ચૂંટણી પ્રચાર:આજથી ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં પ્રચાર માટે ઉતરશે

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ  તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વડાપ્રધાન મોદીની આજે સૌરાષ્ટ્રમાં અલગ અલગ ચાર સભા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપે કાર્પેટ બોમ્બિંગ પદ્ધતિ અપનાવીને પોતાના વિવિધ નેતાઓની સભાઓ સતત યોજાતી રહે તેવી રણનીતિ બનાવી છે. તે અંતર્ગત રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તાપી જિલ્લાના નિઝર અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે જાહેર સભાઓ સંબોધિત કરશે. તે સિવાય હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં પ્રચાર સભાના રાઉન્ડમાં આવ્યા છે. તેઓ વેરાવળ, અમેરલી, ધોરાજી અને બોટાદ એમ ચાર સ્થળોએ સૌરાષ્ટ્રની વિવિધ બેઠકો પર પ્રચાર માટે ચૂંટણી સભાઓ સંબોધિત કરશે.

ભાજપે પોતાના કેન્દ્રીય નેતાઓ પૈકી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે સ્થળે જાહેર સંબોધે ત્યાં ત્રણથી ચાર બેઠકોને આવરી લેવાનો વ્યૂહ અપનાવ્યો છે. જેથી ઓછા સમયમાં વધુ વિધાનસભા બેઠકોને આવરી શકાય. આ દરમિયાન નરેન્દ્ર મોદી ગુજરાતની 26 લોકસભા બેઠકોનો પ્રવાસ કરી તેમાં સમાવિષ્ટ 182 બેઠકોના મતદાતાઓને સંબોધિત કરી શકે તે માટે 30 જાહેર સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ જે સ્થળે સભા સંબોધે ત્યાં તેની આસપાસની ત્રણથી ચાર બેઠકના ઉમેદવારોને પણ ત્યાં મંચ પર હાજર રાખવામાં આવશે.આ સિવાય ભાજપ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ પણ સતત ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે.

પાટીલ સભાઓને બદલે પ્રવાસ કરશે
​​​​​​​ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ હાલ જાહેર સભાઓને સંબોધિત કરી રહ્યા છે, પરંતુ ભાજપના સૂત્રો જણાવે છે કે તેઓ હવે પ્રચાર સભામાં જવાને બદલે અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસ કરીને વ્યૂહાત્મક રણનીતિની વ્યવસ્થાઓ સંભાળશે. ગુજરાતમાં ભાજપે પોતાના 40 સ્ટાર પ્રચારકો ઉતાર્યા છે, તે પૈકી પાટીલ પણ એક છે. જોકે તેઓએ હાઈકમાન્ડને પોતાને સભા સંબોધવાની જવાબદારીમાંથી મુક્ત રાખવાનું કહ્યું છે તેમ સૂત્રો જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...