકીની સાફસફાઈ માટે નારોલ વણઝારા વાસમાં રહેતા હરકિશન રાવત (ઉં.વ.40) અને મલખાન રામજીવન કેવટ (ઉં.વ.40) ટાંકીમાં ઉતર્યા હતા. ટાંકીમાં ઉતર્યા બાદ બહાર લાંબો સમય વીતી જવા છતાં તેઓ બહાર ન આવતા ફેક્ટરીના સંચાલકે તપાસ કરતા તેઓ અંદર પડેલા જણાયા હતા. આ અંગે ફાયરને જાણ કરતા બંને કામદારોને ટાંકીમાંથી કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તબીબે બંનેના ગૂંગળામણના કારણે મોત નિપજ્યાં હોવાનુ જાહેર કર્યું હતું.

FSLની ટીમે ટાંકીમાંથી શંકાસ્પદ નમૂના લીધા
ડેનિમ વોશિંગનું કામ કરતી ફેક્ટરીના સંચાલક દ્વારા સેફ્ટીનાં સાધનો વિના કામદારોને ટાંકીમાં સફાઈ કરવા માટે ઉતાર્યા હતા કે કેમ તે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ટાંકીમાં કેમિકલનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો કે કેમ તે મામલે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે. બીજી બાજુ એફએસએલે ટાંકીમાંથી નમૂના લઈ મોતનુ કારણ જાણવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...