કહાણી સ્વાતંત્ર્ય સેનાનીની:જન્મના 10 મહિને મા અને 10 વર્ષે પિતા ગુમાવ્યાં, છતા ભારત માને આઝાદ કરાવવા 18 વર્ષની ઉંમરે 8 મહિના જેલવાસ ભોગવ્યો

અમદાવાદએક વર્ષ પહેલા
  • હું મિલમાં નોકરી કરતો અને આઝાદી માટે લોકોને જાગૃત કરતા પકડતા 8 મહિનાની જેલ ભોગવી: ઈશ્વરલાલ દવે
  • કોંગ્રેસના સેવાદળમાં રહીને ઘરે ઘરે જઈને પત્રિકા આપતા હતા

1947ના વર્ષ અગાઉ દેશભરમાં અનેક આંદોલન, ચળવળ, પ્રદર્શન થયા હતા. ગુજરાતમાંથી અનેક લોકો ભારતની આઝાદી માટે બલિદાન આપ્યું છે. તે સમયે આઝાદીની લડતમાં ફાળો આપનાર અનેક સેનાની હજુ પણ જીવે છે. અનેક લોકોએ દેશની આઝાદી માટે અલગ અલગ ફાળો આપ્યો છે ત્યારે નવરંગપુરામાં રહેતા ઈશ્વરલાલ દવે હજુ પણ આઝાદીના સ્મરણ યાદ કરે છે અને પોતાના અનુભવ લોકોને જણાવે છે.

10 વર્ષની ઉંમરે જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી
ઈશ્વરલાલ દવેનો જન્મ 14 જાન્યુઆરી 1924ના રોજ થયો હતો. જન્મના 10 મહિના બાદ તેમના માતાનું અવસાન થયું હતું અને 10 વર્ષ બાદ પિતાનું અવસાન થયું હતું. આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાથી નોકરી શરુ કરી હતી. ઇદગાહ ગેટ પાસે મિલમાં તેઓ નોકરી કરતા હતા. આ દરમિયાન આઝાદીની લડત પુરજોશમાં ચાલી રહી હતી. જેમાં યુવાનોની ખાસ જરૂર હતી. જેથી તેઓ નોકરીની સાથે આઝાદીની લડતમાં 18 વર્ષની ઉંમરે જ જોડાયા હતા.

18 વર્ષની ઉંમરે જેલવાસ ભોગવ્યો
18 વર્ષની ઉંમરે જેલવાસ ભોગવ્યો

અસારવામાં રેલી કાઢતા આખી રાત જેલમાં રહ્યા
શરૂઆત કોંગ્રેસના સેવાદળથી કરી હતી. દરિયાપુર વાડીગામમાં રહેતા હોવાથી ત્યાં તેમને મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. શરૂઆતમાં તેઓ લોકોને આઝાદી માટે જાગૃત કરવા ઘરે ઘરે જઈને પત્રિકા આપતા હતા. બાદમાં સરદાર પટેલની સભા હતી, જેમાં સરદારે કહ્યું- હવે બધાએ પોતાના નેતા જાતે જ બનવાનું છે અને લડત મજબુત બનવાની છે, જેથી ઈશ્વરલાલ અન્ય લોકો સાથે માંડીને રેલી નીકાળી હતી. અસારવા અને તેના આસપાસના વિસ્તારમાં લોકોને જાગૃત કરવા માટે રેલી નીકાળી હતી. તે વખતે પોલીસ દ્વારા તેમની અને અન્ય 40 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આઝાદીની લડાઈમાં ભાગ લેધો હોવાથી 8 મહિનાની જેલ થઈ
ધરપકડ કર્યા બાદ તેમને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા, જ્યાં એક રૂમમાં 40 જણને આખી રાત બંધ કરીને રાખવામાં આવ્યા હતા. સવારે તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ઈશ્વરલાલને 6 મહિનાની જેલ અને 200 રૂપિયા દંડની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ 200 રૂપિયા ના હોવાને કારણે તેમને 8 મહિનાની જેલ કરવામાં આવી હતી. તેમને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા હતા. અહીંથી તેમને સમય કરતા 15-20 દિવસ વહેલા તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. જેલમાં જવાના કારણે તેમની નોકરી પણ છૂટી ગઈ હતી.

લડતમાં રવિશંકર મહારાજ, જીવી માવલંકર પણ સાથે હતા
લડતમાં રવિશંકર મહારાજ, જીવી માવલંકર પણ સાથે હતા

'દેશ આઝાદ થયા બાદનું ભારત મારી કલ્પના જેવું નથી'
ઈશ્વરલાલે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેં 18 વર્ષની ઉમરે જ રેલી કાઢી હતી. જેના કારણે મને 8 મહિનાની સજા કરવામાં આવી હતી. હું સરદાર પટેલના ભાષણ સંભાળતો હતો, તેમનાથી પ્રેરિત હતો. મારી સાથે જીવી માવલંકર, રવિશંકર મહારાજ, રાવજી કાકા અને ઠાકોર ભાઈ હતા. મેં આઝાદીની લડતમાં જોડાયા બાદ મુવમેન્ટ સારી રીતે ચાલે અને નબળાઈ ના આવે તે માટે પ્રવૃતિઓ કરી હતી. દેશ આઝાદ થયા બાદનું ભારત અને આજનું ભારત એકદમ અલગ છે. આજના ભારતને મેં આઝાદી સમયે કરેલી કલ્પના જેવું નથી. મેં સુખ-શાંતિ અને વિકાસ વાળું ભારત વિચાર્યુ હતું, જે થયું નથી. પરંતુ નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ થોડું થવા લાગ્યું હોય તેવું લાગે છે. સ્વાતંત્ર્ય સેનાઓનીનું માન- સન્માન જળવાય કે ના જળવાય તેને હું મહત્વ આપતો નથી.

અન્ય સમાચારો પણ છે...