લગ્ન વાંછુક યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદ શહેરમાં રહેતી યુવતીને મેટ્રો મોનીયલ સાઈટ પરથી જીવન સાથી શોધવું ભારે પડ્યું છે. યુવતીને એક યુવકે કરોડો રૂપિયાની ગિફ્ટ મોકલી હોવાની લાલચ આપી અલગ-અલગ ટેકસ પેટે 22 લાખ જેટલા રૂપિયા પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે.
મેટ્રો મોનીયલ સાઇટ પર જીવનસાથી શોધી રહેલી અમદાવાદની એક યુવતીનો સંપર્ક અમોલ દલવી નામના યુવક સાથે થયો હતો. જે યુવક મૂળ પુણેનો અને પોતે વર્ષોથી યુ.કેમાં રહીને ત્યાં ગ્લાસગો સીટીમાં મોરીશન કન્ટ્રકશન લી. નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હોવાની ઓળખ આપી હતી. યુવક નાનપણથી યુકેમાં રહેતો હતો અને ભારતની છોકરી સાથે લગ્ન કરવા માગે છે અને ભારતમાં રહેવા માગે છે. તેવુ ખોટી ઓળખ દર્શાવી ફરિયાદી સાથે ચેટ દ્વારા તેમજ વોટ્સએપ ઓડીયો કોલિંગથી વાતચીત કરી તથા તેના ફોટાઓ મોકલી ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવ્યો હતો.
બાદમાં આરોપીએ યુ.કેથી પાર્સલ મોકલ્યા હતા જેમાં યુ.કેની કરન્સી હોવાનું કહ્યું હતું, જે ભારતીય ચલણ પ્રમાણે બે કરોડ જેટલી થાય છે. જે પાર્સલ છોડવવા માટે જણાવ્યું હતું. ત્યાર બાદ આરોપીઓએ મુંબઇ કસ્ટમ વિભાગમાંથી બોલાતા હોવાનું જણાવી યુ.કેથી પાર્સલ આવેલું છે તેવું ફરીયાદીને જણાવી તેમજ મુંબઇ બ્રિટીશ એમ્બેસીની ઓળખ આપી અમોલ દલવી વતી પાર્સલ છોડાવી આપશે તેમ કહીને અલગ અલગ ચાર્જીસ પેટે રૂપિયા 21,79,500 બેંક એકાઉન્ટમાં ભરાવ્યા હતાં.
જો કે આ અંગે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમએ તપાસ કરતા અલગ-અલગ ફોનથી વાતચીત તેમજ બેન્ક એકાઉન્ટ, તેમજ ફરિયાદી પાસેથી નાણાં મેળવ્યા હતા તે દિલ્હીના ઇરફાનખાન હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને સાયબર ક્રાઇમે દિલ્હીથી ઇરફાનખાન નામના આરોપીને ઝડપી લીધો છે.
છેતરપિંડી આચરવા માટે આરોપીએ પોતાના આધાર કાર્ડમાં તેના વતનનું એડ્રેસ હતું, તે બદલી ગૌતમબુધનગર વેસ્ટ સહાવેરી નોયડાનું કરાવી આ આધાર કાર્ડ ઉપર એક નવું સીમ કાર્ડ ખરીદ્યું હતું અને ફરીયાદીના ફ્રોડના નાણા મેળવવા માટે બેંકોમાં એકાઉન્ટો ખોલાવી નવું સીમ કાર્ડનો નંબર બેંક એકાઉન્ટમાં રજીસ્ટર કરાવી ફ્રોડ કર્યાની કબુલાત કરી છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આ ગુનામાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલ છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.