કોરોનાને નાથવા નિર્ણય:અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થતાં આવતીકાલથી AMTS-BRTS 50 ટકા જ સિટિંગ કેપેસિટી સાથે દોડશે

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ શહેરમાં દરરોજ કોરોનાના 1200થી વધુ કેસો નોંધાવા લાગ્યા છે. જેને પગલે એક બાદ એક નિયંત્રણો લગાવવામાં આવી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખીવા માટે AMTS અને BRTSની બસો 50% સિટિંગ કેપેસિટી સાથે 6 જાન્યુઆરી 2022થી દોડાવવામાં આવશે.

આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ તથા ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વલ્લભ પટેલ (AMTS)એ જણાવ્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભારતવર્ષમાં જાહેર પરિવહનની સુવિધા પુરી પાડવા અંગે કામગીરી કરવામાં અગ્રેસર છે અને તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ, અમદાવાદ જનમાર્ગ લી. દ્વારા શહેરીજનોને જાહેર પરિવહનની સેવા પુરી પાડવામાં આવે છે.

AMTSની 180 અને BRTSની 350 બસો દોડે છે
હાલમાં AMTSની 180 બસો અને BRTSની 350 બસો મળી કુલ 930 બસો સંચાલનમાં મુકવામાં આવે છે. જે રાબેતા મુજબ ચાલુ રહેશે. વર્તમાન સમયમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે હેતુથી 50% સિટિંગ કેપેસિટી સાથે તા.6-1-2022થી બસો સંચાલનમાં મુકવામાં આવનાર છે.

માસ્ક સાથે સંપૂર્ણ વેક્સિનેટ હશો તો જ મુસાફરી કરી શકશો
તમામ શહેરીજનોને SOPનું પાલન કરવા વિનંતિ પણ કરવામાં આવી છે. જેમાં દરેક પ્રવાસીએ માસ્ક ફરજીયાત પહેરેલુ હોવુ જોઈએ. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના પ્રવાસીઓના કોવિડ 19 વેક્સિનની સર્ટિફિકેટની ખરાઈ કરવામાં આવશે, જે પ્રવાસીઓએ વેક્સિન લીધી ન હોય અથવા તો જેમનો વેક્સિનનો બીજો ડોઝ ડયુ થયેલ હોય અને ડોઝ લીધેલ ન હોય તેવા પ્રવાસીઓને AMTS અને BRTS બસમાં મુસાફરી કરવા દેવામાં આવશે નહી.

SOPનું પાલન થાય તે માટે અલગ-અલગ જગ્યાએ અધિકારી, સુપરવાઈઝરી ટીમ અને વિજિલન્સ ટીમને જવાબદારી સોંપવામાં આવેલ છે.

અમદાવાદમાં આઇસોલેશનના 49 બેડ ભરાયા
હાલ અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં 97 ટકા બેડ ખાલી છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં સ્થિતિ જોઈએ તો આઈસોલેશનમાં 759 બેડમાંથી 49 બેડ ભરાયા છે અને 710 બેડ ખાલી છે. HDUના 841 બેડમાંથી 18 બેડ ભરાયા છે અને 823 બેડ ખાલી છે. જ્યારે વેન્ટિલેટર વિનાના ICU બેડમાં કુલ 367 બેડમાંથી માત્ર 2 બેડ ભરાયા છે અને 365 બેડ ખાલી રહ્યાં છે. તેમજ વેન્ટિલેટર સાથેના ICU બેડમાં કુલ 183 બેડમાંથી 4 બેડ ભરાયા છે અને 179 બેડ હાલમાં ખાલી પડ્યાં છે. ખાનગી હોસ્પિટલોમાં કુલ 2150 બેડમાંથી હાલમાં 73 બેડ ભરાયા છે અને 2077 બેડ ખાલી છે. જેથી 97 ટકા બેડ હાલમાં ખાલી પડ્યા રહ્યાં છે.

2 દર્દી ICUમાં અને 4 દર્દી વેન્ટીલેટર પર
અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો બાળકોને પાર પહોંચી ગયા છે હાલમાં અમદાવાદમાં 73 જેટલા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે, જેમાં ચાર દર્દી વેન્ટિલેટર પર છે. 49 દર્દીઓ આઇસોલેશન બેડમાં, 18 દર્દીઓ HDU અને 2 દર્દીઓ ICUમાં છે. અમદાવાદની 43 જેટલી હોસ્પિટલો હાલ કોરોનાની સારવાર કરવામાં આવે છે. જેમાં અત્યારે 11 જેટલી હોસ્પિટલોમાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. સોલા સિમ્સ હોસ્પિટલમાં 2, જનકલ્યાણ હોસ્પિટલ અને મણિનગર સ્ટર્લિંગ હોસ્પિટલમાં 1-1 એમ કુલ ચાર દર્દીઓ વેન્ટિલેટર પર છે. એસજી હાઈવે પર આવેલી એસજીવીપી અને સોલા સિમ્સ હોસ્પિટલમાં સૌથી વધુ 9-9 દર્દીઓ આઇસોલેશન બેડમાં દાખલ છે.

અન્ય સમાચારો પણ છે...