લગ્નની સિઝન પછી બ્રહ્મજ્ઞાન:સરકારમાં અરજી કરવી જરૂરી; પહેલાં કહ્યું લગ્ન યોજવા કોઇ અરજીની જરૂર નહીં, હવે ઓનલાઇન અરજી કરવા કહ્યું

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકાર પહેલાં નિર્ણય કરે અને પછી તેનાથી 180 અંશે યુટર્ન લઇને ભિન્ન નિર્ણય લે છે તે વાત સામાન્ય બની છે, તેમાં હવે સરકારે ડિઝિટલ યુ-ટર્ન લીધો છે. ગુજરાત સરકારના ગૃહવિભાગ વતી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અગાઉ જાહેર કર્યું હતું કે રાજ્યમાં લગ્નોના આયોજન માટે કોઇ આગોતરી મંજૂરી લેવાની રહેશે નહીં, હવે તેમના જ વિભાગે ઠરાવ બહાર પાડીને લોકોને ફરમાન કર્યું છે કે જો તમારા પરિવારમાં લગ્ન યોજવા હોય તો સરકારના ઓનલાઇન પ્લેટફોર્મ પર જઇને નોંધણી કરાવી રસીદ લઇ લો.

અરજદારે લગ્ન સમારંભ યોજવા માટે આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે
કોરોના મહામારીને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે ગુજરાતમાં યોજાનારા આગામી લગ્ન પ્રસંગો મામલે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. લગ્ન સમારોહ યોજવા માટે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા Online Registration for Organization Marriage Function નામનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર ડિજિટલ ગુજરાત પોર્ટલ (www.digitalgujarat.gov.in)પર એક્ટિવ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અરજદારે લગ્ન સમારંભ યોજવા માટે આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે. આ અરજી કર્યા બાદ અરજદાર રજિસ્ટ્રેશન સ્લિપની પ્રિન્ટ લઈ શકે છે અથવા તો PDF પણ સેવ કરી શકે છે. જો કોઈ પોલીસ અધિકારી કે સ્થાનિક વહીવટી તંત્રના અધિકારી કે કર્મચારી અરજદાર પાસે રજિસ્ટ્રેશન સ્લિપની માગણી કરે તો તે અરજદારે રજૂ કરવી પડશે.

પહેલા પોલીસ મંજૂરી ફરજિયાત કરી પછી મુક્તિ આપી
આ પહેલા ગુજરાત સરકારે રાજ્યમાં લગ્ન કે અન્ય કોઇ સત્કાર સમારંભ સંદર્ભે પોલીસ વિભાગની મંજૂરી ફરજિયાત કરી હતી. જો કે લોકોમાં આક્રોશ જોવા મળતા આ નિર્ણય ફેરવી તોળ્યો હતો અને મંજૂરીમાંથી મુક્તિ આપી હતી. જ્યારે લગ્ન સમારંભના સ્થળની ક્ષમતાની 50 ટકાથી વધુ નહી, પરંતુ 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનો નિયમ બનાવ્યો હતો.

વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ અને સોશિયલ ડિસ્ટન્સિગનું ફરજિયાત પાલન
જ્યારે લગ્ન પ્રસંગો દરમ્યાન વરઘોડા કે બેન્ડવાજા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હાલ રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ અમલી બનાવાયો છે તેવા સ્થળોએ કોઇપણ પ્રસંગનું આયોજન કર્ફ્યૂના સમયગાળા દરમ્યાન કરી શકાતું નથી. લગ્નો કે સત્કાર સમારંભો યોજવામાં આવે ત્યારે કોવિડ-19 સંદર્ભે જે માર્ગદર્શિકા અમલમાં છે તેનો નાગરિકોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. સમારંભ દરમ્યાન 6 ફૂટની દૂરી સાથેનું ફિઝીકલ સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક તથા સેનીટાઇઝર સહીતની વ્યવસ્થા કરવાની રહેશે.

પહેલા 200ને પરવાનગી આપી હતી
અગાઉ ગુજરાત સરકારે લગ્ન સમારંભોમાં મહત્તમ 200 વ્યક્તિઓની હાજરીને બહાલી આપી હતી. પરંતુ દિવાળી બાદ કોરોના સંક્રમણમાં વધારો થતાં આ મર્યાદા ઘટાડીને લગ્ન સ્થળની ક્ષમતાના 50 ટકા અને વધુમાં વધુ 100 વ્યક્તિની જ્યારે અંતિમ ક્રિયા તથા અન્ય સમારોહમાં 50 વ્યક્તિની મર્યાદા બાંધવામાં આવી હતી.

15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી કમુરતા ચાલશે
હવે આ વર્ષનો લગ્નગાળો ગુજરાતમાં લગભગ સમાપ્ત થયો છે. 15 તારીખથી કમુરતા બેસે છે અને તે આવતાં વર્ષની 15 જાન્યુઆરી સુધી એટલે કે લગભગ એક માસ સુધી રહેશે. આથી આ રજિસ્ટ્રેશન હાલ કમુરતામાં લગ્ન કરનારા લોકોને લાગુ પડશે. 15 જાન્યુઆરી બાદ કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂમાં આવી શકે છે તથા ત્યાં સુધીમાં લગભગ કોરોના સામેની રસી પણ આવી જાય તેવી આશા જાગી છે. આથી આવાં સુધરેલાં સંજોગોમાં જેઓને લગ્નનું આયોજન કરવાનું થાય તેમને મહેમાનોની હાજરી માટે આ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...