છેતરપિંડી:સરકારી યોજનાના લાભની લાલચ આપી લોકો સાથે 42 લાખની ઠગાઈ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સરગાસણ, વાવોલના પુરુષ-મહિલા સામે કાગડાપીઠ પોલીસમાં ફરિયાદ
  • મહિલાને વિશ્વાસમાં લઈ તેનાં સગાંસંબંધીઓ સહિત અનેક લોકોને છેતર્યા

સરકાર તરફથી મળતી વિવિધ આર્થિક સહાય યોજનાનો લાભ અપાવવાના બહાના હેઠળ એક મહિલા અને એક પુરુષે સંખ્યાબંધ લોકો પાસેથી કમિશન પેટે રૂ.42 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી તેમ જ તેમને યોજનાઓનો લાભ નહિ આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

કાંકરિયા વિસ્તારની ન્યૂ આદર્શ સોસાયટીમાં રહેતા વંદનાબેન સોલંકીની ફરિયાદ અનુસાર 2019માં તેઓ વાવોલ એસબીઆઈ બેંકમાં મુદ્રા લોન બાબતે ગયાં હતાં ત્યારે તેમની ઓળખાણ સરગાસણના સંતોષકુમાર રાવલ સાથે થઈ હતી, જેણે તેમને મુદ્રા લોન કરાવી આપવાનું કહ્યું હતું, જેથી વંદનાબેનને વિશ્વાસ બેસતા તેમણે પોતાના દસ્તાવેજો સંતોષ રાવલને આપ્યા હતા જે સમયે બેંકમાં ખાતુ ખોલાવવા માટે રૂ. 3 હજાર લીધા હતા બાદમાં સંતોષે લોન નહીં થાય તેમ કહીને પૈસા પાછા આપી દીધા હતા. ત્યાર બાદ સંતોષ વંદનાબેનના ઘરે આવ્યો હતો અને તેમને સુકન્યા સમૃદ્ધિ યોજના, મુખ્યમંત્રી કન્યા વિવાહ યોજનામાં રૂ. 60 હજારની સહાય મળે છે તેમ કહેતા વંદનાબેને તેમની આસપાસમાં રહેતા લોકોને આ યોજના અંગે વાત કરતા તેઓ લાભ લેવા માટે તૈયાર થયાં હતાં.

થોડા સમય બાદ સંતોષ રાવલ તેની સાથે પૂજા પટેલને પોતાની સાથે લઈને આવ્યા હતા અને તેમણે વિવિધ યોજનાના ફોર્મ ભરાવીને યોજનાના 60 હજાર આપીને તેમનો વિશ્વાસ કેળવ્યો હતો. સગાંસબંધીઓને સરકારી યોજનાઓનો લાભ આપવાની લાલચ આપી સંતોષ રાવલે 900થી વધુ ફોર્મ ભરાવી કમિશન પેટ રૂ. 60 લાખ વસૂલ્યા હતા. પૈસા પરત માગતા તેમણે રૂ. 18 લાખ પરત આપ્યા હતા, પરંતુ બાકીના પૈસા પરત ન કરતા વંદનાબેને તે બંને સામે સામે ફરિયાદ નોંધાવી હતી.

900 ફોર્મ ભરી પૈસા લઈ છેતરપિંડી આચરી
શરૂઆતમાં કન્યા યોજનામાં રૂ. 60 હજાર આપ્યા બાદ વિશ્વાસ કેળવી સંતોષ રાવલે વંદનાબેન થકી લોકોના કુલ 900 જેટલા ફોર્મ ભર્યા હતા.જેમાં બેંકખાતુ ખોલાવવાના રૂ.એક હજાર અને કમિશનના 2500 લેખે 60 લાખ જેટલી રકમ મેળવી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...