મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:​​​​​​​આજથી પેટ્રોલમાં લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલમાં રૂ.7નો ઘટાડો, અમદાવાદની મેકડોનાલ્ડમાં કોલ્ડ ડ્રિંકમાંથી ગરોળી નીકળતા રેસ્ટોરન્ટ સીલ

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે રવિવાર છે, તારીખ 22 મે, વૈશાખ વદ- સાતમ (કાલાષ્ટમી)

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) આજથી પેટ્રોલમાં લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલમાં રૂપિયા 7નો ઘટાડો 2) આજે સમગ્ર ગુજરાતમાં મેગા વેક્સિનેશન ડ્રાઈવ 3) આજે અમદાવાદમાં યલો એલર્ટ, ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાઓ

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) અમદાવાદની મેકડોનાલ્ડમાં કોલ્ડ ડ્રિંકના એક-બે ઘૂંટ પીતાં જ ગરોળી ઉપર આવી ને યુવકે હોબાળો મચાવ્યો, AMCએ રેસ્ટોરન્ટ સીલ કરી

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી મેકડોનાલ્ડમાં કોલ્ડ ડ્રિંકમાંથી મરેલી ગરોળી નીકળતાં ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકનું કહેવું હતું કે આ બાબતે મેનેજરને ફરિયાદ કરી, પરંતુ તેમણે કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું. અંતે, ગ્રાહકે આ વિશે ફૂડ અને ડ્રગ્સ વિભાગ, મીડિયા અને પોલીસને પણ જાણ કરી હતી. જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ વિભાગે મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ સીલ કરી દીધી છે.

વાંચો સમાચાર વિગતવાર

2) પાર-તાપી પ્રોજેક્ટ 42 વર્ષે મંજૂર અને માત્ર બે મહિનામાં જ રદ્દ, જમીન ગુમાવવાનો ડર હોવાથી આદિવાસીઓએ વિરોધ કર્યો હતો

દક્ષિણ ગુજરાતના ભરૂચ,નર્મદા, વલસાડ જિલ્લા સહિતના આદિવાસી વિસ્તારોને વિજળી અને પાણી આપવા માટેના પાર-તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ 1980થી વિચારણામાં ચાલી રહ્યો હતો. જેને 42 વર્ષ બાદ નરેન્દ્ર મોદીની સરકારે મંજૂર કર્યો હતો પરંતુ સ્થાનિક આદિવાસી, સ્થાનિક અને પ્રજાના વિરોધના પગલે આ પ્રોજેક્ટને બે મહિના પૂર્વે સ્થગિત કરવાની જાહેરાત કરાઈ હતી અને આખરે ગુજરાત સરકારે પણ આ પ્રોજેક્ટને રદ્દ કરવાની ફરજ પડી છે.

વાંચો સમાચાર વિગતવાર

3) મોડાસામાં બે ટ્રક અને કાર વચ્ચે ભીષણ ટક્કરથી ત્રણેય વાહન બળીને ખાખ, બે મૃતદેહ બહાર કઢાયા, 6નાં મોતની આશંકા

મોડાસા પાસે આવેલા આલમપુર ગામ પાસે બે ટ્રક અને કાર વચ્ચે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં અંદાજે 6 જેટલા લોકોનાં મોત નીપજ્યા છે. હાલમાં બે મૃતદેહને વાહનમાંથી બહાર કઢાયા છે, જ્યારે બે લોકોને હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ કરાયા છે. હાલમાં આગ પર 90 ટકા કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. અકસ્માતને પગલે મોડાસા-નડિયાદ હાઈવે બંધ કરી દેવો પડ્યો હતો. એને કારણે 10 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. અકસ્માતના પરિણામે ટ્રાફિકને સિકા રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. બીજી તરફ હાઈવે પરથી વાહનો હટાવીને રોડ ખુલ્લો કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

4) અમદાવાદના અનુપમ બ્રિજ પાસે JCBની ટક્કરે દીવાલ ધરાશાયી થતા 3 દટાયા, પિતા-પુત્રીનું કરુણ મોત

અમદાવાદના ખોખરા વિસ્તારમાં અનુપમ બ્રિજ પાસે આવેલા તલાશનગર નજીક બપોરના સમયે JCBની ટક્કરે એક દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. દીવાલ પડતાં તેની નીચે 3 લોકો દટાઈ ગયા હતા. જેમાં દીવાલ પાસે ઊભેલા પિતા-પુત્રીનું કરુણ મોત નિપજ્યું હતું. જે ઘટનાને પગલે ફાયરબ્રિગેડની 2 ગાડીઓ અને ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચવા રવાના થયા હતા. બીજી તરફ ફાયરબ્રિગેડ પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ દટાયેલા લોકોને બહાર કાઢી સારવાર માટે મોકલ્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર

5) મોંઘવારીથી ત્રસ્ત પ્રજાને મોદી સરકારની મોટી રાહત, પેટ્રોલમાં લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલમાં રૂપિયા 7નો ઘટાડો; ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ રૂપિયા 200નો ઘટાડો જાહેર

મોદી સરકારે પ્રજાને ઈંધણના વધી રહેલા ભાવને લઈ મોટી રાહત જાહેર કરી છે. આ સાથે જ પેટ્રોલના લિટર દીઠ રૂપિયા 9.50 અને ડીઝલમાં રૂપિયા 7નો તોતિંગ ઘટાડો જાહેર કર્યો છે.આ ઘટાડો સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરી પ્રજાને રાહત આપવામાં આવી રહી છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમે પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટમાં લિટર દીઠ રૂપિયા 8 અને ડીઝલમાં રૂપિયા 6નો ઘટાડો કરી રહ્યા છીએ. તેને લીધે પેટ્રોલની કિંમત લિટર દીઠ રૂપિયા 9.5 અને ડીઝલ રૂપિયા 7 સસ્તુ થઈ જશે.આ અગાઉ કેન્દ્ર સરકારે 3 નવેમ્બર 2021ના રોજ પેટ્રોલ પર લિટર દીઠ રૂપિયા 10 અને ડિઝલ પર રૂપિયા 5 એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો જાહેર કર્યો હતો.

વાંચો સમાચાર વિગતવાર

6) 3 રાજ્યમાં પૂર અને વરસાદ, બિહાર સહિત 3 રાજ્યમાં 57 લોકોનાં મોત; આસામમાં પૂરથી 7 લાખ લોકો અસરગ્રસ્ત, રેલવેટ્રેક બન્યો આશરો

ચોમાસા પહેલા જ દેશના કેટલાક રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદે વિનાશ સર્જ્યો છે. બિહાર, આસામ અને કર્ણાટક આવા જ ત્રણ રાજ્યો છે, જ્યાં વીજળી પડવાથી અને પૂરના કારણે 57 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. આસામમાં સ્થિતિ સૌથી ખરાબ છે. અહીં બ્રહ્મપુત્રા અને તેની સાથે વહેતી નદીઓમાં આવેલા પૂરે ભારે કહેર મચાવતા વિનાશ સર્જ્યો છે. સેંકડો ગામોએ જળ સમાધિ લીધી છે. 7 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. ખેડુતોનો પાક પણ નાશ પામ્યો છે.

વાંચો સમાચાર વિગતવાર

7) રાહુલ ગાંધીના કેન્દ્ર પર આરોપ,કહ્યું- ભારતની સ્થિતિ સારી નથી, BJPએ ચારેબાજુ કેરોસિન છાંટ્યું છે; એક તણખલું આખા દેશને આગ લગાડી શકે છે

લંડનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આઈડિયાઝ ઓફ ઈન્ડિયા સેમિનારમાં રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપ દેશમાં ધ્રુવીકરણનું કેરોસિન છાંટી રહી છે. બસ, ક્યાંક એક તણખલું થશે તો આખો દેશ એની જાતે જ સળગવા લાગશે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) અજિત પર કુંવરજી બાવળિયા ભડક્યા, કહ્યું- 'કૂતરું ભલે મોઢું ચાટી જાય, આપણે કાંઈ એનું મોઢું ન ચાટવાનું હોય' 2) અમદાવાદમાં પ્રદૂષિત અને પૂરતાં પાણી મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ, AMC ઓફિસે દરવાજા બંધ કરવા પડ્યા 3) સુરતમાં આંગડીયા પેઢીના કર્મચારીને બંદૂક બતાવી બે શખસો 33 લાખ ભરેલી બેગ લઈને નાસી ગયા 4) રાજકોટમાં મનોવિજ્ઞાન ભવનનો 1710 વાલી પર સરવે, 13% ખચકાવાની તકલીફ અને 48% બાળકોને ભાષા ગ્રહણમાં મુશ્કેલી 5) જમ્મુ-કાશ્મીર ટનલ દુર્ઘટના,રામબાણમાં કાટમાળમાંથી કુલ 9 શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા, 1 શ્રમિકની શોધખોળ ચાલુ; કન્સ્ટ્રક્શન કંપની સામે કેસ દાખલ 6) ઈમરાને મરિયમ વિશે કરી વિવાદાસ્પદ ટિપ્પણી,કહ્યું- જે ઝનુનથી તમે મારુ નામ બોલો છો, ક્યાંક તમારા પતિને તકલીફ ના થાય

આજનો ઈતિહાસ
વર્ષ 1984માં આજના દિવસે બચેન્દ્રી પાલ વિશ્વના સૌથી ઉંચા શિખર એવરેસ્ટ પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા

​​​​​​​અને આજનો સુવિચાર
માણસની અંદર જે જે શક્તિ, જ્ઞાન અને પ્રેમરૂપે છે તે માત્ર અર્થ અને કામ એ બે પુરુષાર્થથી ખીલતી નથી, ધર્મથી ખીલે છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...