તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રા @144:અમદાવાદની રથયાત્રાના ઈતિહાસમાં પહેલીવાર રાજ્ય બહારથી આવતા સાધુ-સંતો ભાગ નહીં લઈ શકે, પ્રસાદ લઈને જ પાછા ફરશે

અમદાવાદ22 દિવસ પહેલા
પ્રસાદ લેતા સાધુ-સંતોની તસવીર
  • આ વર્ષે કોઈ પણ સાધુ-સંત રથયાત્રામાં ભાગ નહીં લઈ શકે
  • સાધુઓ ભંડારામાં આવીને મંદિર તરફ ફર્યા હતા, જે બાદ મંદિરથી પરત જશે.

અમદાવાદની રથયાત્રામાં રથ ઉપરાંત ભજન મંડળી, અખાડા, ટ્રક, સાધુ-સંતો સહિત અનેક લોકો દર વર્ષે ભાગ લેતા હોય છે. આ વર્ષે કર્ફ્યુ અને મર્યાદિત વ્યક્તિઓની મંજૂરી વચ્ચે નીકળનારી રથયાત્રામાં પહેલીવાર અન્ય રાજ્યમાંથી આવતા સાધુ-સંતો જોડાઈ નહીં શકે. જેથી 3 રથ અને 5 વાહન સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ વર્ષે સાધુ-સંતોની પણ રથયાત્રામાં ગેરહાજરી રહેશે.

સાધુ-સંતો ભગવાનના દર્શન કરી પરત ફરશે
દર વર્ષે રથયાત્રામાં ભાગ લેવા દેશભરના સાધુ-સંતો આવે છે. 2 દિવસ અગાઉ રથયાત્રા માટે સાધુ-સંતો આવી જતા હોય છે અને મંદિરમાં થતા ભંડારામાં ભાગ લઈને રથયાત્રા સુધી રોકાય છે. પરંતુ આ વર્ષે કોઈ પણ સાધુ-સંત રથયાત્રામાં ભાગ નહીં લઈ શકે. જેથી કેટલાક સાધુ-સંતો અત્યારે જ મંદિર પહોંચ્યા છે અને ભગવાનના દર્શન કરીને પરત જશે. આજે સરસપુર ખાતેના ભગવાનના જૂના મોસાળ વાસણ શેરી ખાતે અનેક સાધુ-સંતો આવ્યા હતા અને ભંડારામાં આવીને મંદિર ફર્યા હતા, જે બાદ મંદિરથી પરત જશે.

મોસાળમાં પ્રસાદ લેતા સાધુ-સંતો
મોસાળમાં પ્રસાદ લેતા સાધુ-સંતો

જૂના મોસાળમાં સાધુ-સંતોનો ભંડારો
આ અંગે સરસપુર જૂના રણછોડજી મંદિરનાં મહંત લક્ષ્મણ દાસે જણાવ્યું હતું કે, દર વર્ષે હજારો સાધુ-સંતો રથયાત્રામાં ભાગ લેવા આવે છે. પરંતુ આ વર્ષે શરતોને આધીન રથયાત્રાને મંજૂરી મળી છે. જેથી કોઈ સાધુ-સંત રથયાત્રામાં ભાગ નહીં લઈ શકે. આજે અમાસના દિવસે જગન્નાથ મંદિરમાં પણ સાધુ-સંતોનો ભંડારો થાય છે તેમ જૂના મોસાળમાં પણ ભંડારો થયો છે. ભંડારા બાદ સાધુ-સંતો જગન્નાથ મંદિર જશે અને ત્યાંથી દર્શન કરીને આજે જ પરત જશે.

ભંડારામાં 500 લીટર દૂધનો દૂધપાક
આજે ભગવાન જગન્નાથ નિજમંદિર પરત ફરતાં ઉત્સવ અને આનંદનો ઉત્સાહ મંદિરે જોવા મળી રહ્યો છે. આજે મંદિરમાં સાધુ-સંતોનો ભંડારો યોજાયો હતો. 1000 જેટલા લોકોનો ભંડારો આજે યોજવામાં આવ્યો હતો. ભંડારામાં કાળી રોટી(માલપૂઆ) અને ધોળી દાળ (દૂધપાક)નો પ્રસાદ આપવામાં આવ્યો હતો. સવારે મંદિરના રસોડામાં 500 લીટર દૂધનો દૂધપાક બનાવવામા આવ્યો હતો. ચણાનું શાક, પૂરી અને માલપૂઆ બનાવવામાં આવ્યા હતા. આજે 1000થી વધુ સાધુ-સંતો ભગવાનના ભંડારામાં પ્રસાદનો લાભ લીધો હતો.

મંદિરમાં સાધુ-સંતોને ધોતી અર્પણ કરાઈ
મંદિરમાં સાધુ-સંતોને ધોતી અર્પણ કરાઈ

અમાસના દિવસે ભગવાન મોસાળથી નિજ મંદિર પરત ફર્યા
ભગવાન જગન્નાથની ઐતિહાસિક 144મી રથયાત્રા સોમવારે પરંપરાગત રીતે કર્ફ્યૂ વચ્ચે નીકળશે. રથયાત્રા પહેલાં આજે અમાસના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી મોસાળ સરસપુરથી નિજ મંદિર પરત ફર્યાં છે. નિજ મંદિરે પરત ફર્યા બાદ નેત્રોત્સવ વિધિ અને ધ્વજારોહણ વિધિની શરૂઆત કરવામાં આવી હતી. ભક્તોની ભારે ભીડ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ વિધિમાં ભાગ લીધો હતો. વિધિ પૂર્ણ થયા બાદ ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી હતી. મંદિરમાં સાધુ-સંતોના ભંડારાની શરુઆત કરાઈ હતી. જેમાં મંદિરમાં દર્શન કરવા આવેલા લોકો પણ પ્રસાદી લેવા માટે પંગતમાં બેઠા હતા.