છેતરપિંડી:અમદાવાદમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સના વેપારી સાથે ઠગાઈ, સેલ્ટોસ, હોન્ડા સિટી અને બુલેટ ભાડે લઈને બારોબર ગિરવે મૂકી દીધી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સેલ્ટોસ રોજના 4000, હોન્ડા સિટી રોજના 2500 અને બુલેટ રોજના 1000 લેખે ભાડે લીધા હતા

અમદાવાદમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેસ કરતા વેપારી સાથે છેતરપિંડીનો બનાવ બન્યો છે. જાણીતા જ વ્યક્તિએ વેપારી પાસેથી બે કાર અને એક બુલેટ ભાડે ચલાવવા માટે લઈને તેમને બારોબાર ગીરવે મૂકી દીધા. જ્યારે વેપારીએ પોતાના વાહન પાછા લેવા માટે આ વ્યક્તિઓને ફોન કર્યો તો તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. જ્યારે કારમાં ફીટ કરેલા લોકેશન ટ્રેકરથી વાહનને ટ્રેક કર્યા ત્યારે સાવરકુંડલા અને વેરાવળમાં વાહનો હોવાની જાણ થઈ.

બે મહિના માટે કાર ભાડે લઈને ગિરવે મૂકી દીધી
શહેરના બોપલમાં રહેતા હિતેષ ખોખરા શ્યામલ ચાર રસ્તા પાસે સાંઈવીર ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામથી ઓફિસ ધરાવી કાર ભાડે આપવાનું કામ કરે છે. 5મી ફેબ્રુઆરી 2021ના રોજ રવી વાંઝા અને તેનો મિત્ર બંને હિતેષભાઈની ઓફિસ જઈને તેમની કિયા સેલ્ટોસ કાર બે મહિના માટે ભાડે માંગી હતી. જેથી તેમણે રોજના 4000 રૂપિયાના ભાડા પેટે કારને આપી. બંનેએ તે સમયે એડવાન્સ રૂ.1 લાખ જમા કરાવ્યા અને બાકીનો હિસાબ કાર જમા કરાવવા આવે ત્યારે જોઈ લઈશું એમ કહ્યું. બે મહિના બાદ બંને તેની ઓફિસે પાછા આવ્યા અને સેલ્ટોસ કારના ભાડાના 1.50 લાખ ચૂકવ્યા અને કાર જમા કરાવવા આવે ત્યારે હિસાબ જોઈ લેવાનું કહ્યું.

સેટેલાઈટ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
સેટેલાઈટ પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

વેપારીનો વિશ્વાસ જીતવા એડવાન્સમાં અમુક રકમ આપી દેતા
​​​​​​​
આ બાદ 1લી મેએ બંને ફરી હિતેષભાઈની ઓફિસે આવી એક મહિના માટે બુલેટ ભાડે માંગ્યું હતું. જેને રોજના 1000ના હિસાબ લેખે હિતેષભાઈએ આવ્યું. જેની સામે બંનેએ રૂ.10 હજાર એડવાન્સમાં ચૂકવ્યા. બાદમાં 16મી જૂને બંને હિતેષભાઈની ઓફિસે ગયા અને મિત્રને બહાર જવાનું કહી 20 દિવસ માટે હોન્ડા સિટી કાર ભાડે માંગી હતી. જેનું દૈનિક 2500 ભાડું નક્કી કરાયું. બંનેએ તેના માટે એડવાન્સમાં 50 હજાર ચૂકવ્યા. જોકે કાર ભાડાનોસમય પૂરો થઈ જતા હિતેષભાઈએ ફોન કરીને કાર મૂકી જવાનું કહેતા બંનેએ વધુ થોડા દિવસ ભાડું ચાલું રાખવા કહ્યું. આમ વારંવાર બંને વ્યક્તિ વિશ્વાસ અપાવી ત્રણેય વાહનો જમા નહોતા કરાવતા. બાદમાં તેમણે હિતેષભાઈના ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું.

વેરાવળ અને સાવરકુંડલામાંથી વાહન મળ્યા
​​​​​​​
હિતેષભાઈએ રવી વાંઝાના ઘરે જઈને પૂછતા તેમને જવાબ મળ્યો કે તેઓ મકાન ખાલી કરીને જતા રહ્યા છે. આ બાદ તેમણે કારના GPSનું લોકેશન જોયું ત્યારે તેમની સેલ્ટોસ કાર અને બુલેટ વેરાવળમાં અને હોન્ડા સિટી કાર સાવરકુંડલામાં હોવાનું માલુમ પડ્યું. બંને સ્થળે જઈને તેમણે તપાસ કરતા સેલ્ટોસ કાર અને બુલેટ 4 લાખમાં તથા હોન્ડા સિટી 2.50 લાખમાં ગીરવે મૂક્યા હોવાનું જાણ થઈ. આથી હિતેષભાઈએ બંને વિરુદ્ધ છેતરપિંડી તથા વાહનભાડાના 9.63 લાખ પણ ચૂકવ્યા ન હોવાની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.