નવરંગપુરામાં જે.કે. સ્ટીલના વેપારી પાસેથી 200 ટન સળિયા ખરીદીને 7 વેપારીએ રૂ.1.22 કરોડની ઠગાઇ કરી હતી. આ 7 વેપારી વિરુદ્ધ નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પાલડીમાં આવેલા પ્રકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષીય કલ્પેશ શાહ નવરંગપુરમાં જે.કે. સ્ટીલના નામે લોખંડનો વેપાર કરે છે. બે વર્ષ પહેલા ભાવનગરમાં રુદ્રા ટી.એમ.ટી. કંપનીના મેનેજર ચેતન પંચાલ સાથે ઓળખાણ થઇ હતી, જેના કારણે તેઓ અવાર-નવાર કલ્પેશભાઇની ઓફિસે આવતા હતાં. 28 ડિસેમ્બર 2021ના રોજ ચેતન પંચાલે ફોન કરીને રાધે કોર્પોરેશનના માલિક બ્રિંદલ પટેલને વાઇબ્રન્ટ ટી.એમ.ટી.નો 35 ટન માલ જોઇએ છે, જેના રૂપિયા 10 દિવસમાં આપવાનું કહીને રૂ.21.19 લાખનો 34,590 કિલો માલ ખરીદ્યો હતો ત્યારબાદ 1 જાન્યુઆરીએ બ્રિંદલ પટેલે 20,730 કિલો રૂ.12.77 લાખનો માલની ખરીદી કરી હતી, જેના રૂપિયા પણ 10 દિવસ પછી આપવાનું કહ્યું હતું.
ચેતનભાઇના કહેવાથી પ્રમુખ એન્ટરપ્રાઇઝના માલિક ધવલને રૂ.7.31 લાખનો 11,875 કિલો માલ અપાવ્યો હતો. ત્યારબાદ ધવલભાઇએ રૂ.15.33 લાખનો 24,910 કિલો માલની ખરીદી કરી હતી.
ચેતન પંચાલે ફોન કરીને વેદ ઇન્ફ્રાસ્ટ્રકચરના માલિક અમિતભાઇને પણ રૂ. 15.27 લાખનો 25,030 કિલો માલ અપાવ્યો હતો. આમ ચેતન પંચાલે ધવલભાઇ, અમિતભાઇ, બ્રિંદલ, કૃણાલ, વંદિતભાઇ, ભરતભાઇને કલ્પેશ શાહ પાસેથી કુલ રૂ.1.22 કરોડનો 200 ટન લોખંડના સળીયાનો માલ અપાવ્યો હતો.
આ માલના રૂપિયાની કલ્પેશભાઇએ ચેતન પંચાલ પાસે ઉઘરાણી કરતા તેઓ અલ્લા-ટલ્લા કરવા લાગ્યા હતાં. આથી કલ્પેશ શાહે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ઉપરોકત 7 જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.