ભારતમાં રહેતા મોટા ભાગના યુવાનોનું બાળપણથી એક સપનું હોય છે કે તે ક્રિકેટર બને. ભારતમાં ક્રિકેટર બનવું એટલે સેલિબ્રિટી સ્ટેટસની સાથે સાથે તગડી કમાણીની ગેરન્ટી જ માની લો. હાલ દેશના જાણીતા ક્રિકેટર્સ નામ અને દામ બંને મેળવી રહ્યાં છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા પહેલાં બાળપણમાં ગલી ક્રિકેટથી જ ક્રિકેટ જગતમાં એન્ટ્રી થાય છે. આ ગલી ક્રિકેટ રમતાં રમતાં મોટા ભાગના લોકો માટે એક સમયે એવો આવે છે જ્યારે આ કરિયર નહીં પણ માત્ર શોખ બનીને રહી જાય છે. જવાબદારી અને કામના ભરણ કારણે શોખ દબાઈ જાય છે, પછી કોઈને સચિન તેંડુલકર કે કપિલદેવ યાદ આવતા નથી. પરંતુ દર મહિને પોતાના પરિવારની જવાબદારી યાદ આવે છે. પરંતુ હાલ એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે જેમાં નાનપણના મિત્રો કે પછી પોતાના સર્કલના મિત્રો પ્રોફેશનલ મિત્રો ભેગા થઈને પોતાની દિનચર્યા પૂરી કર્યા બાદ એક જગ્યાએ ભેગા થાય છે અને ફરી મોજમજા માણે છે અને એ જ ગલી ક્રિકેટમાં પહેલાં જેવી જ મસ્તી કરે છે. પરંતુ હવે ગલી ક્રિકેટની જગ્યા બોક્સ ક્રિકેટે લઈ લીધી છે. બોક્સ ક્રિકેટ હાલ અમદાવાદ શહેરનો સૌથી મોટો ટ્રેન્ડ છે જે ધીમે ધીમે અલગ અલગ શહેરોમાં આગળ વધી રહ્યો છે.
શું ઇન્ટરનેશનલ ક્રિકેટ જેવા નિયમો હોય છે?
તમે અમદાવાદ શહેરના એસપી રિંગ રોડ પર અથવા કોઈ રિમોટ વિસ્તારમાં લાઈટોની ચકાચોંધ જુઓ તો કોઈ મેળો કે કોઈ લગ્નપ્રસંગ નથી હોતો. પરંતુ એક બોક્સની અંદર ચારે બાજુથી નેટથી કવર એક જગ્યા પર ભેગા થઈને લોકો ક્રિકેટ રમે છે. જે હાલના સમયમાં રૂપિયાવાળાના શોખનું સ્થળ બન્યું છે. પહેલાં આ વિસ્તારમાં ક્રિકેટ રમવા આવવું એક સપનું હતું એટલે કે કોણ મોડી રાતે અવાવરું જગ્યાએ જઈને ક્રિકેટ રમે પરંતુ હવે આ એક સ્ટેટસ સિમ્બોલ સમાન બને છે. મોટા ઘરના લોકો જે પોતાના નાનપણના શોખને ફરી રિફ્રેશ કરવા માટે ભેગા થાય છે જ્યાં ઇન્ટરનેશનલ ક્રિકેટ જેવા કોઈ નિયમો હોતા નથી. બસ પહેલાંની જેમ મિત્રો સાથે મળે અને હાથમાં બોલ-બેટ હોય એટલે ગેમ શરૂ થઈ જાય છે. આ ગેમ સામાન્ય લોકોને પોસાય તેવી નથી હોતી કારણ કે બોક્સ ક્રિકેટમાં રમવા માટે કલાકના 1500 થી 2000 રૂપિયા ચૂકવવા પડે છે જે મિત્રો માટે કદાચ નજીવી કિંમત છે. પરંતુ ખરેખર આ રૂપિયાવાળાની ગેમ છે. હાલ અમદાવાદમાં 30 જેટલા બોક્સ ક્રિકેટ શરૂ થયા છે.
અમદાવાદ શહેરમાં કયા વિસ્તારમાં સૌથી વધુ ક્રિકેટ બોક્સ?
અમદાવાદના એસપી રિંગ રોડથી વૈષ્ણોદેવી તરફ અને સનાથલ સર્કલ સુધી સંખ્યાબંધ બોક્સ ક્રિકેટ આવેલા છે. બોક્સ ક્રિકેટમાં રમવા માટે પહેલા સ્લોટ બુક કરાવવો પડે છે એટલે કે મિત્રો જ્યારે ભેગા થવાના હોય તે સમય નક્કી કરે છે, ત્યારબાદ એક સ્લોટ નક્કી કરવામાં આવે છે જે માટે એડવાન્સ બુકિંગ કરાવવાનું હોય છે. સવારે એડવાન્સ બુકિંગ કરાવો ત્યારે તમારો સમય તમને મળે એટલે તમારે તેના રૂપિયા ચૂકવવાના હોય છે અને એ સ્લોટ એટલે કે એક કલાક કે એનાથી વધુ કલાક તમારા બોક્સ ક્રિકેટમાં બુક થઈ જાય છે.
કેટલા ખેલાડીની હોય છે જરૂર?
બોક્સ ક્રિકેટમાં રમવા માટે 11-11 ખેલાડીઓની જરૂર હોતી નથી, જરૂર હોય છે તો બસ માત્ર ઈચ્છા અને ગરમ ખિસ્સાની. કારણ કે આ શોખ પૂરો કરવા માટે રૂપિયા પણ એટલા જ જરૂરી છે અને ભેગા થઈને તે સમયે જવું પણ જરૂરી છે એટલે જેટલા લોકો ભેગા થાય તે ટીમ ડિવાઇડ કરીને બોક્સની અંદર ક્રિકેટ રમવા માટે જાય છે, બોક્સની અંદર ચારે બાજુ આર્ટિફિશિયલ ગ્રાસ પાથરી દેવામાં આવેલું હોય છે. સ્ટમ્પ બોલ અને બેટ જેવી સુવિધા પણ બોક્સ ક્રિકેટની અંદર સ્લોટ બુક કરાવવાની સાથે જ મળી જાય છે. પરંતુ ટીમ પોતાની અનુકૂળતા પ્રમાણે પોતાના જ બેટ અને પોતાને સૂટેબલ થાય તે સાઈઝના વજનના ટેનિસ બોલ લઈને રમવા માટે જાય છે.
નેટની હાઇટ પણ હોય છે ઊંચી
અંધારામાં એટલે કે આખી રાત આ બોક્સ ક્રિકેટમાં ક્રિકેટ રમાય છે. જેમાં ખેલાડીઓ બોક્સની અંદર જાય એટલે ક્રિકેટ રમવાનું શરૂ કરે છે, ત્યાં વ્હાઇટ લાઈટથી સજ્જ બોક્સ હોય છે જેમાં એકદમ સ્પષ્ટ જોઈ શકાય તેવી લાઈટની વ્યવસ્થા હોય છે, તેની સાથે આસપાસમાં નેટ બાંધેલી હોય છે જ્યારે હવે ઘણા બોક્સ ક્રિકેટની અંદર હાઈટ ઊંચી કરવામાં આવી છે એટલે જે વ્યક્તિ ક્રિકેટ રમવા આવે તે જે રમત રમે છે તેમાં બોલ ઊંચે સુધી જાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે.
એક કલાકમાં ગેમ ના પતે તો શું થાય?
એક કલાકમાં ગેમ પતે નહીં તો રમનારા એક કલાક એક્સટેન્ડ કરાવે છે. જેમાં ફરીથી કલાકના કેટલા રૂપિયા ચૂકવવાના હોય છે એટલે કે જો ગેમ રમનાર ગેમ અધૂરી રહી જાય તો ગેમ પૂરી ના થાય તે માટે એક મિનિટથી પણ વધારે સમય થાય તો એક કલાકથી વધુની રકમ ચૂકવવી પડે છે અને અહીં ક્રિકેટ રમવા આવનાર તમામ લોકો રમતના રોમાંચના કારણે રૂપિયા ખર્ચતા અચકાતા નથી, કારણ કે મેચ રમનાર હવે સામાન્ય ગલીના ક્રિકેટરો નથી પણ પોતાના પ્રોફેશનમાં સારી જગ્યાએ બેઠેલા લોકો પોતાના બાકી રહેલા શોખને પૂરો કરવા માટે આવે છે અને તે આ પોતાના શોખ માટે રૂપિયા ખર્ચતા એક ક્ષણ માટે પણ અચકાતા નથી.
આસપાસ ખાણીપીણીની પણ વ્યવસ્થા
ચાલુ મેચ દરમિયાન આસપાસ કેટલાક સ્ટોલ હોય છે. જેમાં પાણીની બોટલથી લઈને કોફી નાસ્તો અને અલગ વ્યવસ્થા પણ હોય છે જેથી પોતાની મેચ પૂરી થયા બાદ લોકો ત્યાંથી ખાણીપીણીની પણ મજા માણે છે એટલે એક જ જગ્યાએ રમવાનું અને જમવાનું બંને જ વ્યવસ્થા હોય છે જે લોકોને ખૂબ જ એ જગ્યાએ ખેંચી જાય છે. બીજી તરફ કેટલાક લોકો મોડી રાત સુધી બે ત્રણ ગેમ પણ રમતા હોય છે, જેથી સ્વાભાવિક ભૂખ લાગે છે અને આ ખાણીપીણીના સ્ટોલ પર તેઓ ખાણીપીણીની મજા માણતા હોય છે.
લેટ નાઇટ સ્લોટ પણ થાય છે બુક
બોક્સ ક્રિકેટમાં આખી રાત ક્રિકેટ રમાય છે જેના કારણે જે લોકો અહીં લેટ નાઈટના સ્લોટ બુક કરાવે છે તેઓને અહીં પોતાની સુરક્ષા માટે પણ ચિંતા થાય છે. પરંતુ આવા બોક્સ ક્રિકેટમાં આખી રાત સિક્યુરિટી ગાર્ડ હોય છે અને અહીં કોઈ બબાલ થતી નથી અને થાય તો બધા મિત્રો જ હોય છે એટલે સ્વાભાવિક અત્યાર સુધી અમદાવાદની આસપાસ કોઈપણ બોક્સ ક્રિકેટમાં વિવાદ થયો હોય તેવું સામે આવ્યું નથી. અહીં ઘણા પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈને ડોક્ટર પણ ક્રિકેટ રમવા આવતા હોય છે.
'ઘણી વખત બે કલાક સુધી ક્રિકેટ રમતા હોઈએ છીએ'
પોતાના મિત્રો સાથે બોક્સ ક્રિકેટ રમવા જતા વિશાંકભાઈ જણાવે છે કે અમે નાનપણમાં જે રીતે ક્રિકેટ રમતા હતા તે હવેના સમયમાં સમય ના હોવાના કારણે ક્રિકેટ રમી શકતા નથી. પરંતુ હવે અમે બધા મિત્રોએ નક્કી કરીને રાતે 10:00 વાગ્યા પછી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે. મારા જૂના મિત્રો, અમારા સર્કલના મિત્રો અને અમારા વિસ્તારના મિત્રો ભેગા થઈને સિંધુભવન રોડ પર આવેલા બોક્સ ક્રિકેટમાં ક્રિકેટ રમવા માટે જઈએ છીએ. બધા નોકરી અને વેપારની જગ્યાએથી સાંજે ઘરે આવે જમી અને ફ્રી થાય ત્યારબાદ 10 વાગે એક જગ્યાએ ભેગા થઈએ છીએ અને 10:30 પછીનો સ્લોટ મળે તેવો પ્રયાસ કરીએ છીએ કારણ કે બધા એ સમયે પહોંચી જાય. અમે ઘણી વખત બે કલાક સુધી ક્રિકેટ રમતા હોઈએ છીએ અને આ એક અલગ મજા છે અમે ફરી અમારા નાનપણની યાદો તાજી કરીએ છીએ. અમે પહેલાંની જેમ જ ઘરેથી બેટ લઈને જઈએ છીએ અને આ એક અલગ જ અનુભવ છે.
બોક્સ ક્રિકેટ એટલે શું
5000 ચોરસ ફૂટમાં ફરતી નેટ બાંધવામાં આવે છે અને તેની વચ્ચેની જમીન પર ઘાસ ઉગાડવામાં આવે છે. બોક્સ ક્રિકેટના મેદાનમાં લાઇટિંગ પણ ખૂબ જ રાખવામાં આવે છે, જેના લીધે રાત્રિ મેચ રમવાની ખૂબ જ મજા આવે છે. જેથી આંતરરાષ્ટ્રીય મેદાનમાં ક્રિકેટ રમતા હોય તેવી ફીલિંગ્સ આવે છે. બોક્સ ક્રિકેટનો સૌથી મહત્ત્વનો ફાયદો એ છે કે તેના મેદાનમાં ફરતી નેટ લગાવવામાં આવી હોવાથી ખેલાડીઓને રનિંગ પણ ઓછું કરવું પડતું હોય છે. જેથી બોક્સ ક્રિકેટ હાલમાં ખૂબ જ પ્રખ્યાત થઈ ગઇ છે. કોઈપણ શહેર હોય ત્યાં બોક્સ ક્રિકેટના ઓછામાં ઓછા 15 થી 20 ગ્રાઉન્ડ હોય છે, જેનો પ્રતિ કલાક લેખે ચાર્જ પણ વસૂલવામાં આવતો હોય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.