ઓમકારસિંહ ઠાકુર
પ્રમુખસ્વામી નગરનો લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગ સ્વયંસેવકોની શિસ્ત, સમર્પણ અને સેવા ભાવનાની અજોડ મિશાલ છે. મેનેજમેન્ટ સંસ્થાઓ માટે પણ આ વિભાગ એક સ્ટડી કેસ બની જાય છે. તાજેતરમાં નગરમાં ફરવા આવેલી 6 વર્ષની બાળકી ખુશી ચૌહાણ વાલીથી અલગ પડી ગઈ હતી. ગભરાઈ ગયેલી બાળકીની ઘણી પૂછપરછ કરી પણ તે તેના નામથી આગળ કશું બોલી શકી ન હતી. ભરપૂર પ્રયાસો પછી બાળકી પાસેથી એટલું જ જાણવા મળ્યું કે, ‘તેના પિતા મરીડા બસ સ્ટેશન પાસે ટૂથપેસ્ટ અને બ્રશ વેચે છે.’
લોસ્ટ એન્ડ ફાઉન્ડ વિભાગના સ્વયંસેવકોએ ગૂગલ પર સર્ચ કરતાં જાણવા મળ્યું હતું કે, મરીડા ગામ ખેડા જિલ્લામાં આવેલું છે અને બસ સ્ટેન્ડ પાસે જનરલ સ્ટોર છે. વિભાગે સ્ટોરના માલિકનો સંપર્ક કર્યો તો તેમણે ટૂથપેસ્ટ અને બ્રશ વેચનારી વ્યક્તિ વિપુલભાઈ હોવાની માહિતી આપી હતી. વિભાગ પાસે કે સ્ટોરના માલિક પાસે વિપુલભાઈનો કોન્ટેક્ટ નંબર ન હતો. બાળકીને તેની સ્કૂલનું નામ પણ ખબર ન હતી. તેણે માત્ર એટલું કહ્યું હતું કે, ‘મારી સ્કૂલમાં રોજ બપોરે ભોજન અપાય છે.’ આના પરથી અંદાજ મૂકવામાં આવ્યો કે મરીડા બસ સ્ટેન્ડ પાસેની કોઈ સરકારી સ્કૂલમાં આ બાળકી ભણતી હોઈ શકે છે.
ફરી ગૂગલ પરથી સ્કૂલ શોધી સ્કૂલના પ્રિન્સિપાલનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમના મારફતે ક્લાસ ટીચરનો ફોન નંબર મળ્યો હતો. વર્ગ શિક્ષકે બાળકીના પિતાનો નંબર આપતાં તેના પર સંપર્ક કરી કાકા-કાકી સાથે ફરવા આવેલી તેમની દીકરી વિશે માહિતી આપી હતી. એ પછી બાળકીના કાકાનો નંબર મેળવી તેમને બોલાવી ખરાઈ કર્યા બાદ માત્ર 2 કલાકમાં બાળકી સોંપી દેવાઈ હતી.
ગેમનું નોટિફિકેશન જોઈને આઈફોન પણ પરત કરાયો
થોડા સમય પહેલા નગરમાં સ્વયંસેવકોને આઈફોન 14 પ્રો મેક્સ ફોન મળ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે, ફોનના ડિસ્પ્લે પર વ્યક્તિનું નામ અને ન્યુયોર્ક ટાઈમ ઝોન આવી રહ્યો હતો. જેના આધારે અનુમાન કરાયું કે, ફોન ન્યુયોર્કના સંબધિત વ્યક્તિનો હોઈ શકે છે. ફોનને સ્વયંસેવકના અન્ય ફોનના હોટસ્પોટ સાથે કનેક્ટ કરતા જ ફોન ઉપર ‘ક્લેશ ઓફ કલેન’ ગેમના નોટિફિકેશન્સ આવવાના શરૂ થયા હતા. ઓનલાઇન ગ્રૂપમાં રમાતી આ ગેમના નોટિફિકેશન્સ જોઈ ઈન્વેસ્ટિગેશન કરનાર સ્વયંસેવકે પોતાના મોબાઈલમાં તે ગેમ ડાઉનલોડ કરી અને તેઓ ગેમના ગ્રૂપમાં જોડાઈ માલિકને શોધી કાઢ્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.