LRD ભરતી, હૈ તૈયાર હમ...:અમદાવાદમાં ગરીબ વર્ગના LRD ઉમેદવારો માટે પોલીસ ચલાવે છે કોચિંગ ક્લાસ; રોજ લેવાય છે ઓનલાઈન ક્લાસ, ટ્રેનરો આપે છે દોડની ટિપ્સ

અમદાવાદ17 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • કોચિંગ ક્લાસમાં પોલીસ દ્વારા જ વિદ્યાર્થીઓને દરેક વિષયના પુસ્તકો મફત અપાય છે
  • 100-100 વિદ્યાર્થીઓની બેચમાં રોજના બે ઓનલાઈન ક્લાસ ચાલે છે

રાજ્યમાં પોલીસમાં ભરતી આવે ત્યારે યુવાનો નોકરી મેળવવા માટે તનતોડ મહેનત કરતા હોય છે, જેમાં લેખિત પરીક્ષામાં પાસ થવા માટે કોચિંગ કલાસીસમાં પણ જતા હોય છે. જોકે કોચિંગ ક્લાસીસની ફી વધુ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના યુવાનો ક્લાસીસમાંથી તૈયારી કરી શકતા નથી. ગરીબ અને મધ્યમવર્ગના હોશિયાર- મહેનતુ વિદ્યાર્થીઓ માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા મફત કોચિંગ કલાસીસ ચલાવવામાં આવે છે.

ત્રણ મહિનાની બે બેચમાં કુલ 200 વિદ્યાર્થીને પોલીસ અધિકારી અને જે-તે વિષયના નિષ્ણાત દ્વારા ભણાવવામાં આવે છે. કોરોનાને કારણે ઓનલાઇન કલાસીસ ચલાવવામાં આવી રહ્યા છે. એમાં કાયદો, ગુજરાતનો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ, કરન્ટ અફેર્સ, બંધારણ જેવા વિષયોની તૈયારી કરાવવામાં આવે છે. ઉપરાંત ફિઝિકલ ટેસ્ટમાં દોડ માટેની ટિપ્સ પણ આપવામાં આવે છે.

100-100 લોકોની બે બેચમાં ક્લાસ ચાલે છે
ગુજરાત પોલીસની LRDની ભરતીને ધ્યાનમાં રાખીને આગામી ડિસેમ્બર મહિનાથી નવી બે બેચ શરૂ કરાશે. અમદાવાદ ઝોન 4 ડીસીપી રાજેશ ગઢિયાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગરીબ અને મધ્યમવર્ગના યુવાઓ જે પોલીસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરે છે, જેઓ ખાનગી કોચિંગ કલાસીસના ખર્ચ ન કરી શકે, એને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા મફતમાં કોચિંગ કલાસીસ શરૂ કરવામાં આવ્યા છે. એમાં ગૂગલ લિંક પર રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જે પણ યુવાઓ રજિસ્ટ્રેશન કરાવે છે તેમની જનરલ નોલેજની પરીક્ષા લેવામાં આવે છે અને તેમાંથી પાસ થનારની 100-100 એમ 200 લોકોની બે બેચ કરવામાં આવે છે.

ડિસેમ્બરની બેચ માટે ક્યાંથી ફોર્મ ભરશો?
LRD સહિતની પરીક્ષાઓ માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવતા મફત કોચિંગ કલાસીસની નવી બે બેચ આગામી ડિસેમ્બર મહિનામાં શરૂ થવા જઇ રહી છે. જેના માટે રજિસ્ટ્રેશનની ગૂગલ લિંક જાહેર કરવામાં આવી છે. https://forms.gle/i3tVhnjV9H27Dq4z5 લિંકમાં ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભરવાની તારીખ 15 નવેમ્બરથી 25 નવેમ્બર સુધીની છે. ફોર્મ ભર્યા બાદ પ્ર​વેશ પરીક્ષા લેવાશે જેની સંભવિત તારીખ 28 નવેમ્બર છે. પરીક્ષાનું સ્થળ શ્રી જે.ડી નગરવાલા પોલીસ સ્ટેડીયમ શાહીબાગ અમદાવાદ રહેશે. કોચિંગ કલાસની નવી બેચ 1 ડિસેમ્બરથી શરૂ થશે.

પોલીસ તરફથી દરેક વિષયનાં પુસ્તકો મફત અપાય છે
બે કલાકના કલાસમાં એક-એક કલાક અલગ અલગ વિષય પર ભણાવવામાં આવે છે. કાયદો, ગુજરાત ઇતિહાસ, ભારતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણ, કરન્ટ અફેર્સ, બંધારણ જેવા વિષયોની તૈયારી કરાવવામાં આવે છે. કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને શહેર પોલીસ તરફથી દરેક વિષયનાં પુસ્તકો મફતમાં આપવામાં આવે છે. લેસ્ટેટ માહિતી સાથેના ખાનગી પ્રકાશનનાં પુસ્તકો મફતમાં આપવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓ વધુ સારી મહેનત કરી શકે એવા પ્રયાસો કરવામાં આવે છે.

ગ્રાઉન્ડ પર લઈ જઈને ટ્રેનરો દોડની ટિપ્સ આપે છે
ફિઝિકલ ટેસ્ટ માટેની તૈયારીઓ માટે બેઝિક ટિપ્સ આપવામાં આવે છે. ગ્રાઉન્ડ પર તેમને લઇ જઇ માહિતી આપવામાં આવે છે. આમાં લંગ્સની કેપેસિટી વધે, ડાયેટનું ધ્યાન રાખવું વગેરે ટિપ્સ આપવામા આવે છે. 5 કિલોમીટરની દોડ 25 મિનિટમાં કઈ રીતે પૂરી કરવી એ અંગે ફિઝિકલ ટ્રેનરો દ્વારા માહિતી આપી દોડ અંગે ટિપ્સ આપવામાં આવે છે. ડીસીપી રાજેશ ગઢિયા પોતે પણ ગ્રાઉન્ડ પર વિદ્યાર્થીઓ સાથે રહી તૈયારીઓ અંગે ટિપ્સ આપે છે અને ક્યારેક લેક્ચર લઈ કેવી રીતે વાંચવાની તૈયારી કરવી વગેરેની માહિતી આપે છે.