સરસપુરમાં રહેતા એએમસીના નિવૃત્ત કર્મચારીને ઈન્ડિયન ઓઈલના પેટ્રોલપંપની ડીલરશિપ અપાવવાને નામે અજાણી વ્યક્તિએ અલગ અલગ બહાના હેઠળ રૂ.39.60 લાખ પડાવી છેતરપિંડી કરી હતી. આ અંગે સાઇબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સરસપુરમાં પ્રાર્થના બંગલોઝમાં રહેતા અને એએમસીમાંથી તાજેતરમાં જ નિવૃત્ત થયેલા ઠાકોરભાઈ પટેલના પુત્ર ભાર્ગવ પટેલે ગૂગલ પર ઈન્ડિયન ઓઈલ પેટ્રોલપંપની ડીલરશિપ માટે સર્ચ કરતા વેબસાઈટ ખૂલી હતી, જેના પર એક ફોર્મ ખુલ્યું હતું, જેમાં ઠાકોરભાઈના નામે ડીલરશિપ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું. આ દરમિયાન ઠાકોરભાઈ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં વાત કરનારે પોતે ઈન્ડિયન ઓઇલ કંપનીમાંથી બોલતા હોવાનું કહીને ડીલરશિપ માટે વાતચીત કરી વિશ્વાસ કેળવી, ડોક્યુમેન્ટ વગેરેની માગણી કરીને ડીલરશિપ માટે 15થી 20 લાખના રોકાણની વાત કરી હતી.
ત્યારબાદ પેટ્રોલપંપ માટે લોકેશન માગતા ઠાકોરભાઈએ વાંસદા રોડનંુ લોકેશન મોકલી આપ્યું હતું. ત્યારબાદ થોડા સમયમાં તેમને ડીલરશિપ માટે સિલેક્શન થઈ ગયું હોવાનું કહીને પૈસા ભરવાનું કહી, અલગ અલગ બહાના હેઠળ રૂ. 39.60 લાખ પડાવી લઈ, ડીલરશીપ આપી ન હતી. આથી ઠાકોરભાઈ પટેલે સાઇબર ક્રાઈમ પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.