ગુજરાત ભાજપ 'વેકેશન મોડ'માં:આજથી ભાજપના 1 કરોડથી વધુ કાર્યકરોને 3 દિવસનું વેકેશન, પ્રદેશ, જિલ્લા કે તાલુકા સ્તરે કોઈ કાર્યક્રમો નહીં યોજાય

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાજપના કાર્યક્રમમાં સી.આર પાટીલ અને કાર્યકરોની તસવીર - Divya Bhaskar
ભાજપના કાર્યક્રમમાં સી.આર પાટીલ અને કાર્યકરોની તસવીર
  • વેકેશન બાદ તમામ કાર્યકરો આગામી 6 મહિના માટે વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જશે
  • આ વર્ષે ડિસેમ્બરમાં ચૂંટણી આવતી હોઈ કાર્યકરોને દિવાળીમાં પણ કોઈ રજા નહીં મળે

ગુજરાતમાં આ વર્ષે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજથી ભાજપના કાર્યકરોને 3 દિવસનું વેકેશન આપવામાં આવ્યું છે. દેશમાં પહેલીવાર કોઈ રાજકીય પક્ષ દ્વારા આ રીતે પોતાના કાર્યકરો માટે વેકેશન આપવામાં જાહેર કરવામાં આવ્યું છે. વેકેશનના આ 3 દિવસ દરમિયાન પ્રદેશ, જિલ્લા કે તાલુકા સ્તરના કોઈ કાર્યક્રમો યોજવાની કે તેમાં ભેગા થવાની કાર્યકરોની સૂચના આપવામાં નહીં આવે. થોડા દિવસો પહેલા સી.આર પાટીલે કરેલી આ જાહેરાતથી 1 કરોડથી વધુ કાર્યકરો 3 દિવસ સુધી વેકેશન મોડ પર રહેશે.

કોરોનાની ત્રીજી લહેર બાદથી કાર્યકરો રાજકીય કાર્યક્રમોમાં વ્યસ્ત હતા
કોરોનાની ત્રીજી લહેર પૂરી થયા બાદથી જ રાજ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તથા અન્ય નેતાઓના સતત ગુજરાતમાં પ્રવાસો યોજાયા છે. જેના પરિણામે ભાજપના કાર્યકરો આ કાર્યક્રમો દરમિયાન સતત વ્યસ્ત રહ્યા હતા. એવામાં 2, 3 અને 4 મેના રોજ તમામ કાર્યકરોને વેકેશન આપવાથી તેઓ પારિવારિક અને સામાજિક કાર્યો નિપટાવી શકે. આ બાદ વિધાનસભાની ચૂંટણી સુધી તેઓ સતત વ્યસ્ત રહેશે.

ભાજપના કાર્યકરોની તસવીર
ભાજપના કાર્યકરોની તસવીર

વેકેશન બાદ ચૂંટણી પ્રચારમાં લાગી જશે તમામ કાર્યકરો
​​​​​​​
તાપી ખાતે ગત 21મી એપ્રિલના રોજ 'વન-ડે વન ડિસ્ટ્રિક્ટ' ટુરનો પ્રારંભ કરતા સમયે સી.આર પાટીલે ભાજપના કાર્યકરો માટે બીજી મેથી ચોથી મે સુધી ત્રણ દિવસના વેકેશનની જાહેરાત કરી હતી. પાટીલે તેની સાથે જણાવ્યું હતું કે, આ 3 દિવસની રજા જ તમારી દિવાળી અને તમારું વેકેશન છે. આ વેકેશન બાદ ભાજપના તમામ કાર્યકરો વગર રજાએ ફૂલ ઑન એક્શન મોડમાં ચૂંટણી પ્રચારમાં લાગી જશે.

ગુજરાતમાં ભાજપના 1.14 કરોડ પ્રાથમિક સભ્યો
​​​​​​​
પાટીલે જણાવ્યું હતું કે, આ ત્રણ દિવસના વેકેશન દરમિયાન રાજ્યમાં કોઈપણ પ્રકારની રાજકીય ઇવેન્ટ નહી હોય. ગુજરાતમાં ભાજપના 1.14 કરોડ પ્રાથમિક સભ્યો છે અને તેમાંથી 1.29 લાખ સક્રિય સભ્યો છે. આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે અને પક્ષના કાર્યકરોએ ઘણુ બધુ કામ કરવાનું છે. દિવાળીના તહેવારો દરમિયાન પણ તેમને રજા નહી મળે.

અન્ય સમાચારો પણ છે...