એક્ચ્યુઅલ નહીં, વર્ચ્યુઅલ ગરબા:કીર્તિદાનથી લઈ કિંજલ દવે સહિતનાં લોકગાયકોનો ઓનલાઇન રાસોત્સવ, વડોદરામાં 80 શિક્ષક સ્કૂલનાં 1800 બાળકને ઘરે જ ગરબા કરાવશે

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિર્તિદાનની યુટ્યુબ ચેનલ અને ખાનગી ન્યૂઝ ચેનલો પર ગરબાની મજા માણી શકાશે - Divya Bhaskar
કિર્તિદાનની યુટ્યુબ ચેનલ અને ખાનગી ન્યૂઝ ચેનલો પર ગરબાની મજા માણી શકાશે

કોરોનાની મહામારી વચ્ચે આજથી શક્તિ આરાધનાના પર્વ નવરાત્રિનો પ્રારંભ થયો છે. કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ એ માટે સરકારે આ વર્ષે ગરબા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.ત્યારે ગુજરાતના જાણીતા ગાયક કલાકારો નવરાત્રિ પર્વની ઓનલાઈન ઉજવણી કરવા થનગની રહ્યા છે.આ ગાયકો ઓનલાઈન ગરબા ગાશે અને ખેલૈયાઓ ઘરમાં ગરબા રમીને નવરાત્રિની ઉજવણી કરશે. ઘરમાં માતાજીની સ્થાપના સાથે ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ગરબા રમશે. આ વર્ષે કીર્તિદાન ગઢવીથી લઈને કિંજલ દવે સહિતનાં ગાયકો ઓનલાઈન ગરબા ગાતાં જોવા મળશે. તેઓ યુટ્યૂબ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ગરબા લાઈવ કરશે. જોકે કિંજલ દવે 8મા નોરતે લાઈવ ગરબા ગાશે. જ્યારે મ્યુઝિક ગ્રુપ ચલાવતા વડોદરાના ડો.તુષાર ભોંસલે પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલનાં 800 બાળકોને ઈન્ડિવિઝ્યુલ ઓનલાઈન ગરબા કરાવશે, જેમાં 80 જેટલા શિક્ષકો ઓનલાઈન ભણાવતા હોય એ રીતે ગરબા કરાવશે. બાળકો ઘરે તૈયાર થઈ ઈન્ડિવિઝ્યુલ ગરબા રમશે.

કીર્તિદાન ગઢવી ઓનલાઈન માતાજીના ગરબા ગાશે
રાજકોટ શહેરમાં 20 વર્ષથી નવરાત્રિનું આયોજન કરતા સહિયર ગ્રુપે આ વર્ષે એક્ચ્યુઅલ નહીં, પરંતુ વર્ચ્યુઅલ નવરાત્રિ યોજવાનું આયોજન કર્યું છે, જેમાં ખેલૈયાઓ અને લોકો ઘેરબેઠાં પોતાના માનીતા ગાયકોના ગરબા સાંભળી શકશે અને ઓરકેસ્ટ્રાના તાલે ઝૂમી ઊઠશે. સહિયર ગ્રુપના પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે કોઈ ખેલૈયા કે પ્રેક્ષકોને નિમંત્રિત કર્યા વિના એક જ સ્થળેથી રોજેરોજ મા અંબાની આરતી અને ગરબા નામાંકિત કલાકારો રજૂ કરશે અને લોકો સહિયર રાસોત્સવની યુ-ટ્યૂબ ચેનલ પર અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન કરાશે. લોકો ઘેરબેઠાં નવરાત્રિ માણી પણ શકશે અને ગરબા રમી પણ શકશે. કલાકારો તેજસ શિશાંગિયા,રાહુલ મેહતા, સાજીદ ખ્યાર,ચાર્મી રાઠોડ સૂર રેલાવશે. આ ઉપરાંત સહિયર સાથે અંગત સંબંધ ધરાવતા કીર્તિદાન ગઢવી પણ માતાજીના ગરબા ગાશે. દર વર્ષની નવરાત્રિ જેટલા જ વાદક અને રિધમ સાથે ખોડીદાસ અને કી-બોર્ડ પ્લેયર દીપક વાઢેર રંગ જમાવશે.

ઘેરબેઠાં ગરબા જોઈ શકો ને રમી શકો એના માટે હું આવી રહી છું: કિંજલ દવે
કિંજલ દવેએ ફેસબુક પર પોસ્ટ કરીને નવરાત્રિ સેલિબ્રેશન અંગે લખ્યું કે જય માતાજી, મિત્રો. આસો સુદ નવલી નવરાત્રિ નિમિત્તે દર વખતની જેમ આ વખતે આપણે રૂબરૂ નથી મળી શકવાના, જેથી તમે ઘેરબેઠાં ગરબા જોઈ શકો ને રમી શકો એના માટે હું આવી રહી છું wynkstage પર પર્ફોર્મ કરવા માટે 24 ઓક્ટોબરના રોજ માતાજીની આઠમને સાંજે 7:00 કલાકે.

પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલનાં 1800 બાળકોને ઈન્ડિવિઝ્યુલ ઓનલાઈન ગરબા કરાવીશુંઃ ડો.તુષાર ભોંસલે.
પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલનાં 1800 બાળકોને ઈન્ડિવિઝ્યુલ ઓનલાઈન ગરબા કરાવીશુંઃ ડો.તુષાર ભોંસલે.

સ્કૂલનાં 1800 બાળકો ઘરે ઈન્ડિવિઝ્યુલ તૈયાર થઈને ગરબા કરશેઃ ડૉ.તુષાર ભોંસલે
મ્યુઝિક ગ્રુપ ચલાવતા વડોદરાના ડો. તુષાર ભોંસલેએ કહ્યું, અમે 35 વર્ષથી વડોદરામાં ગરબા કરીએ છીએ. અમારું મ્યુઝિક ગ્રુપ ડો.તુષાર ભોંસલે અને ડો.કિંજલ ભોંસલે ગ્રુપ. અમે ઘરમાં જ ગરબા ગાવાના છીએ. જ્યારે સાંજે પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલનાં 1800 બાળકોને ઈન્ડિવિઝ્યુલ ઓનલાઈન ગરબા કરાવીશું. તેઓ ઘરમાં જ રમશે. આ ઝૂમ પર 40 મિનિટનું સેશન છે, જેમાં 80 જેટલા શિક્ષકો જે રીતે વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવે છે એ રીતે 1800 બાળકોને સાડાસાતથી સવાઆઠ વાગ્યા દરમિયાન ગરબા કરાવશે. બાળકો ઘરે ઈન્ડિવિઝ્યુલ તૈયાર થઈને ગરબા કરશે. અમે પણ માતાજીની આરતી અને સ્તુતિ કરીશું.

સરકારના નિયમ મુજબ અમે કોઈપણ પ્રોગ્રામમાં જવાના નથીઃ હેમંત ચૌહાણ
જાણીતા ભજનિક હેમંત ચૌહાણે જણાવ્યું હતું કે અત્યારે કોઈ ઓનલાઈન ગરબા બુક થયા નથી. સરકારના નિયમ મુજબ અમે ક્યાંય નાના-મોટા ગરબામાં જવાના પણ નથી, કારણ કે કાર્યક્રમમાં માણસો વધી જાય એટલે અમે ઘરે જ રહેવાના છીએ, અમે ક્યાંય જવાના નથી.

ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યૂબ પર સોંગ લોન્ચ કરવાના છીએઃ ભૂમિ પંચાલ.
ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યૂબ પર સોંગ લોન્ચ કરવાના છીએઃ ભૂમિ પંચાલ.

ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યૂબ પર સોંગ લોન્ચ કરીશું: ભૂમિ પંચાલ
જાણીતી સિંગર ભૂમિ પંચાલે નવરાત્રિની ઉજવણી અંગે કહ્યું, આ વખતે અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યૂબ પર સોંગ લોન્ચ કરવાનાં છીએ અને ઈન્સ્ટાગ્રામ તથા ફેસબુકમાં લાઈવ થઈને દર્શક મિત્રોને ખુશ કરવાના છીએ.

તમે પણ ઘેરબેઠાં જ માતાજીની આરાધના કરો એવી મારી વિનંતી છેઃ જિજ્ઞેશ કવિરાજ.
તમે પણ ઘેરબેઠાં જ માતાજીની આરાધના કરો એવી મારી વિનંતી છેઃ જિજ્ઞેશ કવિરાજ.

અમે ઘરે જ માતાજીની આરતી-સ્તુતિ કરીશું: જિજ્ઞેશ કવિરાજ
જ્યારે પ્રસિદ્ધ લોકગાયક જિજ્ઞેશ કવિરાજે જણાવ્યું, આ વર્ષે કોરોનાની મહામારીને કારણે નવરાત્રિ થઈ શકે તેમ નથી એટલે અમે આ વખતે ઘરે જ માતાજીની આરતી-સ્તુતિ કરવાના છીએ અને તમે પણ ઘરે બેઠા જ માતાજીની આરાધના કરો એવી મારી વિનંતી છે.

નવરાત્રિનો સમય દરેક કલાકાર માટે મહત્ત્વપૂર્ણ છે: રાજલ બારોટ.
નવરાત્રિનો સમય દરેક કલાકાર માટે મહત્ત્વપૂર્ણ છે: રાજલ બારોટ.

યુટ્યૂબના માધ્યમથી વિડિયો આલબમ્સ રજૂ કરીશું: રાજલ બારોટ
રાજલ બારોટ કહે છે, નવરાત્રિનો સમય દરેક કલાકાર માટે મહત્ત્વપૂર્ણ છે. આ વખતે નવરાત્રિ નથી થવાની પણ અમે લોકોના મનોરંજન માટે વિડિયો આલબમ્સ યુટ્યૂબના માધ્યમથી રજૂઆત કરીશું.

મારા કલાકારો અને સાજિંદાઓ સાથે મારા ઘરે પાંચ ગરબા કરીશું: ફાલ્ગુનીબેન
વડોદરાનાં ગાયિકા ફાલ્ગુનીબેન ભેસાણિયા કહે છે, આજે અકોટા ખાતે મારા કલાકારો અને સાજિંદાઓ મારા ઘરે આવશે અને પાંચ ગરબા સાથે મળીને ગાઈશું અને પ્રસાદ લઈને છૂટા પડીશું. આ વખતે નવરાત્રિને ખૂબ જ મિસ કરીશું. આમ છતાં કલાકારોનો ઉત્સાહ ટકાવી રાખવા માટે સૌ કલાકાર ભેગા થઈશું અને માતાજીની આરાધના કરીશું.

ઘરમાં જ માતાજીની આરાધના અને ઓનલાઈન ગરબા કરીશું: સનત પંડ્યા
વડોદરા શહેરના જાણીતા ગાયક સનત પંડ્યા કહે છે, છેલ્લાં 30 વર્ષથી ગરબા ગાઉં છું, પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે ગરબા પર પ્રતિબંધ હોવાથી હું પરિવારની સાથે ઘરમાં જ માતાજીની આરાધના કરીશ અને તેની સાથે સાથે અમે ઓનલાઈન ગરબાનું આયોજન કર્યું છે, જેમાં હું પણ ભાગ લેવાનો છું. આ ગરબા 9 વાગ્યે ચાલુ થશે.

આદિત્ય ગઢવી, કૈરવી બૂચ,ગમન સાંથલ,રાજલ બારોટ, ગીતા રબારી કીર્તિદાનની યુટ્યૂબ ચેનલ પર ગરબા ગવડાવશે.
આદિત્ય ગઢવી, કૈરવી બૂચ,ગમન સાંથલ,રાજલ બારોટ, ગીતા રબારી કીર્તિદાનની યુટ્યૂબ ચેનલ પર ગરબા ગવડાવશે.

કીર્તિદાનની યુટ્યૂબ ચેનલ પર ગીતા રબારીથી લઈ આદિત્ય ગઢવી અને ઓસમાણ મીર રમઝટ બોલાવશે
કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, ગીતા રબારી, નિશા બારોટ, આદિત્ય ગઢવી, કૈરવી બૂચ,ગમન સાંથલ,રાજલ બારોટ, કાજલ મહેરિયા, ઉમેશ બારોટ, નિલેશ ગઢવી, ધર્મેશ બારોટ, સાગરદાન ગઢવી, રશ્મિતાબેન રબારી, દેવ ભટ્ટ, સોહિલ બ્લોચ સહિતનાં કલાકારો કીર્તિદાનની યુટ્યૂબ ચેનલ અને ખાનગી ન્યૂઝ ચેનલો પર રમઝટ બોલાતા જોવા મળશે.