તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિનિ લોકડાઉનનું અનલોક:રાજ્યમાં 11 જૂનથી તમામ ધાર્મિક સ્થળો ખોલી શકાશે, હોટલમાં 50 ટકા કેપેસિટી સાથે સીટીંગ શરૂ થશે, બાગ-બગીચાઓ અને જીમ ખુલશે

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હોટલમાં સવારે 9થી સાંજે 7 સુધી ગ્રાહકોને બેસાડી શકાશે
  • દુકાનો સાંજના 7 વાગ્યા સુધી ખુલી રહી શકશે
  • 11 જૂનથી 26 જૂન સુધી આ નિર્ણય અમલી રહેશે
  • કોરોના SOP સાથે રેસ્ટોરન્ટ, હોટલ, જિમમાં 50% મર્યાદા સાથે જઈ શકશો
  • બેસણાંમાં 50 લોકો જઈ શકે, રાજકીય, ધાર્મિક કાર્યક્રમમાં પણ 50ની મર્યાદા
  • લારી-ગલ્લા, દુકાન, મૉલ, પાર્લર વધુ એક કલાક ખુલ્લા રહેશે, બસોમાં 60% પેસેન્જર

ગુજરાત સરકારે બુધવારે મંદિર તથા હોટલ-રેસ્ટોરન્ટ, જિમ અને બગીચા 11 જૂનથી શરતોને આધિન શરૂ કરવાની જાહેરાત કરી હતી. 11 જૂનથી 26 જૂન સુધી હોટલ-રેસ્ટોરન્ટમાં સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી કુલ ક્ષમતાના 50% ટકા ગ્રાહકો સાથે શરૂ કરી શકાશે. સાથે જ 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીના વડપણ હેઠળ મળેલી કૉર કમિટિની બેઠકમાં આ નિર્ણયો લેવાયા હતા.એસટી સહિતની બસ સેવાઓ પણ ક્ષમતાના 60 ટકા પેસેન્જરો સાથે દોડી શકશે.

રાજકીય-ધાર્મિક કાર્યક્રમો તથા બેસણામાં મહત્તમ 50 લોકો ભાગ લઈ શકશે. લારી-ગલ્લા, દુકાનો તથા ઑફિસોના સમયમાં પણ એક કલાકનો વધારો થયો છે. હવે સવારે 9થી સાંજે 7 વાગ્યા સુધી દુકાનો-ઑફિસો ખુલ્લા રાખી શકાશે. સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવાયું હતું કે દરેક જગ્યાએ માસ્ક સહિતના સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડકપણે પાલન કરવાનું રહેશે.

રાત્રિ કર્ફ્યૂના સમયમાં કોઈ ફેરફાર નહીં રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ તારીખ 11 જૂન રાત્રે 9 થી 26 જૂન 2021ના સવારે 6 વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ કરવાનો રહેશે.

દુકાનો અને લારી-ગલ્લા 7 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે
તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે 9 થી સાંજના 7 સુધી ચાલુ રાખી શકાશે. એટલે કે હાલની સમયમર્યાદામાં 1 કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.

લાઇબ્રેરી અને જીમ 50 ટકા કેપેસિટી સાથે ચાલુ રાખી શકાશે
લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતાના 50 ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે 6થી સાંજે 7 સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે. જીમ્નેશિયમ 50 ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે.

IELTS, TOEFLવગેરેની પરીક્ષાઓ યોજી શકાશે
રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS, TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે.

રાજકીય, સામાજિક કાર્યક્રમો 50 વ્યક્તિની મર્યાદામાં થઈ શકશે
રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ 50 વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે.

ધાર્મિક સ્થળો પર એક સાથે 50 વ્યક્તિ જ એકઠા થઈ શકશે
રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે. પરંતુ એક સમયે એક સાથે 50થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે એવા 36 શહેરોના નિયંત્રણો

  • રેસ્ટોરન્ટ્સ સવારના 9 કલાથી સાંજના 7 કલાક સુધી બેસવાની ક્ષમતાના 50 ટકા ક્ષમતા સાથે S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે
  • રેસ્ટોરન્ટ્સ સવારના 9 કલાકથી રાત્રિના 9 કલાક સુધી ટેક અવેની સુવિધા ચાલુ રાખી શકાશે
  • રેસ્ટોરન્ટ્સ સવારના 9 કલાકથી રાત્રિના 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે
  • જાહેર બાગ-બગીચાઓ સવારના 6થી સાંજના 7 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લા રાખી શકાશે.
  • આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 વ્યક્તિઓની મંજૂરી રહેશે.
  • અંતિમક્રિયા અને દફનવિધિ માટે 20 વ્યક્તિની મંજૂરી રહેશે.
  • અઠવાડીક ગુજરી બજાર, હાટ,શૈક્ષણિક સંસ્થાઓ, સિનેમા ઘરો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, સ્પા, સ્વિમિંગ પૂલ, કોચિંગસેન્ટરો બંધ રહેશે.
  • પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના સ્પોર્ટ્સ સંકુલ, સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં રમત-ગમત ચાલુ રાખી શકાશે.

હવે આગળ શું?
જૂનના અંતે એટલે 26મીએ કોરોનાની સમીક્ષા કર્યા પછી વધુ છૂટછાટના નિર્ણય લેવાશે. નાઈટ કર્ફ્યૂ 9ના બદલે રાત્રે 11થી સવારે 6 સુધી થઈ શકે છે, કડક નિયંત્રણો સાથે સ્વિમિંગ પૂલ ચાલુ થઈ શકે છે પણ સિનેમાગૃહો, મલ્ટિપ્લેક્સ માટે હજુ રાહ જોવી પડશે...