છેલ્લા દોઢ વર્ષમાં વિશ્વભરમાં કોરોના મહામારી ચાલી રહી છે, જેણે ગુજરાતમાં પણ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 8,25,085 કોરોનાના દર્દીમાંથી 10,077એ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે એનાથી પણ ગંભીર કેન્સરની બીમારી છેલ્લાં ઘણાં વર્ષોથી રાજ્યમાં ફેલાઈ રહી છે. કેન્સરને કારણે માત્ર 3 વર્ષમાં જ રાજ્યના 1,11,933 દર્દીના જીવ ગયા છે, એટલે કે ગુજરાતમાં કેન્સરને કારણે દર રોજ 102, દર કલાકે 4 અને દર 15 મિનિટે 1 દર્દીનું મોત થાય છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના તાજેતરના રિપોર્ટ અનુસાર પણ છેલ્લાં 3 વર્ષમાં 2.57 લાખ કેન્સરના દર્દી નોંધાયા હતા, જેમાંથી 54 ટકા લોકોનાં મૃત્યુ થયાં છે.
માત્ર છ મહિનામાં જ 71 હજારથી વધુ કેન્સરના દર્દી
ગુજરાતમાં કેન્સરની સ્થિતિ ધીરે-ધીરે ખરાબ થતી જાય છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, વર્ષ 2018થી 2020 સુધીમાં ગુજરાતમાં કેન્સરના કુલ 2,03,570 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 1,11,933નાં મોત થયાં છે, એટલે કે ત્રણ વર્ષમાં નોંધાયેલા કુલ કેસમાંથી 54.98 ટકા કેન્સર પીડિત દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો માત્ર ચાલુ વર્ષની જ વાત કરીએ તો 2021ના 6 મહિનામાં જ 71 હજારથી વધુ કેન્સરના દર્દીઓ નોંધાયા છે.
ગુજરાતમાં કેન્સર વધવાનાં કારણો
ગુજરાતમાં દારૂબંધી તેમજ તમાકુ જેવાં વ્યસનો પર કડક કાયદા બનાવવામાં આવ્યા છે. એમ છતાં ગુજરાતમાં મોટી માત્રામાં દારૂ તેમજ તમાકુ સેવન કરવામાં આવે છે, સાથે જ ગુજરાતમાં સતત બદલાતા વાતાવરણને કારણે પણ મોઢાના કેન્સરના દર્દીઓ પણ વધી રહ્યા છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં વર્ષ દરમિયાન આવતા કેન્સરગ્રસ્ત પુરુષ દર્દીઓમાંથી 21.81% દર્દીને મોઢાનું, 10.98%ને જીભના ભાગનું, 9.74%ને ફેફસાંનું, 4.27%ને અન્નનળીનું અને 3.98% દર્દીઓમાં લ્યુકેમિયાનું કેન્સર જોવા મળે છે, જ્યારે મહિલા દર્દીઓમાં 29.41 ટકા સ્તનનું કેન્સર, 14.23% ગર્ભાશયનું કેન્સર, 7.72% મોઢાનું અને 5.13 ટકા દર્દીઓમાં જીભના ભાગનું કેન્સર જોવા મળે છે.
પુરુષોમાં મોઢા તો મહિલાઓમાં સ્તનમાં કેન્સર સૌથી વધુ
ગુજરાતમાં કોરોના મહામારીની શરૂઆતથી જ રાજ્યમાં કેન્સરના કેસ ઝડપથી ડિટેક્ટ થઈ રહ્યા છે. છેલ્લાં ત્રણ વર્ષમાં કેન્સર કેસમાં વધારાની વાત કરીએ તો, 2019માં 1772, 2020માં 1819 અને 2021ના 6 મહિનામાં જ 1847 કેન્સરના દર્દીઓ વધ્યા છે. દેશભરમાં કેન્સરના દર્દીઓની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાત 10મા ક્રમે આવે છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ અંતર્ગત વસતિ આધારિત રજિસ્ટ્રીના ડેટા સૂચવે છે કે પુરુષોમાં સૌથી વધુ મોઢા, ફેફસાં, અન્નનળી તેમજ પેટનાં કેન્સર જોવા મળ્યાં છે, જ્યારે સ્ત્રીઓમાં ગર્ભાશય, સ્તન તેમજ મોઢાનાં કેન્સર વધારે સામે આવ્યા છે.
મોઢા અને સ્તન કેન્સરથી કેવી રીતે બચી શકાય?
વર્ષ 2019માં 6871 અને વર્ષ 2018માં 7238 દર્દીએ રેડિયેશન થેરપી અને વર્ષ 2019માં 49611, વર્ષ 2018માં 50,136 દર્દીએ કીમો થેરપીની સારવાર મેળવી હતી. શરીરનાં મોઢા અને ગળાના ભાગમાં થયેલાં કેન્સરને અટકાવવા માટે ખાસ કરીને કોઈપણ પ્રકારનું વ્યસન ટાળવું જોઈએ, મોઢાને હંમેશાં ચોખું રાખવા માટે દિવસમાં બેવાર બ્રશ કરવો જોઈએ. તૂટેલા દાંત કે બરાબર બંધ ન બેસતા દાંતના ચોકઠાની દાંતના ડોક્ટર પાસે તાત્કાલિક સારવાર કરાવવી જોઇએ. બને ત્યાં સુધી દર મહિને અરીસા સામે ઊભા રહી મોઢાની તપાસ કરવી જોઇએ. સ્તનના કેન્સરને અટકાવવા માટે વર્ષમાં એકવાર નિષ્ણાત તબીબ દ્વારા સ્તનની તપાસ કરાવવી જોઇએ. 35 વર્ષ પછીની ઉંમરે દરેક વ્યક્તિએ ડોક્ટરની સલાહ પ્રમાણે મેમોગ્રાફી કરાવવી જોઇએ.
આવાં હોય છે કેન્સરનાં લક્ષણો
* લાંબા સમયથી ન રુઝાતું ચાંદું
* સ્તનમાં ગાંઠ/સ્તનની ડીંટડીમાંથી લોહી પડવું.
* યોનિમાંથી દુર્ગંધવાળું પ્રવાહી પડવું.
* લાંબો સમય અવાજ બેસી જવો.
* ખોરાક-પાણી ગળવામાં પડતી તકલીફ.
* લાંબા સમયની ખાંસીના પ્રકારમાં ફેરફાર.
* શરીરમાં કોઈપણ ભાગમાં ગાંઠ હોવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.