ગુજરાત વિધાનસભામાં હાલ ચાલી રહેલા પ્રશ્ન પ્રત્યુત્તરમાં ગુહમાં પૂછાયેલા નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ સંદર્ભના પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, આ એક્ટ હેઠળ રાજ્યના 71 લાખથી વધુ લાભાર્થી કુટુંબને વિના મૂલ્યે અનાજ પૂરૂં પાડવામાં આવી રહ્યું છે. ત્યારે ઉર્જા મંત્રીએ રાજ્યના તમામ અનુસૂચિત જાતિના નાગરિકોને વીજ પુરવઠો પૂરો પાડવા સરકાર દ્વારા કરાયેલા આયોજનની માહિતી આપી હતી. જ્યારે ગૃહમાં કર્મચારી/અધિકારીના પેન્શનના પડતર કેસો સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાણામંત્રીએ માહિતી આપી હતી.
એક વર્ષમાં આણંદ શહેરમાં 904 કુટુંબોને સમાવાયા
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં ગરીબ પરિવારનો એક પણ સભ્ય ભૂખ્યા પેટે ન સુવે તે માટે સરકાર વિશેષ ચિંતા કરી રહી છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ રાજ્યના 71 લાખથી વધુ લાભાર્થી કુટુંબને સમાવીને તેમને વિના મૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આણંદ શહેરમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ છેલ્લા એક વર્ષમાં સમાવવામાં આવેલી જન સંખ્યા અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રીએ ઉમેર્યું હતું કે, તા.31 જાન્યુઆરી 2023ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં આણંદ શહેરમાં જ આ એક્ટ હેઠળ 904 લાભાર્થી કુટુંબોને સમાવવામાં આવ્યા છે. જેની જનસંખ્યા 5401 છે. આણંદ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં કુલ મળેલી અરજીઓ પૈકી 7301 અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
SC નાગરિકોના વીજ જોડાણ માટે ખાસ આયોજન
રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈ જણાવ્યું હતું કે, ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં 2124 વીજ જોડાણો રૂપિયા 429.75 લાખના ખર્ચે પુરા પાડ્યા છે. આજે વિધાનસભામાં અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ કહ્યું હતું કે, આ યોજના હેઠળ વીજ જોડાણ મેળવવા માગતા લાભાર્થીઓને ઘર વપરાશ માટે વીજ જોડાણો વિના મૂલ્યે તેમજ ખેતીવાડી માટેના વીજ જોડાણો રાહત દરે પૂરા પાડવામાં આવે છે. ઘર વપરાશનું વીજ જોડાણ મેળવવા માટે નિયત નમુનાના અરજદારોને અરજી કરવાની રહેશે. જેના માટે યોજના માટેનું પ્રમાણપત્ર, અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર, રહેઠાણના પુરાવા સામેલ રાખવાના હોય છે. ત્યારબાદ વીજ કંપનીઓ દ્વારા જોડાણ અપાય છે. આ માટે વીજ વપરાશની નવી વીજ લાઈનો નાંખવાની થાય તો તે અંગે પણ લાભાર્થી વતી ખર્ચ રાજય સરકાર ભોગવે છે. આ માટે કોઈ આવક મર્યાદાની જરૂર નથી. એ જ રીતે ખેતી વિષયક જોડાણો માટે પણ નિયત નમૂનામાં અરજી કરવાની હોય છે. જેમાં સામાન્ય ખેડૂતો કરતાં અનુસૂચિત જાતિના ખેડૂતોને રાહત દરે નિયત કરાયેલ દર મુજબ ભરવાની હોય છે.
કર્મચારીઓના પેન્શનના પડતર કેસો સદર્ભે માહિતી આપી
નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, નિયામક, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ કચેરી દ્વારા સરકારી કર્મચારી-અધિકારીઓના પેન્શન માટેની કાર્યવાહી મોટાભાગે ઓનલાઇન કરી દીધી છે. એટલું જ નહીં કર્મચારી-અધિકારીઓ પેન્શન કેસને લગતી કોઈપણ માહિતી ઓનલાઇન ઘરે બેઠા મેળવી શકે તે માટે પેન્શન પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. દર મહિને 4.99 લાખથી વધુ પેન્શનરને તેમના બેંક ખાતામાં નિયમિતપણે રૂ.1575 કરોડ ચૂકવવામાં આવે છે. તે ઉપરાંત સરકારી કર્મચારી/અધિકારીના મૃત્યુના કિસ્સામાં અપાતા કુટુંબ પેન્શન અને તેની પાત્રતા તથા ધોરણો અંગે મંત્રીએ માહિતી આપી હતી. વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, તા.31 ડિસેમ્બર 2022ની સ્થિતિએ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ કચેરીમાં અધિકારી/કર્મચારીના રજૂ થયેલા કુલ 596 પેન્શન કેસો પડતર હતા. જે પૈકી હાલ એક પણ પેન્શન કેસ પડતર નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.