ઠગાઈ:કેમિકલ સપ્લાયના નામે ચાંદખેડાના વેપારી સાથે રૂ.36 લાખની છેતરપિંડી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દિલ્હીના એડ્રેસ પર તપાસ કરી તો ત્યાં કોઈ કંપની જ નહોતી

ચાંદખેડામાં રહેતા અને એગ્રિકલ્ચર અને ફાર્મા કેમિકલનો વ્યવ્સાય કરતા વેપારીને કેમિકલ આપવાનું કહીને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવી કુલ રૂ. 36.50 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે વેપારીએ ક્રાઈમ બ્રાંચમાં બે વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ મુજબ ચાંદખેડામાં રહેતા અને મહેતા કેમિકલ્સ નામથી કેમિકલ ટ્રેડિંગનો વેપાર કરતા કેતનભાઈ મહેતાને ગત ઓગસ્ટ 2021માં એક કેમિકલ ખરીદવાની જરૂર પડતા ચાઈનાના તેમના મિત્રને પૂછતાં તેણે દિલ્હીના મુકેશ બાબુરામ મૌર્યનો નંબર આપ્યો હતો. મુકેશ સાથે વાત કરતા તેણે કેમિકલ આપવાની તૈયારી બતાવી હતી અને પર્ફોમાં ઈનવોઈસ કોટેશન મોકલી આપ્યું હતંુ. જેમાં તેનુ સરનામું દિલ્હી નેશનલ કેમિકલ્સ ક્રૂડ એન્ડ ફર્ટિલાઈઝર કંપની, સેકટર 34 રોહિણી નોર્થવેસ્ટ દિલ્હી લખેલંુ હતુ. આથી કેતનભાઈને તેના પર વિશ્વાસ આવતા તેમણે મુકેશ મૌર્યએ આપેલા બેંક એકાઉન્ટ પર રૂ. 36.50 લાખ મોકલી આપ્યા હતા, ત્યારબાદ ફોન કરતા તેમને પેમેન્ટ મળી ગયાનું અને ઓર્ડર મુજબનો માલ એક અઠવાડિયામાં મોકલી આપવાનો વાયદો કર્યો હતો.

કેતનભાઈએ દિલ્હી જઇ મુકેશને ફોન કરીને મળવાનું કહેતાં, તેણે પિતાનું અવસાન થયંુ હોઈ વતનમાં હોવાનું કહ્યું હતું. જો કે તેમ છતાં માલની ડિલિવરી ન મળતા શંકા જતા દિલ્હીના સરનામે તપાસ કરતા આવી કોઈ જ કંપની અસ્તિત્વમાં ન હોવાનંુ જણાતા કેતનભાઈ મહેતાએ ક્રાઈમ બ્રાંચમાં મુકેશ મૌર્ય તેમજ તેની કંપનીના ભાગીદાર જતિન શર્મા ( રહે. ઈન્દોર ) સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...