ચૂંટણી પહેલા રાજકીય ઘમાસાણ:રાજકીય પાર્ટીઓ વચ્ચે પ્રચાર-પ્રસારથી લઈને આક્ષેપ-પ્રતિઆક્ષેપ, જાણો ગુજરાતમાં હાલ ક્યાં કેવી સ્થિતિ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ દિવસેને દિવસે રાજકીય માહોલ જામ્યો છે. એવામાં રાજકીય પાર્ટીઓ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર પણ તેજ થઈ ગયો છે. આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાખિયો જંગ જોવા મળશે. કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. તો આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સૌરાષ્ટ્રમાં રોડ શો કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. બીજી તરફ ભારતીય ટ્રાયબલ પાર્ટીએ JDU સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. તો ગુજરાતમાં સંગીતની દુનિયામાં લોકચાહના ધરાવતા એવા કલાકાર જિજ્ઞેશ કવિરાજે પણ રાજકારણમાં ઝંપલાવવાનું મન બનાવી લીધું છે.

CR અને CM દિલ્હી પહોંચ્યા, પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ યાદી
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ભાજપની યાદીની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દિલ્હી પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના ઉમેદવારોના નામ નક્કી કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડની બે દિવસ બેઠક ચાલશે. બે દિવસ બાદ પ્રથમ તબક્કાના ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. જ્યારે તેના પછીના દિવસે બીજા તબક્કાના ઉમેદવારોની યાદી બહાર પડી શકે છે.

'ભરોસાની ભેંસ પાડો જણે છે, ગુજરાતને ભાજપે નથી બનાવ્યું': શક્તિસિંહ
રાજકોટ આજે રાજ્યસભાનાં સાંસદ શક્તિસિંહ ગોહિલે આજે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે,'ભરોસાની ભેંસ પાડો જણે છે, ગુજરાતને ભાજપે નથી બનાવ્યું. અત્યાર સુધી ભાજપ અને તેમની વાતો ઉપર લોકોએ ખૂબ ભરોસો કર્યો છે. પરંતુ અમિત શાહે પણ કહ્યું કે, ચૂંટણી વખતે કહેવાતી વાતો ઝૂમલા કહેવાય, જેને લઈને લોકોમાં રોષ છે. લોકોએ મુકેલા ભરોસાને ભાજપે તોડ્યો હોવાથી કોંગ્રેસની સરકાર બનશે.

રાજસ્થાનના CM અશોક ગેહલોતના ભાજપ-આપ પર આકરા પ્રહારો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં આણંદના આંકલાવ ખાતે રેલીને સંબોધિત કરવા વડોદરા એરપોર્ટ ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આજે આવી પહોંચ્યા હતા. મીડિયા સાથેની વાતમાં તેમણે EWS અનામત પર સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું હતું. તેમજ કહ્યું હતું કે, ગુજરાતના લોકોએ ગુજરાતનો વિકાસ કર્યો છે. કોરોના, લઠ્ઠાકાંડ અને મોરબી દુર્ઘટનાએ ભાજપની પોલ ખોલી છે.

આપ સામે દિલ્હીમાં આક્રોશ
આંકલાવ ખાતે રેલીને સંબોધન માટે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચેલા કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની રેલીઓ ઘણી સારી રહી. આમ આદમી પાર્ટીએ જે રીતે જુઠ્ઠાણાંનો સહારો લઇ પ્રચાર કર્યો તેમની હવે હવા નીકળી રહી છે. દિલ્હીમાં પ્રદૂષણને લઇને સ્થિતિ ગંભીર છે અને સરકાર સામે લોકોમાં આક્રોશ છે.

મોરબી, કોરોના અને લઠ્ઠાકાંડે પોલ ખોલી
ગુજરાતમાં મોદી અને અમિત શાહ દ્વારા જે શાસન ચાલ્યું તેની મોરબીની ઘટનાએ પોલ ખોલી નાખી છે. મને દુઃખ છે કે, મોરબીની ઘટના ઘટ્યા છતાં કોઈ તપાસ નથી થઇ. હવે હાઇકોર્ટમાં આ અંગે સુઓમોટો દાખલ થઇ છે. મારી કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી છે કે હજુ સમય છે કે, હાઇકોર્ટના જજ કે નિવૃત્ત જજના વડપણ હેઠળ કમિટી બનાવી તપાસ કરવી જોઇએ અને લોકોને ન્યાય મળવો જોઇએ. તેમણે કહ્યું કે, ગુજરાતને ગુજરાતીઓએ સદીઓથી બનાવ્યું છે. ભાજપનાં છેલ્લાં 27 વર્ષના શાસનની પોલ મોરબી દુર્ઘટના, કોરોનાકાળ અને લઠ્ઠાકાંડે ખોલી નાખી છે.

રાજકોટના જેતપુર અને સરધારમાં કેજરીવાલનો રોડ-શો યોજાયો
રાજકોટની ભાગોળે આવેલા સરધાર મેઈન રોડ પર અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાયો હતો. ગુરૂકૃપા શોપિંગ સેન્ટર ખાતે તેઓએ સંબોધન કર્યું હતું. બપોરે 3 વાગ્યે ધ્રોલની ત્રિકોણ ચોકડી, મહારાણા પ્રતાપ ચોકમાં પણ તેમનો રોડ શો અને સંબોધનનો કાર્યક્રમ યોજાયો હતો. સાંજે 5.30 વાગ્યે જેતપુર એસટી બસ સ્ટેન્ડ પાસે પણ રોડ શો અને લોકોને સંબોધનના કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચૂંટણીઓ જાહેર થયા બાદ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં રીતસર કેમ્પ કર્યો છે. બે દિવસથી રાજકોટમાં મુકામ વચ્ચે આજે ત્રીજા દિવસે રાજકોટની ભાગોળે સરધાર, જિલ્લાના જેતપુર અને જામનગર જિલ્લાના ધ્રોલમાં રોડ શો યોજ્યો હતો.

સરકારી ભરતી નથી થતી એટલે અનામતનો આજે કોઈ અર્થ નથી: જગદીશ ઠાકોર
સુપ્રીમ કોર્ટના EWS અનામત પર ચૂકાદો બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા ચુકાદાનું સ્વાગત કરાયું છે. આ સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, સરકારી સિસ્ટમમાં ભરતી થાય તો સાચા અર્થમાં અનામતનો લાભ કહેવાય. અત્યારે સરકાર એરપોર્ટ વેચી રહી છે. રેલવે વેચી માર્યુ અને બેંકો ખાનગી કરી નાખી છે. કોંગ્રેસના બનાવેલા તમામ સાહસો અને નવરત્ન કંપનીઓ સરકારે વેચી નાખી છે. ઉપરાંત સરકારી નોકરીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી નાંખી છે. અત્યારે સરકારી ભરતીઓ નથી એટલે અનામતનો કોઈ અર્થ પણ રહેતો નથી.

જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશું: છોટુ વસાવા
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તમામ રાજકીય પાર્ટીઓ પ્રચાર-પ્રસાર કરી રહી છે. તો બીજી તરફ ચૂંટણી જીતવા માટે રાજકીય પાર્ટીઓ મતદારોને પણ રીઝવવાનો પ્રયાસ કરી રહી છે. એવામાં ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)એ નીતિશ કુમારની પાર્ટી JDU સાથે ગઠબંધનની જાહેરાત કરી છે. આ મામલે BTPના સુપ્રીમો છોટુ વસાવાએ જણાવ્યું કે, જનતા દળ અમારા જૂના સાથી છે અને જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશું. આજે જેડીયું સાથે બેઠક છે. બંને સાથે મળીને આગામી નવી યાદી જાહેર કરીશું.

હું આજીવન કોંગ્રેસની સેવા જ કરીશ: ઈન્દ્રનીલ રાજ્યગુરુ
આમ આદમી પાર્ટી છોડી કોંગ્રેસમાં ઘરવાપસી કરનાર ઈન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતું કે, મને ધારાસભ્ય બનવાનો કોઈ મોહ નથી. હું માત્ર સરકાર બદલવા માટે રાજકારણમાં સક્રિય રહ્યો છું. હું આજીવન કોંગ્રેસની સેવા કરતો રહીશ. અને મને પક્ષ જે કામ સોંપશે એ કાર્ય કરીશ. મારે ચૂંટણી લડવી નથી છતાં હાઈ કમાન્ડ કહેશે તો લડવાની અને જીતવાની મારી પૂરતી તૈયારી છે. ભાજપ ખોટાબોલી છે એ તો પુરવાર થઇ ચૂક્યું છે. પણ કેજરીવાલ સવાયા મોદી છે એ વાત લોકો જાણતા નથી. ત્યારે હવે હું કેજરીવાલને રોકવાની કોશિશ કરીશ. કાયમ કોંગ્રેસનો સૈનિક રહીને લોકોને ભાજપ અને આમ આદમી પાર્ટીની જાળમાંથી બહાર લાવવાનો દાવો પણ તેમણે કર્યો છે.

આપ અને બીજેપીની ડીલ: ઓવૈસી
AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ અસસુદીન ઓવૈસીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, સુરતમાં અમારી પાર્ટીના ઉમેદવારો જાહેર કર્યા છે. એટલે તેને જીતાડવાની અમે કોશિશ કરીશું. અમારા ઉમેદવારોને સફળતા મળે તેના પ્રયાસો કરીશું. આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે. છતાં આ પાર્ટી હોવાથી અમને કોઈ ફરક પડતો નથી, કારણ કે, આપ અને બીજેપીની ડીલ થઈ ચૂકી છે. આપ અને બીજેપીની ડીલ છે કે, લોકસભા તમારી વિધાનસભા અમારી.

ભાજપના કેમ્પિયન પર ઉઠાવ્યા સવાલ
AIMIMના રાષ્ટ્રીય પ્રમુખ ઓવૈસીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ દ્વારા શરૂ કરાયેલું ગુજરાત બનશેના કેમ્પિયન બાબતે જવાબ આપતા જણાવ્યું હતું કે, ગુજરાત પહેલા પણ બનેલું જ હતું અને ભાજપ નહીં હશે તો પણ આગળ વધતું જ રહેશે. ખરેખર ભાજપે મોરબી દુર્ઘટના પર જવાબ આપવાની જરૂર છે. મોરબી બ્રિજ પણ તેમણે જ બનાવ્યો છે. તેની સરકાર જવાબદારી લે અને તેની સામે યોગ્ય જવાબ આપે. ગુજરાતમાં આજે વિકાસના નામે ખોટી રાજનીતિ, બેરોજગારી, મિસ ગવર્નન્સ,મોંઘવારી,સહિત અનેક મુદ્દાઓ છે.તેનેથી પ્રજાત્રસ્ત છે અને સરકાર સામે સવાલો ઊભા રાખી બેઠી છે.

ઝાલોદમાં કોંગ્રેસના 200થી વધુ કાર્યકર્તાઓનું રાજીનામું
દાહોદની ઝાલોદ વિધાનસભામાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ન બદલાતા 200થી વધુ કાર્યકર્તાઓએ રાજીનામું આપ્યું છે. તેમજ કોંગ્રેસ દ્વારા મિતેષ ગરાસિયાને ઉમેદવાર તરીકે જાહેર કરાતા સ્થાનિક કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે.રૂપિયા લઇને ટિકિટ આપી હોવાનો કોંગ્રેસના કાર્યકર્તાઓનો નિરીક્ષકો સામે આક્ષેપ કર્યો છે. તેમજ ગઇકાલે જીલ્લા કોંગ્રેસ પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી ચીમકી આપી હતી.છેલ્લા 2 ટર્મથી ઝાલોદ વિધાનસભા કોંગ્રેસના કબ્જામાં છે.

અન્ય સમાચારો પણ છે...