શૈક્ષણિક વર્ષ 2023-24થી ધો.1માં પ્રવેશ માટે ઉંમરની લાયકાત 6 વર્ષ નક્કી કરાઇ હોવાનો પરિપત્ર શિક્ષણ વિભાગે રાજ્યના તમામ ડીઇઓને કર્યો છે. જે વાલીઓ અત્યારે પોતાના બાળકોના એડમિશન નર્સરીમાં લઇ રહ્યાં છે, તેઓએ ધો.1માં પ્રવેશ સમયે પોતાના બાળકની ઉંમર 6 વર્ષની પૂરી થાય છે તેની ચોક્સાઇ કરી લેવા અંગે પણ શિક્ષણ વિભાગે સૂચના આપી છે. આ મુદ્દે વધુમાં વધુ વાલી જાગૃત થાય તેની જવાબદારી દરેક જિલ્લા શિક્ષણાધિકારીને આપી છે.
બાળકોને કઇ ઉંમરે નર્સરીમાં એડમિશન આપવું તેને લઇને સ્કૂલ સંચાલકોમાં અસમંજસતા હતી. સ્કૂલ સંચાલકોના ગ્રુપમાં એડમિશન આપવાની ઉંમરને લઇને ચર્ચા જોવા મળી હતી. સંચાલકોએ માગ કરી હતી કે, શિક્ષણ વિભાગ આ અંગે ખુલાસો કરે. જેથી શિક્ષણ વિભાગે લોકડાઉન કરેલા પરિપત્રને ફરી દરેક ડીઇઓને મોકલ્યો છે, સાથે જ સૂચના આપી છે કે, તમામ સ્કૂલોની સાથે વાલીઓ પણ આ નિયમ પ્રત્યે જાગૃત થાય તેવી પ્રવૃત્તિ કરવી. જેથી હાલ ચાલી રહેલા નર્સરીના એડમિશનમાં કોઇ વાલીને ત્રણ વર્ષ બાદ મુશ્કેલી ઉભી ન થાય.
ખાનગી સ્કૂલોના સંચાલકોએ અગાઉ પણ ધોરણ-1મા એડમિશનની વયમર્યાદા અંગે શિક્ષણ વિભાગ સમક્ષ પ્રશ્ન ઉઠાવ્યો હતો.
2022-23 સુધી જૂના નિયમ પ્રમાણે પ્રવેશ
પરિપત્ર પ્રમાણે, 2020-21, 2021-22 અને 2022-23 દરમિયાન જૂના નિયમ પ્રમાણે, એટલે કે 1 જૂને 5 વર્ષ પૂરાં કર્યા હશે તો પણ ધો.1માં પ્રવેશ અપાશે. નવો નિયમ શૈક્ષણિક વર્ષ 2023-24થી લાગુ થશે. જેથી હાલમાં 5 વર્ષ પૂરા થયેલા બાળકો પણ એડમિશન મેળવી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.